વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં 29 માર્ચના રોજ ફરી વરસાદી માહોલ સર્જાશે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે.
ફરી કમોસમી વરસાદની આગાહી
29 માર્ચના રોજ વરસાદની આગાહી
ભારે પવન સાથે પડી શકે વરસાદ
છેલ્લાં કેટલાંક દિવસોથી ખાબકી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાનીની કડ વળી નથી, ત્યાં ફરી કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 માર્ચના રોજ ફરી રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે.
માવઠું થવાની આગાહી
હવામાન વિભાગનું માનવું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન હજુ આવી શકે અને 29 માર્ચે ફરી વાદળો આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 29 માર્ચે વરસાદી માહોલ સર્જાઈ શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યમાં તોફાની પવન સાથે માવઠું થવાની આગાહી છે. તો આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો 3થી 5 ડિગ્રી વધી શકે છે.
ખેડૂતને માવઠાનો માર
આ વખતે માવઠાનો માર ખેડૂતોને ભારે પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ઉનાળો અને ચોમાસુ મિશ્રઋતુ ચાલી રહી હોય તેવું વાતાવરણ છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે, પાક બગડી જવો અને પાકમાં નુકસાની થવાના લીધે આગામી દિવસોમાં સિઝનેબલ વસ્તુ ભરવા વાળાઓના ખિસ્સા પર ભાર વધશે તે વાત નક્કી છે. હાલ સમયાંતરે પવન સાથે માવઠું વરસી રહ્યું છે જેમા પાકને ભારે નુકસાની થઈ રહી છે. ખાસ કરીને જીરુ, ઘઉ, ઘાણા, ચણા અને ખાસ કરીને સૌ કોઇ ઉનાળામાં રાહ જોઇ બેઠા હોય તે કેરી. આ પાકને હાલ ખાસ્સું એવું નુકસાન થયું છે, જે બજારમા ઉંચા ભાવે મળશે તેવું ખેડૂતો કહી રહ્યાં છે.
ધાણા પર પણ માવઠાનો માર
કેરી સિવાય મસાલા અને ઘઉં ભરવાની સિઝન ચાલી રહી છે. તેમાં માવઠોનો માર જોવા મળશે. ગોંડલના ખેડૂત અને ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક પરેશ વડોદરિયાના જણાવ્યા મુજબ, મોટા ભાગના ખેડૂતોએ જીરાના પાકને ઉતારી લીધો હોવા છતાં અમુક લોકોને બાકી હોય તેવાં જીરુના પાક સાવ પુરો થઇ ગયા છે. આ સિવાય ઘઉંની વાત કરીએ તો હાલ લોકો 12 મહિનાના ઘઉં ભરવાની સિઝનમા હોય છે. નવા જુના ઘઉંના લોકો રાહ જોતા હોય આ પાકને પણ 70 ટકા નુકાસાન પહોચાડીં દીધું છે. અવાનાર સમયમા ઘઉં લેવા હશે તો ભાવ ઉંચો ચુકવાની તૈયારી રાખવી પડશે અને મસાલામા ધાણા પર પણ માવઠાનો માર જોવા મળશે અને વરસાદના લીધે ચણા જમીનમા ઉતરી જાય છે અને ખરી જાય છે જે ખેડૂતના હાથમા આવતા નથી એટલે ધાણા અને ચણાના ભાવમા થોડી ઉંચી કિંમત ચુકવાની તૈયારી રાખવી પડશે.
સહાયની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો
રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ઘઉં, કેરી, ચણા, જીરૂ સહિતના પાકને નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલમાં થયેલા માવઠાથી વરિયાળી, તમાકુ, બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. હાલ તો કુદરતી પ્રકોપ સામે લાચાર ખેડૂતો વહેલામાં વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવવા સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.