દુનિયાની સૌથી મશહૂર મહિલા લેડી ડાયેનાએ પહેરેલું સ્વેટર 9 કરોડ રૂપિયામાં વહેંચાયું. એવું તો શું ખાસ છે આ વર્ષો જૂના સ્વેટરમાં કે લોકો કરોડો આપવા પણ તૈયાર થઈ ગયાં?
ફેમસ લેડી ડાયેનાનાં સ્વેટરની હરાજી
અધધ રૂપિયા નવ કરોડમાં વેચાયું
વર્ષો જૂના સ્વેટરને ખરીદવા લોકો તૂટી પડ્યાં
શિયાળાની સિઝન શરૂ થવામાં હવે બહુ વાર નથી. શિયાળો શરૂ થાય તે પહેલાં જ લોકો ગરમ વસ્ત્રોની ખરીદી શરૂ કરી દે છે. માર્કેટમાં સસ્તાં અને મોંઘાં સ્વેટર ઉપલબ્ધ હોય જ છે, પરંતુ શું તમે ક્યારેય નવ કરોડ રૂપિયા (૧.૧ મિલિયન ડોલર)નું સ્વેટર જોયું છે? બેશક, તમે આ ભાવ સાંભળીને ચોંકી જશો. તાજેતરમાં જ એક લાલ રંગના સ્વેટરની હરાજી થઈ છે, જેની બોલી નવ કરોડ રૂપિયા જેટલી ઊંચી લાગી. એક તરફ આ સ્વેટર વર્ષોજૂનું છે, બીજી તરફ સામાન્ય સ્વેટર જેવું જ જોવામાં લાગી રહ્યું છે તો પછી આની કિંમત આટલી બધી શા માટે?
દુનિયાની સૌથી મશહૂર મહિલાનું સ્વેટર
ભલે આ સ્વેટર જૂનું હોય અને જોવામાં સાવ સામાન્ય લાગી રહ્યું હોય, પરંતુ આ સ્વેટર જે વ્યક્તિનું છે તે બિલકુલ પણ સામાન્ય નથી, બલકે એક સમય એવો હતો, જ્યારે આ સ્વેટર પહેરનારી વ્યક્તિ દુનિયાની સૌથી મશહૂર મહિલા હતી. આ સ્વેટર છે, બ્રિટનની ભૂતપૂર્વ રાજકુમારી લેડી ડાયેનાનું. હાલના બ્રિટનના રાજા ચાર્લ્સની પત્ની અને પ્રિન્સ હેરી તેમજ વિલિયમની માતા લેડી ડાયેનાના આ સ્વેટરની હરાજી રૂ. નવ કરોડમાં થઈ છે.
સ્વેટરની હરાજી 9 કરોડમાં થઈ
અહેવાલો અનુસાર આ સ્વેટરનું બિડિંગ તાજેતરમાં સંપન્ન થયું. આ હરાજી માટે લોકો લગભગ બે સપ્તાહથી બોલી લગાવી રહ્યા હતા. ઓક્શન કરનારી કંપનીએ આ સ્વેટરની કિંમત ૪૧થી ૬૬ લાખ રૂપિયા જેટલી અંદાજી હતી, પરંતુ હરાજીમાં કિંમત વધતી જ ગઈ. બિડિંગ બંધ થતાં પહેલાં આ સ્વેટર રૂપિયા એક કરોડથી વધુમાં વેચાવાનું હતું, પરંતુ એક અજાણ્યા બિડરે નવ કરોડ રૂપિયા (૧.૧ મિલિયન ડોલર)ની બોલી લગાવીને આ સ્વેટર ખરીદી લીધું.
કેટલું જૂનું છે આ સ્વેટર?
જૂન-૧૯૮૧માં પ્રિન્સ ચાર્લ્સ સાથે સગાઈના થોડા દિવસો બાદ પ્રિન્સેસ ડાયેના એક પોલો મેચમાં સામેલ થઈ હતી ત્યારે ડાયેના ૧૯ વર્ષની હતી. એ દરમિયાન તેણે આ લાલ સ્વેટર પહેર્યું હતું. એ સમયે આ તસવીરો એટલી ચર્ચામાં આવી હતી કે ડાયેનાનું લાલ સ્વેટર એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું હતું અને આ ડિઝાઇનનાં સ્વેટર ખરીદવા લોકોએ રીતસર દોટ મૂકી હતી. સ્વેટર પર સફેદ ઘેટાં વચ્ચે એક કાળું ઘેટું નજરે પડી રહ્યું છે. એ દરમિયાન લોકો અનુમાન લગાવતા હતા કે ડાયેના આ સ્વેટર દ્વારા એ સંકેત આપી રહી છે કે તે રોયલ ફેમિલીમાં એક કાળા ઘેટા સમાન છે. ૧૯૯૬માં તેણે ચાર્લ્સ સાથે છૂટાછેડા લીધા હતા અને ૧૯૯૭માં જ્યારે માત્ર ૩૬ વર્ષની હતી ત્યારે પેરિસમાં એક કાર અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.
ડાયનાની બીજી વસ્તુઓ પણ કરોડોમાં વેંચાઈ છે
આવું પહેલી વાર નથી બન્યું, જ્યારે ડાયેનાની કોઈ ચીજ આટલા મોંઘા ભાવે વેચાઈ હોય. આ પહેલાં ડાયેનાનું એક બોલગાઉન પાંચ કરોડ રૂપિયામાં વેચાયું હતું. સૌથી મોંઘા સ્વેટરની હરાજીનો રેકોર્ડ ડાયેનાના આ લાલ સ્વેટરે તોડી નાખ્યો છે. આ પહેલાં સૌથી મોંઘા સ્વેટરનો રેકોર્ડ અમેરિકન સિંગર-મ્યુઝિક કમ્પોઝર કર્ટ કોબેનના સ્વેટરના નામે હતો, જે રૂ. બે કરોડમાં વેચાયું હતું.