અમદાવાદ જેવા ગુજરાતના આર્થિક પાટનગરમાં રોજબરોજ આગ કે અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે જાનહાનિનું પ્રમાણ વધ્યું છે અને લાખો-કરોડો રૂપિયાની મિલકત પણ અગ્નિની ભીષણ જ્વાળામાં હોમાઇ રહી છે.
ફાયર બ્રિગેડ વિભાગે મોટા ભાગના વોર્ડમાં ફાયરચોકી બનાવવા માટે હિલચાલ
એક ફાયરચોકી પાછળ રૂ. ૪થી પ કરોડ ખર્ચાશે
આગ-દુર્ઘટના સમયે તાત્કાલિક બચાવ કામગીરી થઈ શકશે
બીજી તરફ શહેરમાં દબાણના કારણે રસ્તા સાંકડા તથા હોઇ નજીકના ફાયરસ્ટેશનથી આગ-અકસ્માતના સ્થળે પહોંચવા ખાસ્સો વિલંબ થઇ રહ્યો છે. આ સંજોગોમાં તંત્રએ પોલીસ વિભાગની પોલીસ ચોકીની જેમ શહેરમાં ફાયર ચોકી બનાવવાની દિશામાં હિલચાલ આરંભી છે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં પ્રથમવાર ફાયર ચોકીનો અભિગમ અપનાવાઇ રહ્યો છે.
શહેરમાં તાજેતરાં ચિરીપાલ ગ્રૂપની નંદન એક્ઝિમમાં લાગેલી આગમાં સાત જણા હોમાઇ ગયા હતા. આ સિવાય ઓઢવમાં પણ ભીષણ લાગવાની ઘટના બની હતી. એટલે આગની દુર્ઘટનામાં જાનહાનિ વધી છે. ઉપરાંત રોજબરોજના ફાયર કોલ અને રેસ્ક્યુ કોલ પણ વધતા જાય છે. એક અંદાજ પ્રમાણે ફાયરબ્રિગેડ વિભાગના રોજના ૧૦ થી ૧ર ફાયરકોલ કે રેસ્કયુકોલ આવે છે. આની સામે શહેરમાં કુલ ૧પ ફાયરસ્ટેશન છે.
જમાલપુર, કોતરપુર, મણિનગર, ઓઢવ, શાહપુર, પાંચકૂવા, નરોડા, જશોદાનગર, અસલાલી, નવરંગપુરા, પ્રહલાદનગર, ચાંદખેડા, થલતેજ, સાબરમતી અને દાણાપીઠ એમ કુલ ૧પ ફાયરસ્ટેશન કાર્યરત હોઇ શહેરભરમાં લાગેલી આગ-અકસ્માતની ઘટનામાં લોકોને બચાવવાની કામગીરી કરાય છે. જોકે ફાયર ચોકીના નવા અભિગમથી ફાયર સ્ટેશનને પણ વધારાનો સપોટ મળશે તેમજ આગ-અકસ્માતના સ્થળે તત્કાળ મદદ માટે પહોંચી શકાશે. ફાયર ચોકી બનાવવા માટે ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા શહેરના મોટા ભાગના વોર્ડમાં જમીનની માગણી કરાઇ છે.
જે પૈકી વાસણામાં પ્લોટનું સંપાદન કરાયું છે, નારણપુરામાં સંપાદનની કામગીરી ચાલુ છે. એક અંદાજ મુજબ શહેરમાં ઓછામાં અોછી ૧૦ થી ૧ર ફાયરચોકી ઊભી કરાશે. ફાયર ચોકી માટે ૩પ૦૦થી ૪૦૦૦ ચો.વારનો પ્લોટ જરૂરી હોઇ તેમાં ૧૦,૦૦૦ લિટર ક્ષમતાના બે વોટર ટેન્કર, એક વોટર ટેન્ડર અને એક રેસ્ક્યુ વેનનો સમાવેશ કરાશે. તેમજ રપ થી ૩૦ કર્મચારી માટે સ્ટાફ કવાટર્સ બનાવાશે.
મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ હયાત ફાયરસ્ટેશનને લોજિસ્ટિક સપોર્ટ પૂરા પાડવા નવી ફાયરચોકી બનાવવાની સાથે સાથે અમદાવાદના વધેલા ક્ષેત્રફળ અને વસ્તીને જોતા નવાં ફાયર સ્ટેશન ઊભા કરવાની દિશામાં પણ ગંભીરતાથી હિલચાલ આરંભી છે.
જોકે તંત્રના ફાયરચોકી અને ફાયર સ્ટેશનનો અભિગમ આવકાર્ય હોવા છતાં પણ તેની સામે ભરતીની પ્રક્રિયા પણ હાથ ધરવી અગત્યની બનશે. કેમ કે મ્યુનિ. ફાયરબ્રિગેડ વિભાગમાં જાંબાઝ ફાયર જવાનોની પૂરતી સંખ્યા ન હોઇ ફાયર ચોકી કે નવા ફાયર સ્ટેશન માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ન રહે તે જોવાની પણ તંત્રની ફરજ છે તેવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.