રાજકોટની અમૂલ ઈન્ડસ્ટ્રીઝનાં કર્મચારીએ ગત રોજ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જે મામલે ભક્તિનગર પોલીસે મૃતકનાં ભાઈની ફરિયાદનાં આધારે અમૂલ ઈન્ડસ્ટ્રીઝનાં માલિક અને ભાગીદારો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટની અમૂલ ઈન્ડસ્ટ્રીઝના માલિક સામે ફરિયાદ
કર્મચારીના આપઘાત મામલે નોંધાઈ ફરિયાદ
1 વર્ષથી પગાર ન મળતા કર્મીએ કર્યો હતો આપઘાત
રાજકોટની આમૂલ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીએ ગત રોજ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃતક હરેશે કંપનીનાં માલિકો અને ભાગીદારોને કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આ મામલે મૃતકનાં ભાઈએ અમૂલ ઈન્ડસ્ટ્રીઝનાં સુરેશ સંતોકી, નિતીન સંતોકી સહિત ભાગીદારો સામે ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. એક વર્ષથી પગાર ન મળતા અને તમિલનાડું બદલી કરાતા કર્મચારીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ન્યાય અપાવવા કર્મચારીઓ દ્વારા માંગ કરાઇ
લેબર કોર્ટ દ્વારા કર્મચારીઓને પીએફ અને પગાર આપવા માટે આદેશ કર્યો છે. છતાં કંપનીનાં માલિકો દ્વારા રૂપિયા આપવામાં આવતા નથી. ત્યારે હજુ 400 જેટલા કર્મચારીઓનાં રૂપિયા હજુ પણ બાકી છે. ગત રોજ સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેમજ પીએફની રકમ, બાકી પગાર અપાવવા કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ હતી.
હોસ્પિટલ ખાતે કંપનીનાં કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા
ઘટનાને પગલે રવિવારે સિવિલ હોસ્પિટલના પી.એમ.રૂમ બહાર મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ એકત્ર થયા હતા. અને ન્યાયની માગ કરી હતી. કર્મચારીઓ દ્વારા આક્ષેપ કર્યો હતો કે, કંપનીના માલિકોના અંદરોઅંદરના વિવાદનો ભોગ કર્મચારીઓ બની રહ્યાં છે. કર્મચારીઓને છેલ્લાં 1 વર્ષથી પગાર નથી ચૂકવવામાં આવ્યો. તેમજ 30 મહિનાથી PF પણ જમા કરવામાં આવ્યું નથી.
પહેલા પણ બે કર્મચારીઓ દ્વારા આત્મહત્યા કરી હતી
થોડાક સમય અગાઉ વિક્રમ બકુત્રા, અનિલ વેગડા નામના કર્મચારીઓએ આત્મહત્યા કરી લીધી હતી. અને આજે વધુ એક કર્મચારીએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા મામલો ગરમાયો છે.