Ambalal Patel Prediction: બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થશે, 14, 15 જૂન સુધીમાં કચ્છ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન
દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર
કચ્છ, રાજસ્થાનના ભાગોમાં થશે વરસાદ
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય નામનું વાવાઝોડું હજી વધારે તાકાતવર બનશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 870 કિલોમીટર દૂર છે અને 2 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વચ્ચે હવે બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે.
ગુજરાતમાં પડશે વરસાદ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થશે. રાજ્યના પશ્ચિમ કાંઠાના ભાગોમાં વાવાઝોડાની અસર વર્તાશે. વાવાઝોડાની અસર રૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ગુજરાતમાં વરસાદની આગાહી કરવામા આવી છે. તેમણે જણાવ્યું કે, આ વાવાઝોડાના કારણે કચ્છ, રાજસ્થાનના ભાગોમાં વરસાદ થશે. આગામી 14 અને 15 જૂન સુધીમાં વરસાદ થશે. સાથે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.
દરિયામાં ખૂબ ઊંચા મોજા ઊછળવાની સંભાવના
હવામાન વિભાગ અનુસાર આ ચક્રવાતી તોફાન આવતીકાલે ભારે સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. તેની સૌથી વધુ અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવમાં જોવા મળશે. આ સાથે જ કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે આજથી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઊછળવાની સંભાવના છે. વાવાઝોડાની સંભવિત અસર ગુજરાતના દરિયાકાંઠે 11થી 13 જૂન દરમિયાન વર્તાશે.
ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ
બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 870 કિમી દૂર છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર જ રહેવાની સૂચના આપવામાં આવી છે. દરિયા કાંઠાના ગામડાઓની સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે. SDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. દરિયામાં ઊંચાં મોજાં ઉછળતાં હોવાથી તંત્રએ લોકોને સમુદ્રથી દૂર રહેવાની સૂચના આપી છે. ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. જાફરાબાદના દરિયા કિનારે બોટો લાંગરવાની શરૂઆત થઈ છે.