વ્યાજ બાકી હોવાનું કહી ધાક ધમકી આપતા હોવાથી AAP નેતા વિરૂદ્ધ ફરિયાદ
ભરૂચ સહિત રાજ્યભરમાં ચાલતી વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશને લઈને નિતનવી ફરિયાદો સામે આવી રહી છે આવી સ્થિતિ વચ્ચે ભરૂચમાં વધુ એક વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઉઠવા પામી છે. જેમાં આમ આદમી પાર્ટીના આગેવાન અને પૂર્વ કોર્પોરેટર મનહર પરમાર સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ભરુચ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
AAP નેતાએ કોન્ટ્રાક્ટરને 10 ટકા વ્યાજે આપ્યા હતા 10 લાખ રૂપિયા
આ અંગે પોલીસ મથકે નોંધાયેલી વિગત અનુસાર કોન્ટ્રાકટરે 10 ટકા જેવા તોતિંગ વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા. બાદમાં રૂ.12.40 લાખ ચૂકવી દીધા હતા. છતાં પણ ધનલાલચુ વ્યાજખૌરે રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી.વ્યાજ બાકી હોવાનું કહી ધાકધમકી પણ આપી હતી. આથી આ મામલે કંટાળી ગયેલા કોન્ટ્રાકટરે પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં આરોપીએ મકાન પણ પચાવી લીધુ હોવાનો ઉલ્લેખ કરાયો છે આથી ભરૂચમાં મનહર પટેલ સામે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
વ્યાજખોરો વિરુદ્ધ અવારનવાર ઉઠતી ફરિયાદ
ઉલ્લેખનિય છે કે ભરૂચમા વ્યાજખોરો જાણે લૂંટારું બન્યા હોય તેમ અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે ગત તામ 27 ના રોજ વ્યાજખોરો 4 યુવક પર છરી વડે હુમલો કર્યો હતો તો તા. 26ના રોજ ભરૂચમાં જ વ્યાજખોરના આતંકથી મેહુલ શાહ નામના યુવાને આપઘાતનો પ્રાયસ કરી લીધો હતો.