ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાલુપુર રેલવે સ્ટેશન પર પેન્ટ-બંડીના ગુપ્ત ખિસ્સામાં છુપાવેલા ₹15 લાખના હીરાની ચોરી
Last Updated: 12:49 PM, 3 October 2026
ADVERTISEMENT
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર સામાન્ય મુસાફરોની ભીડ વચ્ચે એવી ચોરીની ઘટના બની હતી, જેનાથી રેલવે પોલીસની સાથે આંગડિયા વ્યવસાયમાં પણ ચકચાર મચી ગઈ છે. મોબાઈલ, પર્સ કે દાગીનાની ચોરીની ઘટનાઓ વચ્ચે આ વખતે ચોરે સીધા ૧પ લાખ રૂપિયાના હીરા પર હાથ સાફ કર્યો હતો.
ADVERTISEMENT
ચોરીની સૌથી મોટી ચોંકાવનારી બાબત એ હતી કે હીરા કોઈ સામાન્ય બેગ કે થેલામાંથી નહીં, પરંતુ આંગડિયાના કર્મચારીના પેન્ટ અને ખાસ પ્રકારની બંડીમાં બનાવાયેલા ગુપ્ત ખિસ્સામાંથી ગાયબ થયા હતા. રાયપુરના મહાદેવવાળા ખાંચામાં રહેતા મંછારામ હકમાજી પ્રજાપતિ છેલ્લાં ૧૦ વર્ષથી જયંતી સોમા આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા. તેમની કામગીરી અલગ અલગ શહેરોમાં આંગડિયા પેઢીનો સામાન પહોંચાડવાની હતી. નડિયાદ, આણંદ, વડોદરા, સુરત અને મુંબઈ સુધીની ડિલિવરી માટે તેઓ વારંવાર મુસાફરી કરતા હતા.
આ વખતે પણ મંછારામ, પેઢીના ભાગીદાર મદનસિંહ રાઠોડ અને અન્ય કર્મચારીઓ કીમતી હીરા સહિતની વસ્તુઓ લઈને મુંબઈ જવા નીકળ્યા હતા. આંગડિયા કર્મચારીઓ માટે ખાસ પ્રકારની બંડી તૈયાર કરવામાં આવી હતી. બંડીની અંદર ગુપ્ત ખિસ્સાં બનાવવામાં આવ્યાં હતાં, જેમાં લાખો રૂપિયાના હીરા સુરક્ષિત રાખવામાં આવતા હતા એટલું જ નહીં, પેન્ટમાં પણ ગુપ્ત પોકેટ બનાવવામાં આવ્યાં હતાં. સામાન્ય વ્યક્તિને નજરે ન પડે તે રીતે હીરાનાં પાર્સલ આ ખિસ્સામાં રાખવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
પ્લેટફોર્મ પર પહોંચ્યા અને ટ્રેનમાં ચઢ્યા
તમામ કર્મચારીઓ લાખો રૂપિયાના હીરા સહિતનો સામાન લઈને કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પર પહોંચ્યા હતા. અમદાવાદથી મુંબઈ જતી ગુજરાત મેલ ટ્રેન પ્લેટફોર્મ પર આવી હતી. તમામ કર્મચારીઓ ટ્રેનમાં ચઢ્યા હતા. મંછારામ પણ એક થેલો લઈને ટ્રેનમાં ચઢ્યા હતા અને થેલો સીટ નીચે મૂક્યો હતો. થેલો મૂક્યા બાદ મંછારામની નજર પોતાના પેન્ટ અને બંડી તરફ ગઈ હતી. આંગડિયા પેઢીના નિયમ મુજબ જે ગુપ્ત ખિસ્સામાં હીરા રાખવામાં આવ્યા હતા ત્યાં તપાસ કરતાં હીરાનાં પાર્સલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ગણતરી કરતાં અંદાજે ૧પ લાખ રૂપિયાના હીરા ચોરાઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ હીરા પાલનપુરથી પ્રવીણ ચૌધરીએ મુંબઈના યોગેશ્વર ડાયમંડને પહોંચાડવા માટે મોકલ્યા હતા. આ રીતે હીરા મુંબઈ પહોંચે તે પહેલાં જ કાલુપુર રેલવે સ્ટેશન પરથી ગુમ થઈ ગયા હતા.
