Meteorological department forecast: બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ થઈ શકે છે.
વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર
વાવાઝોડું પોરબંદરથી 460 કિમી દૂર
સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ માટે એલર્ટ
15 જૂને રાજ્યમાં ભારે વરસાદની આગાહી
બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ માટે ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડું સુમદ્રમાં પોરબંદરથી 460 કિમી દૂર છે. જ્યારે આ વાવાઝોડું દ્વારકાથી 510 કિમી દૂર અને નલિયાથી 600 કિમી દૂર છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે.
આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી
અતિ ભારે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા અને જામનગર વધુ વરસાદની શકયતા છે. આજે અમદાવાદ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે.
12 અને 13 જૂને ભારે વરસાદની શક્યતા
આવતીકાલે એટલે કે 12 જૂને અમદાવાદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, જૂનાગઢ દિવમાં વરસાદ ખાબકી શકે છે. તો 13 જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદની આગાહી છે. 14 જૂને દમણ, દાદરનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કરી આગાહી?
બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ઓખા, દ્વારકા, માંગરોળમાં વાવઝોડાની વધુ અસર વર્તાશે. વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ અસર થશે. જ્યારે વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડશે. તેમણે જણાવ્યું છે, ગુજરાતમાં 12થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધુ છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા મળશે. ભારે વરસાદની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી અસર થશે. ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ પડશે.