કેન્દ્ર સરકારની આ યોજનાના લાભાર્થીઓ શું કહે છે જાણો
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના વડોદરા જિલ્લાના લાભાર્થીઓ યોજનાના ગુણગાન ગાતા થાકતાં નથી. ભારત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી છે જેમાં ગુજરાત સરકાર સહભાગી છે. આ યોજનાના વડોદરા જિલ્લાના લાભાર્થીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અને ભારત અને ગુજરાત સરકારનો ખરા દિલથી આભાર માનતા થાકતાં નથી કારણ કે આ યોજનાને લીધે જ્યારે તેમના જીવનમાં આરોગ્ય કટોકટી એટલે કે મેડિકલ ઇમરજન્સી સર્જાઈ ત્યારે આ યોજનાના કાર્ડને લીધે એમને મોંઘી સારવાર મફત મળી સુળીનો ઘા સોય થી ટળ્યો હોય એવી રાહત એમણે અનુભવી.
ખભાની ઇજાની સારવાર મફત થઈ
કાર્ડને લીધે મારા ખભાની ઇજાની સારવાર મફત થઈ પાદરા તાલુકાના માસર રોડના રહેવાસી જગદીશભાઈ લાલજીભાઈ પરમારને બાઈક પરથી પડી જવાને લીધે ખભાની ઇજા થઇ. આ વર્ષની ૧૯ મી માર્ચના રોજ આ ઘટના બની હતી. ૪૭ વર્ષની વયના આ ભાઈ સુરક્ષાકર્મી તરીકે સામાન્ય નોકરી કરે, જેટલી હોસ્પિટલમાં ફર્યા એ તમામે ઓપરેશનનો મોટો ખર્ચ બતાવ્યો.જો કે મૂંઝવણના આ સમયે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ તેમની મદદે આવ્યું અને વિનામૂલ્યે ખભાની ઇજાની સારવાર શક્ય બની. તેઓ કહે છે કે કેન્દ્રની આ યોજનાને લીધે આરોગ્ય કટોકટીના સમયે સામાન્ય માણસ માટે સારી સારવાર સુલભ બને છે.
જૂનું કાર્ડ હતું નવું કાર્ડ બનાવી સારવાર તાત્કાલિક થઈ
વાઘોડિયાના દક્ષાબેન રામચંદ્ર વસાવાને પેટમાં અસહ્ય દુખાવો થતો. તેના ઈલાજ માટે હિસ્ટ્રેક્તોમીનું ઓપરેશન કરવું જરૂરી હતું અને તેના માટે રૂ.૪૦ હજારનો અંદાજિત ખર્ચ બતાવવામાં આવ્યો. સામાન્ય શ્રમજીવી પરિવાર માટે આ સારવાર ખર્ચ ગજા બહારનો હતો. આ કટોકટીમાં આશા વર્કર બેન એમની વહારે આવ્યા. દક્ષાબેન પાસે જૂનું કાર્ડ હતું પરંતુ એની મુદત પૂરી થઈ ગઈ હતી. એના ઉકેલ રૂપે જમનાબાઈ હોસ્પિટલ ખાતે એમનું નવું કાર્ડ બન્યું. તેમની શસ્ત્રક્રિયા થઈ અને અત્યારે તંદુરસ્ત જીવન જીવી રહ્યાં છે. પી.એમ.જે.વાય થી આ શક્ય બન્યું છે. વાત આટલેથી અટકતી નથી. આરોગ્ય રક્ષક આ કાર્ડને લીધે તેમની માતાના હૃદયરોગની અને ભાઈની કિડનીની મોંઘી સારવાર વિનામૂલ્યે થઈ. આમ, તેમના પરિવારના સદસ્યો માટે પણ આ કાર્ડ આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરનારું બની રહ્યું.
એક લાભાર્થીની ખાનગી હોસ્પિટલમાં સારવાર થઈ
વડોદરાના લક્ષ્મીપુરાના અરવિંદભાઈ હરમાનભાઈ પટેલ ખાનગી કંપનીમાં ડીઝલ મેકેનિક તરીકે કામ કરે. કંપની બંધ થતાં નોકરી ગઈ અને આ કટોકટી દરમિયાન જ એમને હૃદયરોગની પીડા ઉદભવી. તેઓ તે સમયે સોસાયટીના ચોકીદારની સામાન્ય નોકરી કરતા હતા અને ઓપરેશનનો ખર્ચ કરવો ગજા બહારની વાત હતી. સદભાગ્યે એમની પાસે પી.એમ.જે.વાય યોજનાનું કાર્ડ હતું કે આ કટોકટીના સમયે જીવન રક્ષક પુરવાર થયું. શહેરની જાણીતી ખાનગી હોસ્પિટલમાં આ કાર્ડ માન્ય હતું. તેની મદદથી તેમની એંજીયોગ્રાફી થઈ અને જરૂરી મોંઘી દવાઓ પણ વિનામૂલ્યે મળી. તેઓ કહે છે કે જેઓ રોજ કમાય અને ખાય છે એવા સામાન્ય લોકો માટે આ યોજનાનું આ કાર્ડ દેવદૂત જેવું છે.
૫ લાખ સુધીનો સારવાર ખર્ચ પૂરતો મળ્યો
નજીકના રણોલી ગામના નિવાસી ૪૬ વર્ષના ગીતાબેન કાલિદાસ સોલંકીનો કિસ્સો આ કાર્ડના માધ્યમથી સામાન્ય લોકો માટે સરકાર કેટલી સંવેદનશીલતા સાથે ચિંતા સેવે છે એનો પુરાવો આપે છે. એમને પાણી ભરતી વખતે પીઠની નસો ખેંચાઈ ગઈ અને અસહ્ય દુખાવો થવા લાગ્યો. ખાનગી હોસ્પિટલમાં સારવાર ખર્ચ રૂ.૬ લાખ થવાનો અંદાજ આપવામાં આવ્યો જે ગજા બહારની વાત હતી. ગોત્રીના દવાખાનામાં એમની સર્જરી તો થઈ પરંતુ ધાર્યું પરિણામ ન મળ્યું અને તેઓ સાવ પથારીવશ થઈ ગયાં. બળતામાં ઘી હોમાય તેમ તેઓના પતિનું પણ કેન્સરથી મરણ થયું હતું. તેમણે પી.એમ.જે.વાય. યોજનાનું કાર્ડ ૨૦૨૦ માં રીન્યુ કરાવ્યું અને નવી જોગવાઈ પ્રમાણે રૂ.૫ લાખ સુધીનો સારવાર ખર્ચ મળવા પાત્ર થયો.આ કાર્ડની મદદથી તેમની વિનામૂલ્યે જરૂરી સર્જરી થઈ અને તેઓ દુખાવાની પીડાથી મુક્ત થઈને આજે સામાન્ય જીવન જીવે છે. તેઓ કહે છે કે આ કાર્ડનો આધાર ન મળ્યો હોત તો જિંદગી જીવવી અસંભવ બની જાત.પી.એમ.જે.વાય યોજના અને તેના કાર્ડ વડોદરા શહેર અને જિલ્લાના અનેક લાભાર્થીઓ માટે સંકટ સમયની સાંકળ બન્યા છે અને આરોગ્ય સંકટમાં તેમના જીવનની રક્ષા થઈ છે.તેઓ મોદી સાહેબની આ સહૃદયતા અને સરકારની સંવેદનાનો લાગણીપૂર્વક આભાર માને છે.