ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 05:15 PM, 23 October 2026
1/7
ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ગ્રાહકોની પસંદગી અને ઈંધણના વિકલ્પોને લઈને મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવે નવું વાહન ખરીદતી વખતે માત્ર પેટ્રોલ અને ડીઝલ સુધી સીમિત રહેવું શક્ય નથી. બળતણના સતત વધતા ભાવ અને પ્રદૂષણના કડક બનતા નિયમો વચ્ચે દેશ-વિદેશની કાર ઉત્પાદક કંપનીઓ સીએનજી, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મહિન્દ્રા અને ટોયોટા જેવી અગ્રણી કંપનીઓ ભારતીય ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ વધુ વિકલ્પો પૂરા પાડવાની દિશામાં આગળ વધી રહી છે.
2/7
અગાઉ જ્યારે પણ નવી કાર ખરીદવાની વાત આવતી ત્યારે ગ્રાહકો સામે મુખ્યત્વે પેટ્રોલ અને ડીઝલના જ વિકલ્પો રહેતા હતા, પરંતુ વર્તમાન સમયમાં આ નિર્ણય એટલો સરળ રહ્યો નથી. સીએનજી, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગે ગ્રાહકો માટે નવી તકો ખોલી આપી છે. ઈંધણના વધતા ખર્ચ અને પર્યાવરણીય નિયમોને કારણે વાહન નિર્માતાઓ પણ પોતાની વ્યાપારી રણનીતિ બદલી રહ્યા છે. હવે કંપનીઓ માત્ર નવા મોડેલ ઉતારવા પર જ નહીં, પરંતુ એક જ બજારમાં વિવિધ જરૂરિયાતો ધરાવતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એકથી વધુ પ્રકારના પાવરટ્રેન ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકી રહી છે.
ADVERTISEMENT
3/7
બજારમાં આવી રહેલો આ બદલાવ આંકડાકીય રીતે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર 2026માં કુલ કારના વેચાણમાં પેટ્રોલ મોડેલ્સનો હિસ્સો ઘટીને 41% રહ્યો છે, જે સપ્ટેમ્બર 2025માં 47% હતો. બીજી તરફ, સીએનજી, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોનો સંયુક્ત હિસ્સો એક જ વર્ષના ગાળામાં 35% થી વધીને 41% સુધી પહોંચી ગયો છે.યુરોપની રેનો અને ફોક્સવેગન ગ્રુપ જેવી અગ્રણી કંપનીઓ હવે તેમના આગામી મોડેલ્સમાં ઇલેક્ટ્રિક અને સીએનજી વિકલ્પો પર વધુ ધ્યાન આપી રહી છે. રેનો ગ્રુપ ઇન્ડિયાના સીઈઓ સ્ટીફન ડેબ્લેસનું કહેવું છે કે ભારતમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે માત્ર નવી કાર રજૂ કરવી પૂરતી નથી. તે પણ એટલું જ મહત્વનું છે કે વાહન યોગ્ય એન્જિન વિકલ્પ સાથે બજારમાં આવે.
