ભારતમાં વાહન ચલાવવાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વાહન ચલાવવું ગેરકાયદેસર છે. પરંતુ ઘણીવાર જોવામાં આવે છે કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો પણ આજકાલ રસ્તાઓ પર વાહન ચલાવે છે. માતા-પિતા પણ બાળકોને આ કરવાની છૂટ આપે છે, પરંતુ તેના લીધે તેઓ બાળકોના જીવ જોખમમાં મૂકે છે. જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના તમારા બાળકોને પણ વાહન ચલાવવાની મંજૂરી આપો છો, તો તમને ભારે દંડ સાથે જેલની સજા પણ થઈ શકે છે. અમદાવાદમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે.
સગીરનું મોત થતાં પિતા સામે ગુનો દાખલ
અમદાવાદમાં બાઇક અકસ્માતમાં સગીરનું મોત થતાં ટ્રાફિક પોલીસે સગીરના પિતા સામે ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે, ત્રણ મિત્રો બાઇક પર ત્રિપદા સ્કૂલ પાસે આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા જઈ રહ્યા હતા. ત્યારે કૂતરું આડે આવતાં બાઈક સ્લીપ થતાં ત્રણેય મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બાઈકચાલક સગીરનું મોત નિપજ્યું હતું.
ત્રણ મિત્રો જઈ રહ્યા હતા ક્રિકેટ રમવા
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના શાસ્ત્રીનગરમાં આવેલી ત્રિપદા સ્કૂલ પાસેના મેદાનમાં ક્રિકેટ રમવા જવા માટે ભાવેશ (ઉં.વ 16) તેના બે મિત્રો પ્રકાશ (ઉં.વ 20) અને રવિ (ઉં.વ 15) સાથે બાઇક પર નીકળો હતો. ભાવેશ તેના પિતના બાઈકમાં બે મિત્રોને લઈને ક્રિકેટ રમવા જઈ રહ્યો હતો. આ વેળાએ પ્રભાતચોક ત્રણ રસ્તા પાસેથી તેના બાઇકની આગળ એકાએક કૂતરું આવી ગયું હતું. જેથી બાઇક સ્લીપ થઈ જતાં ત્રણેય રસ્તા પર ઢસડાયા હતા.
અકસ્માતમાં થયું હતું સગીરનું મોત
આ અકસ્માતમાં ભાવેશને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ હતી. જેથી ત્રણેયને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાવેશનું મોત નીપજ્યું હતું. જે બાદ ટ્રાફિક પોલીસને ભાવેશ સગીર વયનો હોવા છતાં બાઈક લઇને જઈ રહ્યો હોવાનું જાણવા મળતા પોલીસે તેના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
શું છે કાયદો?
- ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી શકે નહીં, બાળકો વાહન ચાલવતા પકડાઈ તો દંડ માતા-પિતા પર લાગી શકે છે. માતા-પિતાને રૂપિયા 25000નો દંડ અને 3 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.
- જો તમારું બાળક 18 વર્ષથી ઓછી ઉંમરનું છે અને તે બાઇક અથવા કારની ચાવી માંગે છે, તો તેમની માંગને ક્યારેય પૂરી કરશો નહીં. જો કોઈ બાળક દ્વારા અકસ્માત થાય છે, તો તમે વાહનના વીમા માટે ક્લેમ પણ કરી શકશો નહીં કારણ કે ડ્રાઇવિંગ કરતા સગીરોને કોઈ વીમા પોલિસી સેવાઓ લાગુ પડતી નથી. તેથી તમે તમારા વાહનના વીમાનો કોઈ લાભ મેળવી શકશો નહીં.
- સગીરના ડ્રાઇવિંગને લઈને ઘણા કડક નિયમો છે. જો કોઈ બાળક ડ્રાઇવિંગ કરતા પકડાય છે, તો તેના માતાપિતા સામે સીધી કાર્યવાહી થઈ શકે છે. બાળકના માતા-પિતાને 25 હજાર રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. જેથી માતાપિતાએ સાવચેત રહેવું જોઈએ કે તેઓ તેમના બાળકને વાહન ચલાવવા ન આપે.