દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે રાજકોટનો પ્રવાસ કરી જનસભાને સંબોધી હતી જેમા તેમણે ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી.
રાજકોટમાં કેજરીવાલની જનસભા
ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
નાગરિકોને કહ્યું- જનતા એક તક આપે
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પ્રથમ વખત રાજકોટ આવ્યાં છે જ્યાં તેમણે એક જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાતની પ્રજાના વખાણ કર્યા હતા. જનસભાને સંબોધન કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે, પહેલા મને દિલ્હી અને પંજાબની જનતા પ્રેમ કરતી હતી. હવે ગુજરાતના લોકો પણ ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા છે.
ગુજરાત સરકારને લીધી આડેહાથ
રાજકોટમાં જનસભાને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં અમારી સરકાર છે અને છેલ્લા 3 વર્ષમાં અમે 50 હજારથી વધુ વૃદ્ઘોને તીર્થ યાત્રા કરાવી છે, ગુજરાત સરકારે અત્યાર સુધીમાં એકપણ વખત વૃદ્ધોને તીર્થ યાત્રા કરાવી ? સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર આવશે એટલે ગુજરાતમાં પણ આ યોજના શરૂ કરવામાં આવશે.
શિક્ષણ વ્યવસ્થા પર કર્યો સવાલ
સાથે જ તેમણે સભાને સંબોધતા કહ્યું હતું કે, મને રાજનીતિ કરતા નથી આવડતી, મને કામ કરતા આવડે છે. સાથે જ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ફરી સવાલ કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે,ગુજરાતમાં સરકાર શાળાઓની સ્થિતિ બહુ ખરાબ છે, સરકારી શાળાઓમાં છત તૂટેલી છે તો કેટલીક શાળાઓમાં ઓરડા પણ નથી. સામે દિલ્હીમમાં અમે સરકારી શાળાનો વિકાસ કર્યો છે અને આ શાળાઓનું પરિણામ હવે 99.99 ટકા આવી રહ્યું છે.
હું શાળા અને હોસ્પિટલના નામે મત માગીશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કેજરીવાલે રાજકોટમાં જનસભાને સંબોધન કરતા રાજ્યના નાગરિકો પાસે એક તક માગી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતના લોકો પાસે એક મોકો માગું છું, હું શાળાઓ અને હોસ્પિટલ માટે મત માગીશ.