બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Police Commissioner in action as soon as he took charge
Malay
Last Updated: 03:53 PM, 5 August 2023
ADVERTISEMENT
પોલીસ કર્મચારીઓને જ્યારે એક્શન મોડ પર આવી જવાના આદેશ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળતા હોય છે ત્યારે શહેરમાં કોઇની તાકાત નથી કે શહેરમાં દારૂ, જુગારના અડ્ડાઓ ધમધમાવી શકે. થોડા દિવસ પહેલાં શહેરના પોલીસ કમિશનર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળતાંની સાથે જ આદેશ કર્યો છે કે અમદાવાદમાં દારૂ મળવો જ ના જોઇએ. કમિશનરનો આદેશ મળતાંની સાથે જ પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને સિંઘમ બનીને દારૂ, જુગારના અડ્ડા પર ત્રાટકી રહી છે.
પોલીસ કમિશનર જી.એસ. મલિકે આપી કડક સૂચના
શહેરમાં પહેલી વખત એવા પોલીસ કમિશનર આવ્યા છે કે જેમણે ગુનાખોરીના મૂળ પર ઘા કર્યો અને ગમે તેવા ચમરબંધીઓને છોડી નહીં દેવાય તેવો નિર્ણય લીધો છે. તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ શહેરના મિણનગર વિસ્તારમાં કેદાર દવે નામના યુવકે દારૂના નશામાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો, જ્યારે સેટેલાઇટમાં પણ બીએમડબ્લ્યુ કારચાલકે દારૂના નશામાં ડ્રાઈવિંગ કરીને અકસ્માત કર્યો હતો. આ બંને ઘટનાઓને જોતાં એ વાત નક્કી થાય છે કે જો બુટલેગરો પર લગામ લગાવી દઇએ તો યુવકો દારૂ ઢીંચીને વાહન ચલાવવાના નથી. ગુનાખોરીના મૂળમાં નશો મહત્ત્વનો ભાગ ભજવે છે, જેના કારણે હવે પોલીસ કમિશનર જી.એસ. મલિકે દારૂનો ધંધો કરતા બુટલેગર તેમજ ડ્રગ્સ વેચતા પેડલર્સને ઝડપી પાડવાની કડક સૂચના આપી છે, સાથોસાથ જુગારના અડ્ડા પણ બંધ કરાવવાના આદેશ આપી દીધા છે.
પોલીસ એક્શન મોડ પર
પોલીસ કમિશનર જી.એસ. મલિકે સૂચના આપતાં પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડા પર રેડ પાડી રહી છે. જો કોઇ વ્યક્તિ દારૂની એક બોટલ, દેશીની પોટલી સાથે પણ ઝડપાશે તો તેના વિરુદ્ધ કેસ કરવામાં આવશે. નવા પોલીસ કમિશનરે ચાર્જ લીધા પહેલાં દારૂની એકાદ બોટલ કે દેશીની પોટલી મળતી હતી તો પોલીસ પોતાનું ખિસ્સું ગરમ કરી અથવા તો ભલામણ રાખીને જવા દેતી હતી, પરંતુ હવે તેવું નથી રહ્યું, કારણ કે જી.એસ. મલિકના રાજમાં સીધા કેસ કરવાના હુકમ છૂટ્યા છે.
ADVERTISEMENT
બુટલેગરો પર પોલીસની તવાઈ
દાણીલીમડા પોલીસે ગઇ કાલે દારૂની આઠ બોટલ સાથે સલમાન મિર્ઝા અને સિરાઝ મિર્ઝાની ધરપકડ કરી છે, જ્યારે કુબેરનગર વિસ્તારમાં રહેતા અમરસિંગ ખાલસા પાસેથી સરદારનગર પોલીસને દારૂની 19 બોટલ મળી આવી છે. શાહપુર પોલીસે પણ અબ્દુલ રજાક સોઢા નામના બુટલેગર પાસેથી દારૂની પાંચ બોટલ જપ્ત કરી છે. આવા અનેક દારૂ-જુગારના કેસ શહેર પોલીસ કરી રહી છે, જેના કારણે કેટલાક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બાતમીના આધારે પોલીસે પાડ્યો દરોડો
સરદાનગર પોલીસને બાતમી મળી હતી કે બુટલેગર સતીશ ઉર્ફે પિન્ટુ ગારંગે પોતાની નોનવેજની લારી પાછળ એક ઓરડી બનાવી છે, જેનો ઉપયોગ બિયર બાર તરીકે કરી રહ્યો છે. બાતમીના આધારે સરદારનગર પોલીસે રેડ કરી હતી, જેમાં અજય શર્મા, વિજય વાળંદ, મધુસિંહ રાજપૂત, નિતેશ મિશ્રા, અમિત શર્મા, શ્રીરાજ ભાઉ, હિતેશ પટેલ, બિરબલ બગેલ, આનંદ શર્મા અને રાહુલ પ્રજાપતિની ધરપકડ કરી હતી. પોલીસે રેડ દરમિયાન દારૂ તેમજ બિયરની બોટલો જપ્ત કરી છે.
દારૂ-જુગાર અને ડ્રગ્સ પર કડક કાર્યવાહી કરવામાં આવશે
પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું છે કે શહેરમાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ કરનાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે જુગારના અડ્ડાઓ ઉપર પણ કાર્યવાહી થશે. આ સિવાય જો કોઇ પોલીસ કર્મચારીની સંડોવણી પણ અડ્ડાઓ ચાલુ રખાવવા મામલે સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
પૂર્વ કમિશનર એ.કે. સિંઘ જેવા કડક અધિકારી છે
એક પોલીસના વહીવટદારે નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે જી.એસ. મલિકે ચાર્જ સંભાળતાંની સાથે જ બુટલેગરોએ ધંધા બંધ કરી દીધા છે. પોલીસ કર્મચારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદના પૂર્વ પોલીસ કમિશનર એ.કે. સિંઘ જેમ ઇમાનદાર અને કડક અધિકારી હતા તેવી જ રીતે જી.એસ.મલિક પણ પ્રામાણિક અને કડક અધિકારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.