મહામારી /
વૃદ્ધો વેક્સિન ઓછી લે છે, યુવાનો નોકરી-ધંધે જાય છે તેને આપો : ડૉક્ટરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
Team VTV05:07 PM, 20 Mar 21
| Updated: 05:21 PM, 20 Mar 21
રાજ્યમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. ગઇકાલે એક દિવસમાં કોરોનાના 1415 કેસ નોંધાયા હતા. તેવામાં હવે કોરોના સંક્રમણ અને વેક્સિનેશનને લઇને ડૉક્ટરોએ જાણો શું કહ્યું...
કોરોનાના કેસની વચ્ચે તબીબોની ચેતવણી અને સલાહ
60 વર્ષના વડીલોમાં રસી લેવાનું પ્રમાણ ઓછું છે, યુવાનોને વેક્સીન આપોઃ ડૉ. વસંત પટેલ
સિનિયર સિટીઝનને ઘરે જઈ વેક્સિન આપો: ડૉ. ભરત ગઢવી
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાની વેક્સિનેશનને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. રવિવારે પણ વેક્સિનેશન કાર્યક્રમને ચાલુ રખાશે. PHC, CHC સેન્ટર પર રજા રદ કરી વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ રખાશે. વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે વેક્સિનેશનને લઈ જાહેરાત કરી છે. વધુમાં વધુ લોકોને વેક્સિન આપવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે વેક્સિનેશન અંગે ડૉક્ટરોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. બે ડૉક્ટરોએ મુખ્યમંત્રીને વેક્સિન અપવા અંગે પત્ર પણ લખ્યો છે.
યુવાનોને કોરોનાનો વધુ ભય હોવાથી રસી આપવી જોઇએ: ડૉ. વસંત પટેલ
અમદાવાદના જાણીતા ડોક્ટર વસંત પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી યુવાનોને વેક્સીન આપવા અપીલ કરી છે. 60 વર્ષના વડીલોમાં રસી લેવાનું પ્રમાણ ઓછું છે. યુવાનોને વેક્સીન આપવાનું શરૂ કરવું જોઈએ. યુવાનો રોજ નોકરી ધંધે જાય છે. યુવાનોને કોરોનાનો વધુ ભય હોવાથી રસી આપવી જોઇએ. યુવાનોનું રસીકરણ તાત્કાલિક શરૂ કરવું જોઈએ.
સિનિયર સિટીઝનને ઘરે જઈ વેક્સિન આપો: ડૉ. ભરત ગઢવી
અમદાવાદમાં કોરોના મામલે આહના દ્વારા સરકારને પત્ર લખી વેક્સિનેશન ઝડપી બનાવવાનું સૂચન કરાયું છે. ડૉ. ભરત ગઢવી દ્વારા લખવામાં આવેલાં પત્રમાં સરકારને ઉદ્દેશીને જણાવાયુ છે કે એક દિવસમાં 4 લાખ લોકોને વેક્સિન અપાવવી જોઈએ. સિનિયર સિટિઝનને સેન્ટર પર બોલાવવા કરતાં ઘરે જ વેક્સિન આપવી જોઈએ. તેમનું કહેવું છે 30 વર્ષથી ઉપરના તમામને વેક્સિનેશન જરૂરી છે. તેમણે એ પણ સલાહ આપી કે લોકોએ રોષ કરવા કરતાં સાવચેતી રાખવી જોઈએ. માસ્ક પહેરવો જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ પાળવા જોઈએ.
વેક્સિન લીધી છે તેમણે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરીઃ ડૉ.તુષાર પટેલ
કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.તુષાર પટેલે ચેતવણી આપી હતી કે, લોકો સતર્ક નહીં રહે તો અમદાવાદમાં કેસ વધશે. છેલ્લા 4 દિવસથી જે કેસ વધી રહ્યા છે તે જોતા સ્થિતિ સ્ફોટક થશે. વેક્સિન લીધી છે તેમણે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. શહેરમાં લોકોએ ધ્યાન ન આપ્યું એટલે કોરોના વકર્યો છે. જો લોકો ધ્યાન નહીં આપે તો કોરોનાની સ્થિતિ વધુ ઘાતક બનશે.
માત્ર ડૉક્ટર કે સરકાર નહીં નાગરિકોની પણ જવાબદારીઃ ડૉ.રજનીશ પટેલ
અમદાવાદમાં વધતા કોરોનાના કેસોએ ડોક્ટરોની ચિંતા વધારી છે. સિવિલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ રાકેશ જોશીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે આ પ્રકારે ભીડ થશે તો કોરોનાની ત્રીજી લહેર દૂર નથી. માત્ર ડૉક્ટર કે સરકાર નહીં નાગરિકોની પણ જવાબદારી છે. તો ડૉ.રજનીશ પટેલે કહ્યું કે સિવિલ તંત્ર દ્વારા વધતા કેસ સામે તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 867 દર્દીઓ છે. અમદાવાદમાં 15 દિવસમાં દર્દીઓનો ધસારો બમણો થયો છે.