અંબાજીના પાંછા નજીક યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારો થતાં વાહનચાલકોની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. હાલ આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
અંબાજી નજીક યાત્રિકોની ગાડીઓ પર થયો પથ્થરમારો
અજાણ્યા તત્વોએ ગાડી પર કર્યો અચાનક પથ્થરમારો
વાહનચાલકોએ ગાડી ઉભી રાખી ઇમરજન્સી નંબર પર માંગી મદદ
અંબાજી-દાંતા માર્ગ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અંબાજીના પાંછા નજીક હાઈવે પર યાત્રિકોની ગાડી પર અજાણ્યા શખ્સો દ્વારા અચાનક પથ્થરમારો કરાતા દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો. વાહનચાલકો દ્વારા ઈમરજન્સી નંબર પર ફોન કરીને મદદ માંગતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ગાડીઓ પર અજાણ્યા શખ્સોએ અચાનક પથ્થરમારો કર્યો
મળતી માહિતી અનુસાર, અંબાજી-દાંતા માર્ગ પર ગઈકાલે રાત્રે વાહનો પર પથ્થરમારાની ઘટના બની હતી. અંબાજીથી માં જગદંબાના દર્શન કરીને પરત ફરી રહેલી બે ગાડીઓ પર પાંછા નજીક અજાણ્યા શખ્સોએ અચાનક પથ્થરમારો કર્યો હતો. ગાડી પર અચાનક પથ્થરમારો થતાં ગાડીમાં સવાર લોકોમાં ભય વ્યાપી ગયો હતો.
ઈમરજન્સી નંબર પર ફોન કરી માંગી મદદ
પથ્થરમારાને લઈને કારચાલકોએ ગાડી ઉભી રાખીને ઈમરજન્સી નંબર પર ફોન કરીને મદદ માંગી હતી. જેથી તાત્કાલિક સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, સદનસીબે ગાડી પર પથ્થરમારો થતાં કોઈ જાનહાની થઈ નથી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બની હતી સમાન ઘટના
આપને જણાવી દઈએ કે, આ પહેલા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. થોડા મહિના અગાઉ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ અને ખેડાની વચ્ચે પસાર થતા વાહનો ઉપર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પાંચથી છ જેટલા વાહનોના કાચ તુટી ગયા હતા. જે બાદ પોલીસે આ મામલે તપાલનો ધમઘમાટ શરૂ કર્યો હતો.