ગોધરા તાલુકાના આંગડિયા ગામમાંથી મેશરી નદી પસાર થઈ રહી છે. ઉનાળા દરમિયાન પીવાના પાણીની સુવિધા મળી રહે એ માટે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. ગુણવત્તા સભર મટીરીયલ્સનો ઉપયોગ ન થતા ચેકડેમ જર્જરીત બન્યો છે.
આંગડિયા ગામમાંથી મેશરી નદી પસાર થાય છે
કરોડોનાં ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો
ગુણવત્તા સભર મટીરીયલનો ઉપયોગ ન કરાતા ચેકડેમ જર્જરીત બન્યો
ગોધરા તાલુકાના આંગડિયા ગામમાંથી મેશરી નદી પસાર થઈ રહી છે. આ નદી ઉપર વસવાટ કરતા અંદાજિત 3000 રહીશોના પીવાના પાણીના સ્ત્રોત જેવા કે કુવા બોર સહિત રિચાર્જ થાય અને સાથે જ ગામના પશુ પંખીઓ ને ઉનાળા દરમિયાન પીવાના પાણીની સુવિધા મળી રહે એ માટે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. વોટરશેડ યોજના હેઠળ હજારો રૂપિયાનો ખર્ચે બનાવવામાં આવેલા ચેકડેમ નું મટીરીયલ્સ ગુણવત્તા સભર મટીરીયલ નહીં ઉપયોગ કરવામાં આવ્યું હોવાથી હાલ ચેકડેમ તૂટી જર્જરીત થઈ ગયો છે જેથી જેમાં પાણી સંગ્રહ થતો નથી અને જેને લઇ ગામના કુવા અને બોરમાં પાણી તળિયે જતા રહ્યા છે જેથી હાલ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ ચેકડેમ ની મરામત કરવામાં આવે અથવા નવીન ચેકડેમ બનાવવામાં આવે એવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ નદી અને કોતરો મારફતે ચોમાસા દરમિયાન નિરર્થક વહી જતા પાણીને અટકાવવા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. નદી અને કોતરની જુબાજુમાં આવેલા ગામોમાં સિંચાઈ સુવિધા મળી રહે સાથે જ ભૂગર્ભ જળસ્તર ઉંચા આવે એવા શુભ આશય સાથે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરી ચેકડેમ ચેક વોલ સહિતની સુવિધા ઉભી કરવામાં આવતી હોય છે.પરંતુ આ સુવિધાઓ ક્યારેક નિર્માણ કર્તાઓ દ્વારા કરવામાં આવતા હલકી ગુણવત્તા વાળા કામને લઈ થોડા જ વર્ષોમાં શોભાના ગાંઠિયા સમાન બની જતી હોય છે. સરવાળે ટૂંકું આયુષ્ય ધરાવતા આવા ચેક ડેમો પાછળ સરકારના ખર્ચાયેલા નાણા નિરર્થક સાબિત થવા સાથે પાણી માં વહી જતાં હોય છે. આવી જ સ્થિતિ ગોધરા તાલુકાના આંગડિયા ગામે મેસરી નદી ઉપર બનાવેલા ચેકડેમ ખાતે હાલ જોવા મળી રહી છે.
ચેકડેમ ની બનાવટમાં પાયામાં પથ્થરો પૂરી દેવામાં આવ્યા હતા
સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારે આ ચેકડેમ અહીં બનાવવામાં આવ્યો હતો દરમિયાન પ્રારંભિક તબક્કામાં અહીં ચેકડેમમાં પાટીયા ગોઠવવામાં આવતા હતા જેથી ચોમાસા દરમિયાન વહી જતા પાણીનો અહીં સંગ્રહ થતો હતો જેથી અહીંના ખેડૂતો ખૂબ ખુશ થઈ ગયા હતા.પરંતુ સમય જતા ખેડૂતોની આ ખુશી જાણે દિવાસ્વપ્ન બની ગઈ છે. ચેકડેમ ની બનાવટમાં પાયામાં પથ્થરો પૂરી દેવામાં આવ્યા હતા જે પથ્થરો માં હવે પોલાણ સર્જાતા ધીરે ધીરે ચેકડેમ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે .જેથી અહીંયા હવે પાણીનો સંગ્રહ થતો નથી .ત્યારે ગ્રામજનોમાં હવે આ ચેકડેમની મરામત કરવામાં આવે અથવા નવીન ચેકડેમ બનાવી આપવામાં આવે એવી માગણી ઉઠી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અહીં આજુબાજુમાં આવેલા તમામ કુવા અને બોર ના પાણીનું સ્થળ તળિયે જતું રહ્યું છે જેથી ચોમાસા સિવાયની અન્ય ખેતી થઈ શકતી નથી સાથે જ પશુપાલનને પણ પીવાના પાણી માટે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
નવીન ચેકડેમ બનાવવા માટે રજુઆત કરવામાં આવી
આંગડીયા ગામ ખાતે બનાવવામાં આવેલો ચેકડેમ વોટરશેડ યોજના હેઠળ બનાવવામાં આવ્યો હોવાનું પાનમ સિંચાઈ વિભાગની તપાસ દરમિયાન ધ્યાને આવ્યું છે જેથી આ ચેક ડેમની મરામત સંલગ્ન વિભાગ દ્વારા જ થઈ શકે એમ છે. જોકે પાનમ સિંચાઈ વિભાગમાં ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા અહીં નવીન ચેકડેમ બનાવવા માટે રજુઆત કરવામાં આવી છે .આ રજૂઆતને લઈને પાનમ સિંચાઈ વિભાગ દ્વારા સરવે કામગીરી કરવામાં આવી હોવાનું પાનમ સિંચાઈ વિભાગ દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોની માગણી આગામી દિવસોમાં સંતોષાય એવું જણાઈ રહ્યું છે.