ADVERTISEMENT
ચોરીનો સૌથી મોટો સવાલ: ગુપ્ત ખિસ્સાની જાણ કોને હતી?
આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારો મુદ્દો એ હતો કે હીરા ક્યાં રાખવામાં આવ્યા હતા તેની જાણ સામાન્ય ચોરને કેવી રીતે થઈ? પેન્ટ અને બંડીના ગુપ્ત ખિસ્સામાં હીરા રાખવામાં આવ્યા હતા. ચોરે માત્ર પેન્ટ કે બંડીમાંથી નહીં, પરંતુ ચોક્કસ ગુપ્ત પોકેટમાંથી હીરા કાઢ્યા હતા. મંછારામને જાણ પણ ન થાય તે રીતે આ ચોરી કરવામાં આવી હતી, જેના કારણે પોલીસે હવે એ દિશામાં પણ તપાસ શરૂ કરી હતી કે મંછારામની હિલચાલ પર અગાઉથી કોઈ નજર રાખી રહ્યું હતું કે કેમ, આંગડિયા પેઢીમાંથી હીરા ક્યારે નીકળ્યા, કોણે જોયા, કાલુપુર સ્ટેશન સુધી કોણ-કોણ સાથે હતું અને ટ્રેનમાં ચઢતી વખતે મંછારામની આસપાસ કોણ હતું તે સહિતના મુદ્દા તપાસ હેઠળ લેવામાં આવ્યા હતા. અમદાવાદ રેલવે પોલીસે મંછારામની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. પ્લેટફોર્મ નંબર સાતથી લઈને ટ્રેનમાં ચઢવાના સ્થળ સુધીના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા હતા. પોલીસે કર્મચારીઓની હિલચાલ, શંકાસ્પદ વ્યક્તિઓ અને મંછારામની આસપાસ રહેલા લોકો અંગેની માહિતી પણ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
ADVERTISEMENT
તપાસનું ફોકસ હવે બે દિશામાં
ચોરી કરનાર વ્યક્તિએ જે ચોકસાઈથી હીરા શોધીને કાઢ્યા હતા તે જોતાં પોલીસ માટે આ કેસ સામાન્ય રેલવે ચોરી જેવો રહ્યો ન હતો. હીરા કયા ખિસ્સામાં હતા તેની જાણ હોવી અને મંછારામને ખબર પણ ન પડે તે રીતે ચોરી થવી તપાસનો મુખ્ય મુદ્દો બન્યો હતો. તેથી પોલીસે બહારના ગઠિયાની સાથે કોઈ જાણભેદુ વ્યક્તિની સંડોવણીની શક્યતાને પણ ધ્યાનમાં રાખી હતી. રેલવે સ્ટેશન પર સામાન્ય રીતે મોબાઈલ, પર્સ અને દાગીનાની ચોરીના કેસ સામે આવતા હતા, પરંતુ હવે ટ્રેનમાં ૧પ લાખ રૂપિયાના હીરા ગુમ થવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા હતા. ખાસ કરીને આંગડિયા કર્મચારી પાસે રહેલા કીમતી માલની જાણ ચોર સુધી કેવી રીતે પહોંચી તે મુદ્દો તપાસનું કેન્દ્ર બન્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે બ્રાહ્મણ-જૈન સમાજમાં રોષ, નિવેદન પરત ખેંચી માફી માંગે નહીં તો આંદોલનની ચીમકી
ગુપ્ત ખિસ્સામાંથી હીરા ગાયબ થવા અંગે પાંચ સવાલ
ADVERTISEMENT
- ૧પ લાખના હીરા કયા ચોક્કસ સમયે ગુમ થયા હતા?
- ગુપ્ત પોકેટની જાણ મંછારામ સિવાય કોને હતી?
- કાલુપુર સ્ટેશન પર કોઈ વ્યક્તિ કર્મચારીઓનો પીછો કરી રહી હતી?
- ટ્રેનમાં ચઢતી વખતે મંછારામની આસપાસ કોણ-કોણ હતું?
- આંગડિયા પેઢીની અંદરની માહિતી ચોર સુધી પહોંચી હતી કે નહીં?
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.