ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / DGCVLએ 8 કલાકનો વીજકાપ રદ કર્યો, સુરતમાં સાંજના 4થી રાતના 12 સુધી ઔદ્યોગિક ફીડર ચાલુ રહેશે
Last Updated: 05:20 PM, 23 October 2026
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 18 વર્ષમાં પહેલીવાર ઊભા થયેલા ગંભીર વીજ સંકટને કારણે ઔદ્યોગિક એકમોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે, હવે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલી સ્ટેગર ડે મુજબની વીજ કાપની વ્યવસ્થા આજથી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાયર ઓથોરિટીની સૂચના મુજબ ઔદ્યોગિક ફીડરો પર સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો વીજ કાપ પણ રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ટેક્સટાઈલ સહિતના ઔદ્યોગિક એકમોને રાહત મળવાની આશા છે.
ADVERTISEMENT
જનરેટરના ખર્ચે ઉદ્યોગો પર રૂ. 50 કરોડ સુધીનો બોજ
અગાઉના વીજ કાપને કારણે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને ઉત્પાદન જાળવી રાખવા માટે જનરેટરનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. ખાસ કરીને પ્રોસેસિંગ મિલોમાં વીજળીના વિકલ્પ તરીકે જનરેટર ચલાવવાથી ખર્ચમાં મોટો વધારો થયો હતો.
ADVERTISEMENT
ઉદ્યોગ ક્ષેત્રના અંદાજ મુજબ, અંદાજે 400થી 450 પ્રોસેસિંગ મિલોને ચાર અઠવાડિયામાં જનરેટરના ઇંધણ અને સંચાલન પાછળ રૂ. 40થી 50 કરોડનો વધારાનો ખર્ચ થયો છે. આ હિસાબે દરેક મિલ પર સરેરાશ રૂ. 10 લાખ જેટલો વધારાનો બોજ પડ્યો છે. બીજી તરફ, વીવિંગ સેક્ટરમાં સાપ્તાહિક રજાના કારણે ટેક્સટાઈલ ચેઈનને એક જ દિવસમાં રૂ. 15થી 20 કરોડ સુધીનું નુકસાન થતું હોવાનો અંદાજ ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો હતો. કાચા માલ અને ઉત્પાદન ખર્ચમાં પહેલેથી જ વધારો થઈ રહ્યો હતો, ત્યારે વીજ કાપે ઉદ્યોગોની મુશ્કેલીઓ વધુ વધારી દીધી હતી.
ADVERTISEMENT
'50 વર્ષમાં આવો કપરો સમય જોયો નથી'
દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિયેશનના પ્રમુખ જીતુભાઈ વખારિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 12થી 13 દિવસ દરમિયાન અચાનક બેઠકો યોજીને વીજ કાપ લાગુ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની અસરને કારણે ક્રૂડ, કોલસા અને ડાઈ-કેમિકલના ભાવમાં મોટો વધારો થતાં ઉદ્યોગો પહેલેથી જ આર્થિક દબાણ હેઠળ હતા.
ADVERTISEMENT

તેમણે જણાવ્યું કે, આવી સ્થિતિમાં દર મહિને વીજળી પાછળ વધારાના રૂ. 8થી 10 લાખનો ખર્ચ થાય તો નફો મેળવવો મુશ્કેલ બની જાય છે. પોતાના 50 વર્ષના અનુભવને યાદ કરતાં તેમણે કહ્યું કે, તેમણે આટલો કપરો સમય અગાઉ ક્યારેય જોયો નથી. તેમના મતે, કોરોના કુદરતી આફત હતી, જ્યારે હાલની પરિસ્થિતિમાં ઉદ્યોગોને નીતિગત અને વ્યવસ્થાપકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
દિવાળી પહેલાં વીજ કાપનો સમય બદલવાની માંગ
દિવાળી નજીક આવતાં ટેક્સટાઈલ ઉદ્યોગોમાં ઓર્ડર પૂર્ણ કરવા, માલનું ડિસ્પેચિંગ કરવા તેમજ કારીગરોના પગાર અને બોનસ ચૂકવવાની કામગીરી વધી જાય છે. આવા સમયે વીજ કાપને કારણે ઉત્પાદન ખોરવાતું હોવાથી ઉદ્યોગકારોએ વીજ કાપના સમયમાં ફેરફાર કરવાની માંગ કરી હતી.
