કેએલ રાહુલ ઈજાના કારણે WTC ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે, સાથે જ જયદેવ ઉનડકટના રમવા પર પણ સસ્પેન્સ છે. એવામાં હવે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે.
કેએલ રાહુલ ઈજાના કારણે WTC ફાઈનલમાંથી બહાર થઈ ગયો
જયદેવ ઉનડકટના રમવા પર પણ સસ્પેન્સ જોવા મળે છે
આ બધા વચ્ચે હવે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમોના ખેલાડીઓ વિશે જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. એવામાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાના કારણે WTC ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે અને એ સાથે જ જયદેવ ઉનડકટના રમવા પર પણ સસ્પેન્સ જોવા મળે છે. એવામાં આ બધા વચ્ચે હવે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર ફાસ્ટ બોલર ફિટ થઈ ગયો છે.
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ થયો ફીટ
ઉમેશ યાદવ છેલ્લે 26 એપ્રિલે આરસીબી સામે રમ્યો હતો અને ત્યારથી તે મેદાનથી દૂર છે. જણાવી દઈએ કે ઉમેશને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેમાંથી તે સાજો થઈ ગયો છે. એક રિપોર્ટ અનુસાર ઉમેશ યાદવ ફિટ છે અને પંજાબ કિંગ્સ સામેની મેચમાં KKR માટે પસંદગી માટે ઉપલબ્ધ છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે કે નહીં. બીજી તરફ ભારતના નજરીયાથી ટીમ ઈન્ડિયા માટે ઉમેશની ફિટનેસ કોઈ સારા સમાચારથી ઓછી નથી.
વિદેશી ધરતી પર મચાવશે ધમાલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ઈંગ્લેન્ડના ઓવલ મેદાનમાં રમાવાની છે. ઓવલની પીચો ઝડપી બોલરોને મદદરૂપ થાય છે. ઉમેશ યાદવ હંમેશા વિદેશમાં તેની શાનદાર બોલિંગ માટે જાણીતો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેણે ભારત માટે 56 ટેસ્ટ મેચમાં 168 વિકેટ લીધી છે.
ભારતની બીજી WTC ફાઈનલ
ભારતની આ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ છે. અગાઉ WTC (2020-21) ફાઇનલમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા છેલ્લા 10 વર્ષથી એક પણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. છેલ્લા T20 વર્લ્ડ કપ 2022માં પણ ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.