બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 03:50 PM, 16 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
gujarat rain update : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા ત્યારે ફરી એકવાર કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. પંચમહાલ, અરવલ્લી, વલસાડમાં, છોટાઉદેપુર સહિતના જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સારા વરસાદના કારણે ખેડૂતોમાં સારા પાકની અપેક્ષા જાગી છે. છોટાઉદેપરુ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવાના કારણે પાકને જીવતદાન મળ્યું છે. આજે રાજ્યના 50 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેતપુર પાવીમાં 1.5 ઈંચ, બોડેલીમાં 1 ઈંચ વરસાદ તેમજ કુકરમુંડા અને જાંબુઘોડા 1-1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે કપરાડા, દાહોદ, કવાંટ, મોરવા હડફમાં 1-1 ઈંચ વરસાદ નોઁધાયો છે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે
વિરામ બાદ ગીરના જંગલમાં વરસાદ
ગીરના જંગલમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. લાંબા સમયના વિરામ બાદ ગીરના જંગલમાં વરસાદ વરસ્યો છે. શિંગોડા ડેમનો એક દરવાજો પોણો ફૂટ ખોલાયો છે. જેના પગલે કોડીનારના 16 ગામને એલર્ટ કરાયા છે.
નસવાડી જુદા જુદા વિસ્તારમાં વરસાદ
છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. નસવાડી સહિતના જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ચોથા રાઉન્ડના વરસાદથી સુકાતા પાકને ફરી એકવાર જીવનદાન મળ્યું છે. સમગ્ર જિલ્લામાં સારા વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વલસાડમાં મેઘ મહેર
વલસાડના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાપી, વલસાડ, ધરમપુર અને કપરાડામાં વરસાદ જામ્યો છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડમાં ડાંગરના સુકાતા પાકને ફરી જીવનદાન મળ્યું છે.
કેવડી ગામની કોતરોમાં આવ્યું પાણી
છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નસવાડી તાલુકાના કેવડી ગામની કોતરોમાં પાણીનો વોકળો આવ્યો છે.
માલપુરમાં વરસાદી માહોલ
અરવલ્લીના માલપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. માલપુર-મોડાસા સ્ટેટ હાઇવે પર ધોધમાર ખાબક્યો છે. સોમપુર, જેસવાડી, ફંગોડિયા, ટીસ્કી ગામમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ ફરી વરસાદ થતા પાકને જીવંતદાન મળ્યું છે.
મોરવા હડફમાં મેઘરાજાનું આગમન
પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. મોરવા હડફ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. મોરવા હડફના ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મોરવા હડફના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.