વ્રત અને તહેવારોની સિઝન શરૂ થતાં જ ફ્રૂટ્સના ભાવ આસમાને પહોંચી ગયા છે. વધતી જતી મોંઘવારીને લઈને મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શાકભાજી બાદ ફ્રૂટ્સના ભાવમાં જંગી વધારો
સફરજનના ભાવ થયા રૂ.360-400 પ્રતિ કિલો
ભાવ વધતાં સામાન્ય અને ગરીબ વર્ગ પરેશાન
દેશભરમાં સતત પડી રહેલા વરસાદે શાકભાજી અને ફ્રૂટના ભાવમાં આસમાની વધારો કરી દીધો છે. મોંઘવારીના ભયાનક ઓવરડોઝથી આમ જનતા રીતસર ત્રાહિમામ્ પોકારી ગઈ છે. શાકભાજી બાદ હવે ફ્રૂટ્સના ભાવમાં પણ વધારો થતાં હવે અધિક અને ત્યાર પછીના શ્રાવણ માસમાં પણ ભક્તોને ભક્તિ અને ઉપવાસ કરવા મોંઘા પડશે. આગામી બે મહિના ફળોની માગ વધેલી રહેવાના કારણે ભાવમાં ઘટાડો નહીં થાય તેની ભક્તોએ તૈયારી રાખવી પડશે.
ફાઈલ ફોટો
શાકભાજી બાદ ફ્રૂટ્સના ભાવમાં વધારો
બજારમાં ટામેટાં, કોથમીર, ડુંગળી, મરચાં, ફુલાવર, બટાકાના ભાવો વધ્યા બાદ હવે આદું રિટેલમાં 260 રૂપિયે કિલોના ભાવે મળી રહ્યું છે. મરચાંના એક કિલોના ભાવ રૂ.100, ડુંગળીના રૂ.75, લસણના રૂ.200 અને ફણસીના રૂ.250 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. હાલ તમામ ફ્રૂટ્સના ભાવમાં 20થી 50 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. બિપરજોય વાવાઝોડું અને ભારે વરસાદને લઈને સફરજનના ભાવ આસમાને પહોંચી ગયા છે. છેલ્લા કેટલાય સમયથી ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે હાલ સફરજનની આવક બંધ હોવાના કારણે તેના ભાવમાં બમ્પર વધારો જોવા મળી રહ્યો છે. વધતા જતા ફ્રૂટ્સના ભાવને લઈને ગ્રાહકો પર પણ માઠી અસર પડી છે.
ફાઈલ ફોટો
સફરજનનો ભાવ પહેલાં પણ ઓછો ન હતો. અગાઉ તેનો ભાવ રૂ.200-350 પ્રતિ કિલો હતો, જે અત્યારે રૂ.360-400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. કેળાં 40 રૂપિયા ડઝનના ભાવે વેચાઈ રહ્યાં હતાં તેના બદલે હવે 60 રૂપિયે ડઝનના ભાવે વેચાઈ રહ્યાં છે. દાડમનો ભાવ 120 રૂપિયા કિલોથી વધીને 160થી 200 રૂપિયા કિલો થયો છે. મોસંબીનો ભાવ 100 રૂપિયાથી વધી અત્યારે 130થી 150 રૂપિયા થયો છે. પપૈયું 40 રૂપિયે કિલો વેચાતું હતું, અત્યારે તે 60 રૂપિયે, જ્યારે પાઈનેપલનો ભાવ 80 રૂપિયા હતો, જે વધીને હવે રૂ.100 સુધી પહોંચ્યો છે. ચીકુના રૂ.150 પ્રતિ કિલો, જ્યારે તરબૂચ રૂ. 35થી 40 પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે.
વરસાદના પગલે સફરજનની આવક 15 દિવસ મોડી
સફરજનનો પાક હિમાચલ અને કાશ્મીરમાં વધારે થતો હોય છે. જ્યાં વરસાદના પગલે 40થી 50 ટકા પાક ઓછો થવાને કારણે ગત વર્ષ કરતાં ભાવમાં 25થી 30 ટકા ભાવમાં વધારો થયો છે. વિદેશથી આવતાં સફરજનની 18 અને 20 કિલો પેટીના ભાવ રૂ.3000થી રૂ.3500ના બદલે રૂ.4500 ચાલી રહ્યા છે. વિદેશથી આવતાં કિવી ફળ રૂ.200થી 300 અને ચેરી રૂ.300થી 400 હોલસેલ માર્કેટમાં પ્રતિ કિલો છે. લોકલ માર્કેટના પૈપયાં, ચીકુ, કેળાં, તરબૂચના ભાવ 50 ટકા વધ્યા છે.
ફાઈલ ફોટો
અધિક અને શ્રાવણ માસમાં ફળોની માગ વધી
દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે શાકભાજી, ફ્રૂટ અને ધાનના પાકને ભારે નુકસાન થયું છે. જેના પગલે શહેરના નરોડા ફ્રૂટ માર્કેટમાં ફ્રૂટની આવકમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર હાલમાં હાફૂસ, કેસર અને રત્નાગીરી કેરીની સિઝન પૂરી થઇ છે. જ્યારે યુપીની લંગડો અને દશેરી કેરીની સિઝન ચાલી રહી છે. છેલ્લે ચોસા કેરીની આવક થતી હોય છે. કેરીની રોજની 20 ગાડીની જગ્યાએ અત્યારે માત્ર ત્રણ ગાડી માર્કેટમાં આવે છે. જેના પગલે હોલસેલ માર્કેટમાં લંગડો કેરી રૂ. 80થી 100 અને દશેરી રૂ.50થી 60 પ્રતિ કિલોનો ભાવ ચાલી રહ્યો છે.