પાવાગઢની પરિક્રમામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન શરૂ
કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ આવશ્યક
ભક્તોને અગવડતા ન પડે તે માટે પરિક્રમા સમિતિ સજ્જ
વાઘેશ્વરી મંદિરથી પરિક્રમાનો પ્રારંભ
કોરોનાને કારણે મર્યાદિત સંખ્યામાં યોજાતી પાવાગઢની પરિક્રમાનો 2ની જાન્યુઆરીથી પ્રારંભ થશે. પરિક્રમામાં ભાગ લેવા માટે www.pavagadhparikrama.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. 44 કિલોમીટરનો રૂટ ધરાવતી આ પરિક્રમા પૂર્ણ કરતા બે દિવસનો સમય લાગે છે.જો કે ફરી એકવાર યાત્રા શરૂ થવાથી ભક્તોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.વાઘેશ્વરી મંદિર ખાતેથી પરિક્રમાનો પ્રારંભ થશે. તો બીજી તરફ ભક્તોને અગવડતા ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભક્તોને રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તે માટે મંદિર પ્રશાસન સજ્જ છે.
બે વર્ષ બાદ પૂર્ણ રીતે યોજાશે પરિક્રમા
કહેવાય છે કે જેઓ આ પરિક્રમા કરે તેઓને અશ્વમેઘયજ્ઞ કર્યા જેટલુ ફળ મળે છે.અંદાજિત 825 વર્ષ પહેલા વિશ્વામિત્રિ ઋષિએ પાવાગઢ પરિક્રમાની શરૂઆત કરી હતી જેથી આ પરિક્રમા વિશ્વામૈત્રી પરિક્રમા તરીકે પણ ઓળખાય છે.પરંતુ સમય જતા આ પરિક્રમા વિસરાઇ ગઇ.પરંતુ ભક્તોની શ્રદ્ધા અને આસ્થા જોતા પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા ફરીથી પરિક્રમા શરૂ કરવાનું નક્કી કર્યુ. વર્ષ 2016માં ફરી એકવાર પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી.જો કે છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસને લીધે પરિક્રમા મર્યાદિત સંખ્યામાં જ યોજાતી હતી.પરંતુ આ વર્ષે ભક્તોનો ઉત્સાહ જળવાઇ રહે તે હેતુ કોરોનાની ગાઇડલાઇન અનુસાર ફરીથી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.માસ્ક અવશ્ય પહેરવુ, સામાજિક અંતર જળવાઇ રહે તથા ભીડ એકત્ર ન થાય તે રીતે પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભક્તોને રહેવા તથા જમવા માટે સમિતિ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રીયંત્રની પરિક્રમા જેટલુ મળે છે ફળ
મહત્વનુ છે કે મહાકાળી માતાનું પવિત્ર ધામ ગણાતા પાવાગઢમાં ભક્તોની ખાસ અવરજવર રહેતી હોય છે. પરંતુ પરિક્રમાનુ ખાસ મહત્વ હોવાથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પાવાગઢના ડુંગરનો આકાર શ્રીયંત્ર જેવો છે તેથી આ ડુંગરની પૂજા કરવાથી યાત્રીઓને શ્રીયંત્રની પરિક્રમા જેટલુ જ ફળ પ્રાપ્ત થાય છે.