4/7
ભારતમાં વાહન ખરીદનારાઓની જરૂરિયાતો શહેર અને ભૌગોલિક વિસ્તાર મુજબ બદલાય છે. ઉદાહરણ તરીકે, મુંબઈમાં થતા કુલ કાર વેચાણમાં સીએનજી મોડેલ્સનો હિસ્સો અંદાજે 40% જેટલો છે. સ્ટીફન ડેબ્લેસના જણાવ્યા અનુસાર, આવા બજારમાં સીએનજી વિકલ્પ ન આપવો એટલે મોટી સંખ્યામાં ગ્રાહકો ગુમાવવા સમાન છે. અગાઉ મોટાભાગના લોકો પેટ્રોલ અને ડીઝલ વચ્ચે પસંદગી કરતા હતા, પરંતુ હવે સીએનજી, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કારોએ વિકલ્પો વધારી દીધા છે. આ જ કારણ છે કે કંપનીઓ એક કે બે પ્રકારના એન્જિન પર નિર્ભર રહેવાને બદલે અનેક વિકલ્પો આપવાની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
5/7
ભારતીય બજારમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવા માટે સ્ટેલાન્ટિસ કંપની પણ આ જ માર્ગે આગળ વધી રહી છે. કંપની એ થી ડી સેગમેન્ટ સુધીની કારો અને મિનીવેનમાં પેટ્રોલ-ડીઝલ આધારિત એન્જિન, હાઇબ્રિડ અને બેટરી ઇલેક્ટ્રિક વિકલ્પો આપવાનું આયોજન કરી રહી છે. સ્ટેલાન્ટિસ ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ હઝેલાના જણાવ્યા અનુસાર, કંપની પોતાના વૈશ્વિક પોર્ટફોલિયોનો ઉપયોગ ભારતીય ગ્રાહકોને વધુ વિકલ્પો આપવા માટે કરશે. કંપની સાત નવા મોડેલ અને પાંચ મોટા અપડેટ લાવવાની તૈયારી કરી રહી છે, જેમાંથી પ્રથમ લૉન્ચ 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં થશે. બીજી તરફ, ભારતમાં સ્કોડાના નેતૃત્વ હેઠળનું ફોક્સવેગન ગ્રુપ પણ સીએનજી અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોની શક્યતાઓ તપાસી રહ્યું છે. આનું એક મુખ્ય કારણ ઉત્સર્જનના કડક બનતા નિયમો પણ છે.
6/7
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અગાઉથી જ પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક એસયુવીનું વેચાણ કરે છે. તાજેતરમાં જ કંપનીએ ફેક્ટરી-ફિટેડ સીએનજી સેગમેન્ટમાં XUV 3XO ZNG લૉન્ચ કરીને નવું કદમ ઉઠાવ્યું છે. કંપની એવા પ્લેટફોર્મ પર પણ કામ કરી રહી છે, જેના દ્વારા એક જ આધાર પર વિવિધ ઊર્જા વિકલ્પો પૂરા પાડી શકાય. ટોયોટાના એક્ઝિક્યુટિવ સબરી મનોહરના જણાવ્યા મુજબ, કંપની વિવિધ ટેકનોલોજી પર સાથે કામ કરવાની રણનીતિ અપનાવી રહી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં આર્થિક સ્થિતિ, માર્ગો અને ભૌગોલિક પરિસ્થિતિઓ દરેક રાજ્યમાં એકસમાન નથી. આ જ કારણે દરેક જગ્યાએ એક જ પ્રકારની કાર સફળ થઈ શકતી નથી. ટોયોટાના જણાવ્યા અનુસાર, જ્યાં સીએનજી સરળતાથી ઉપલબ્ધ છે, ત્યાં તેની માંગ ઝડપથી વધી રહી છે.
ADVERTISEMENT
7/7
ગ્રાહકોના પ્રતિભાવોને આધારે ટોયોટાએ પોતાના સીએનજી મોડેલ્સમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ રજૂ કર્યા છે. કંપની અત્યાર સુધીમાં 3 લાખથી વધુ હાઇબ્રિડ વાહનોનું વેચાણ કરી ચૂકી છે. ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી અગાઉથી જ અનેક પાવરટ્રેન વિકલ્પો આપવાના મામલે આગળ રહી છે. હવે અન્ય વાહન ઉત્પાદકો પણ આ જ દિશામાં આગળ વધી રહ્યા છે. સ્પષ્ટ છે કે આગામી સમયમાં નવી કાર ખરીદતી વખતે માત્ર મોડેલ અને કિંમત જ નહીં, પરંતુ ઈંધણનો ખર્ચ, વપરાશ અને પોતાના વિસ્તારમાં ઉપલબ્ધ વિકલ્પો પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા