મહેસાણાના ઊંઝામાં ભાજપ બુથ સમિતિના પ્રમુખોનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 500 કરતા વધુ મત મેળવનાર બુથ સમિતિના પ્રમુખોનો સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષમાં યોજાયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
'સહકારમાં ઇલું ઇલું ચાલતું હતું તે આપણે બંધ કરાવી દીધુ'
કાર્યક્રમમાં સી આર પાટીલે જણાવ્યું કે, સહકારમાં ઇલું ઇલું ચાલતું હતું તે આપણે બંધ કરાવી દીધુ અને હવે સીધુ ભાજપ મેન્ડેડ આપે છે. ખેતી બેન્ક, મધ્યસ્થ સહકારી બેંક, APMCઓમાં ભાજપે કબજો કર્યો છે. તેમણે કહ્યું કે, એકવાર મોદીજીએ કહ્યું કે તમે સહકારમાં જીત્યા બાદ વહીવટ કેવો કરો છો તેનો હિસાબ આપો અને મેં હિસાબ આપ્યો કે ડેરીઓમાં ભાવ વધારો આપ્યો છે. તેમજ સુગર ફેક્ટરીઓમાં ભાવ વધુ આપ્યા છે.
'મારા કોઈ કાર્યકર્તાનું કોઈ જગ્યાએ અપમાન થયું નથી'
સી આર પાટીલે કહ્યું કે, હું 182ની વાત કરતો ત્યારે લોકો હસતા હતા, મને વિશ્વાસ હતો કાર્યકરોની તાકાત પર. આપણે કેટલીક સીટ ખૂબ ઓછા મતથી હાર્યા છીએ. ખંભાત બેઠક 3000, ચાણસ્મા બેઠક 1400 મતોથી જ હાર્યા છીએ. વડગામ 4000, વિજાપુર બેઠક 7000 મતોથી હાર્યા છીએ. થોડીક તાકાત વધુ લગાવી હોત તો 5000થી ઓછી હારેલી સીટ જીત્યા હોત. ઘણી વાર લોકોને એવું થાય કે કાર્યકર્તા શુ કરી શકે ?. ગમે તેટલા મોટા નેતા હોય પણએ કાર્યકર્તાનું અપમાન નહીં કરે. આજે હું કહી શકું છું કે મારા કોઈ કાર્યકર્તાનું કોઈ જગ્યાએ અપમાન થયું નથી.
'26 સીટ 5 લાખની લીડથી જીતવી છે'
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે, આ વખતે 26 સીટ 5 લાખની લીડથી જીતવી છે તેમજ નુકસાની વાળા પીસને ટિકિટ ન અપાય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બધા નેતાઓ લઈને આવ્યા કે આને પ્રમુખ બનાવો. મે કહ્યું કે એમણે શુ કર્યું તો નેતાઓએ કહ્યું કે એમણે ખૂબ સારો વહીવટ કર્યો છે. મેં કહ્યું ક્યારે કર્યો તો નેતાઓએ કહ્યું હમણાં જ કર્યો ત્યારે કહ્યું કે હમણાં વહીવટ કર્યો નો-રિપીટ. જે બુથ મજબૂત હશે તો જ ટિકિટ મળશે. આ સિસ્ટમમાં કોઈ ને અન્યાય કરવાની કોઈ ભાવના નથી. ચોક્કસ નો-રિપીટમાં કેટલાક સક્ષમ કપાયા છે પણ નવાને ક્યારે પદ મળે એટલે નો-રિપીટ લાવ્યા છીએ. વધુમાં ઉમેર્યું કે, સુરતમાં 93 કોર્પોરેટર પૈકી 80ને પદ મળ્યું તેથી બધાને સંતોષ મળ્યો છે. કોડીનારમાં ભૂલથી મેન્ડેડ અપાઈ ગયું અને નો-રિપીટના ભાગરૂપે ત્રણેય પાસે રાજીનામુ લેવાયુ છે.