દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિના દિવસે થયેલી કથિત હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના સામે દિલ્હીના એક વકીલ દ્વારા જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કોર્ટે આ કેસની તપાસ માટે એક ટીમ બનાવાની માગ કરી છે. જાહેરહીત અરજીમાં કેસની જડ સુધી જવા માટે એનઆઈએને તપાસ સોંપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. હાલમાં આ સમયે દિલ્હીની ક્રાઈમ બ્રાંચ આ મામલે તપાસ કરી રહી છે. દાખલ કરવામાં આવેલી અરજીના માધ્યમથી ચીફ જસ્ટિસની આગેવાનીમાં એક તપાસ ટીમ બનાવાની માગ કરવામાં આવી છે. જે આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરશે.
હિંસામાં સંડોવાયેલા 20 લોકોની ધરપકડ
આ બબાલને લઈને અત્યાર સુધીમાં દિલ્હીમાં થયેલી હિંસામાં 20થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી બે સગીર પણ સામેલ છે. દિલ્હીના જહાંગીરપુરી માં થયેલી હિંસાના મુખ્ય આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો છે. આરોપીએ કથિત હિંસા મામલે પોતાની સંડોવણીને સ્વિકારી છે. સુનાવણી દરમિયાન રોહિણી કોર્ટ માટે આરોપી અંસારે વારંવાર કહ્યું કે, હું દોષિત છું. દિલ્હીની રોહિણી કોર્ટે જહાંગીરપુરી હિંસાના મુખ્ય આરોપી અંસાર અને અસલમને એક દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા છે. બાકીના 12 આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જહાંગીરપુરી હિંસામાં કેટલાય પોલીસકર્મી અને સ્થાનિક લોકો ઘાયલ થયા છે. આ મામલાને તાત્કાલિક ધોરણે ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવ્યો છે.
શોભાયાત્રા દરમિયાન ષડયંત્ર રચાયું હોવાનો આરોપ
સુનવાણી દરમિયાન પોલીસે આરોપ લગાવ્યો હતો કે, મુખ્ય આરોપીઓએ 15 એપ્રિલે શોભાયાત્રા દરમિયાન ષડયંત્ર રચ્યું હતું. પોલીસે કહ્યું કે, અમે સીસીટીવી ફુટેઝ જોઈને આ મામલામાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.