ADVERTISEMENT
ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વીવિંગ ઇન્ડસ્ટ્રીમાં આશરે 45થી 48 હજાર યુનિટ કાર્યરત છે. દિવાળીના સોદા પૂર્ણ કરવા અને સમયસર ઓર્ડર પહોંચાડવા માટે સતત ઉત્પાદન જરૂરી છે. આ સમયગાળામાં વીજ કાપને કારણે ઉદ્યોગોને આર્થિક નુકસાન વેઠવું પડે છે અને બજારની માંગ પૂરી કરવામાં પણ મુશ્કેલી સર્જાય છે.
અચાનક વીજ કાપથી મશીનોના ઇલેક્ટ્રોનિક કાર્ડને નુકસાન
આધુનિક ટેકનોલોજી અને ઓટોમેટેડ મશીનોનો ઉપયોગ કરતા એકમો માટે અચાનક વીજ પુરવઠો બંધ થવો ગંભીર સમસ્યા બની રહ્યો હતો. વીજળી ખોરવાતાં મશીનો અચાનક બંધ થઈ જતાં તેમાં લગાવેલા રૂ. 5,000થી રૂ. 50,000 સુધીની કિંમતના ઇલેક્ટ્રોનિક કાર્ડ બળી જવાના કિસ્સાઓ સામે આવ્યા હતા.
અશોક જીરાવાલાના જણાવ્યા મુજબ, મશીન બંધ કરવું સરળ છે, પરંતુ તેને ફરી શરૂ કરીને ઉત્પાદનની સ્થિતિમાં લાવવામાં લગભગ બે કલાક જેટલો સમય લાગી શકે છે. અગાઉથી જાણ કર્યા વિના વીજ કાપ મૂકવામાં આવે તો મશીનરીને નુકસાન થવાની સાથે ઉત્પાદનનો સમય પણ બગડે છે. તેમણે માંગ કરી હતી કે, જો વીજ પુરવઠો બંધ કરતાં પહેલાં ઓછામાં ઓછા 15 મિનિટની જાણ કરવામાં આવે, તો એકમો મશીનોને યોગ્ય રીતે બંધ કરી શકે અને નુકસાન ઘટાડી શકે.
નિકાસ અને સ્થાનિક બજારમાં પણ માંગ ઘટી
વીજ સંકટની અસર માત્ર ઉત્પાદન પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સ્થાનિક બજાર અને નિકાસ ક્ષેત્ર પર પણ પડી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવવધારા, ગ્રે કાપડના ઊંચા ભાવ અને પ્રોસેસિંગ ચાર્જમાં વધારાને કારણે દિવાળીના સમયગાળામાં પણ બજારમાં અપેક્ષા કરતાં ઓછી માંગ જોવા મળી રહી હોવાનો ઉદ્યોગકારોનો દાવો છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, સારી ગુણવત્તાનું કાપડ તૈયાર કરવા માટે અવિરત વીજ પુરવઠો અત્યંત જરૂરી છે. ઉત્પાદન દરમિયાન વીજળી ખોરવાય તો કાપડમાં ખામી સર્જાઈ શકે છે, જેના કારણે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં માલની ગુણવત્તા અને સ્વીકાર્યતા પર અસર પડે છે.
આ પણ વાંચોઃ દ્વારકા-ઓખા દરિયામાં બે બોટ વચ્ચે જોરદાર ટક્કર, એક બોટ ડૂબવા લાગી, ખલાસીઓનો આબાદ બચાવ!
વીજ કાપ રદ થતાં ઉત્પાદનને વેગ મળવાની આશા
DGVCL દ્વારા સ્ટેગર ડે મુજબની વીજ કાપ વ્યવસ્થા રદ કરવાનો અને ઔદ્યોગિક ફીડરો પર સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો કાપ દૂર કરવાનો નિર્ણય લેવાતાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને મોટી રાહત મળી છે. હવે ઔદ્યોગિક એકમોમાં વીજ પુરવઠો સતત ચાલુ રહેવાની વ્યવસ્થાથી ઉત્પાદન પ્રક્રિયા સામાન્ય બનશે, જનરેટર પરની નિર્ભરતા ઘટશે અને દિવાળી પહેલાંના ઓર્ડર સમયસર પૂર્ણ કરવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, વધેલા ઉત્પાદન ખર્ચ, કાચા માલના ઊંચા ભાવ અને બજારમાં ઘટેલી માંગ જેવા પડકારો યથાવત્ છે. આવી સ્થિતિમાં સતત વીજ પુરવઠો ઉદ્યોગોને કેટલી આર્થિક રાહત આપે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT