મુંજવણ /
'મારા માથાના વાળ વધી ગયા છે..' બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈનમાં ચિત્ર-વિચિત્ર સવાલોથી કાઉન્સેલર પણ મુંઝાઈ ગયા!
Team VTV08:08 PM, 24 Mar 23
| Updated: 08:08 PM, 24 Mar 23
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇનના નંબર પર રોજના 250થી પણ વધુ કોલ આવે છે: પરેશાન વાલીઓના ફોનનો મારો
બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર ચિત્ર વિચિત્ર સવાલો
હેલ્પલાઇનના નંબર પર રોજના 250થી પણ વધુ કોલ આવે છે
50 ટકા જેટલો વાલીઓ જ હેલ્પલાઇનનો ઉપયોગ કરી રહ્યા છે
ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધોરણ-10 અને 12ની ચાલુ પરીક્ષામાં વિભાગે જાહેર કરેલા હેલ્પલાઇન નંબરો પર રોજના 250થી વધુ ફોન આવી રહ્યા છે. આ બધા કોલ્સમાં માગવામાં આવતી મદદ અને સવાલોએ ખુદ કાઉન્સેલરોને પણ હંફાવી દીધા છે. હેલ્પલાઇન પર વિદ્યાર્થીઓ નહીં પણ સૌથી વધારે ફોન બાળકોનાં માતા-પિતા કરતાં હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં પેપર લખવા માટે સમય ઓછો પડે છે કે વાંચતી વખતે ઊંઘ આવે છે કે વાંચેલું યાદ રહેતું નથી વગેરે સવાલો સાથે કેટલાક અટપટા સવાલો પણ પૂછી રહ્યા છે, જેવા કે મારા માથાના વાળ વધી ગયા હોવાથી ચહેરો બહુ વિચિત્ર લાગે છે, મારા ટુવ્હીલરના લાઈસન્સની મુદત પૂરી થઈ ગઈ છે તો હું શું કરું? મારું ભવિષ્ય શું હશે?
હેલ્પલાઈન નંબરો પર વિચિત્ર સવાલો
સાથે વાલીઓ પણ હેલ્પલાઈન નંબરો પર વિચિત્ર સવાલો કરીને કાઉન્સેલરોને મૂંઝવી રહ્યા છે, જેમ કે બોર્ડના અધિકારીઓના ફોન નંબર આપો તો કેટલાક ‘કંટ્રોલરૂમમાં કામ કરતા કર્મચારીઓનો ગુજરાત બોર્ડના અધિકારીઓ સાથે કોઈ સંપર્ક છે ખરો? કઈ બાધા રાખું તો સંતાનને સારી ટકાવારી મળે, બે મહિનાની ફી નથી ભરી તો સ્કૂલ ફી માફ કરશે? લગભગ 20 ટકા જેટલા કોલ્સ પરીક્ષાની તૈયારીની ટિપ્સ માટે, 10 ટકા કોલ્સ પરીક્ષા પેટર્ન માટે, 20 ટકા કોલ્સ 'ઓફલાઈન' પરીક્ષાના ડર માટે અને 10 ટકા કોલ્સ બાળકો પાસેથી વધારે ટકાવારીની અપેક્ષાના, પાંચ ટકા કોલ્સ રિલેક્સ થવાની ટિપ્સને લગતા, 20 ટકા કોલ્સ તણાવ દૂર કરવા માટે અને બાકીના અન્ય સવાલો હોય છે, જે કાઉન્સેલરોને મૂંઝવી નાખવા માટે હોય છે.
વાલીઓ જ હેલ્પલાઇનનો ઉપયોગ કરી રહ્યા છે
પહેલાં તમામ બાળકો પોતે એકલાં ફોન કરતાં હતાં, પરંતુ હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. માતા-પિતા પોતે જ તેમનાં બાળકોના મનના પ્રશ્નો જાણવા માગે છે. તેથી તેઓ પોતે ફોન કરીને બાળકો સાથે વાત કરે છે અને શું સલાહ આપવામાં આવે છે અથવા તેઓ પોતે સાંભળે છે. આમ,50 ટકા જેટલો વાલીઓ જ હેલ્પલાઇનનો ઉપયોગ કરી રહ્યા છે.