મલેશિયાથી રિફાઇન્ડ પામ તેલની આયાત પરનો પ્રતિબંધ અદાણી વિલ્મર, ઇમામી એગ્રોટેક, પતંજલિ આયુર્વેદ, કારગિલ, ગોકુલ એગ્રો જેવી સ્થાનિક ખાદ્ય તેલ કંપનીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. આયાતી તેલના સ્ટોકને કારણે આ તમામ કંપનીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેઓ તેમની પુરી ક્ષમતાનો ઉપયોગ કરી શકતા નથી.
હકીકતમાં આ કંપનીઓ રિફાઈન્ડ પામ તેલ જે ભાવે વેચે છે તે દરની તુલનામાં ભારતમાં પામતેલ મલેશિયાથી આયાત કર્યા પછી વધુ સસ્તું પડે છે. પતંજલિએ હાલમાં જ નાદારી નોંધાવેલ ખાદ્યતેલ કંપની રૂચી સોયાને ખરીદી છે. આ કંપનીઓ ખાદ્યતેલના બજારમાં પ્રભુત્વ ધરાવે છે, તેથી આયાત પરના પ્રતિબંધનો તેમને સૌથી વધુ ફાયદો કરાવશે.
મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદ
મલેશિયાની આયાત પર કેમ પ્રતિબંધ છે?
નોંધપાત્ર છે કે મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદ દ્વારા કાશ્મીર અને નાગરિકત્વ કાયદા અંગે ભારત સરકારના વલણનો વિરોધ કરવામાં આવ્યા બાદ મલેશિયા અને ભારત વચ્ચેનો વિવાદ વધ્યો હતો. ભારતે મલેશિયાથી રિફાઇન્ડ પામ ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે અને એવા સંકેતો પણ મળી રહ્યા છે કે ભારત અન્ય ચીજવસ્તુઓની આયાત પર પણ પ્રતિબંધ લગાવી શકે છે.
મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદે કાશ્મીર મુદ્દાથી લઈને નાગરિકત્વ કાયદા સુધી ભારતની આકરી ટીકા કરી છે ત્યારે ભારતે આ પગલું ભર્યું છે. મહાતિરે નાગરિકત્વ કાયદા વિશે કહ્યું હતું કે તે સંપૂર્ણ રીતે અન્યાયી છે. આ સિવાય વિવાદિત ઇસ્લામિક ધાર્મિક નેતા ઝાકિર નાઈક ને આશ્રય આપવાથી પણ ભારત નારાજ છે.
કેમ ભારતીય કંપનીઓને ફાયદો થશે?
સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEAI) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતાએ કહ્યું, "વર્ષ 2019 માં ઘરેલું ખાદ્યતેલ રિફાઇનરીઓ તેમની ક્ષમતાના માત્ર 40 ટકા ઉપયોગ કરી શકી છે, જ્યારે અગાઉના વર્ષે તેઓએ 60 ટકા ક્ષમતાનો ઉપયોગ કર્યો હતો. આખો ઉદ્યોગ બંધ થવાના આરે છે. જો સરકાર આયાત પર પ્રતિબંધ નહીં લગાવે, તો તેમનું અસ્તિત્વ બચાવવા તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહિ રહે."
સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEAI) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.વી. મહેતા
નોંધપાત્ર વાત એ છે કે સરકારે મલેશિયાથી ક્રૂડ એટલે કે નોન રિફાઈન્ડ પામ ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂક્યો નથી. ફાયદો એ થશે કે ઘરેલું કંપનીઓ સસ્તામાં ક્રૂડ તેલની આયાત કરશે અને અહીં પોતે રિફાઇનિંગ કરીને તેનું વેચાણ કરશે.
મહેતાએ કહ્યું, "ઉદ્યોગ ઘણા સમયથી માંગ કરી રહ્યો છે કે આયાત પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવે. આપણે દર વર્ષે 95 લાખ ટન પામ તેલની આયાત કરીએ છીએ."
અદાણી વિલ્મર ખાદ્ય તેલ વેચે છે અને તેમાં સોયા, સૂર્યમુખી, સરસવ, રાઈસ બ્રાન, મગફળી અને કપાસિયા જેવા તમામ કેટેગરીમાં ખાદ્યતેલની વિશાળ શ્રેણી છે. તે એક દિવસમાં 16,800 ટન શુદ્ધ તેલનું ઉત્પાદન કરી શકે છે. રિફાઈન્ડ પામ ઓઇલની આયાત પરના પ્રતિબંધોથી અન્ય ખાદ્યતેલોના વપરાશમાં વધારો થઈ શકે છે જેમાં અદાણી, રૂચી સોયા, પતંજલિ, ઇમામી જેવી કંપનીઓ મજબૂત સ્થિતિમાં છે.
યોગ ગુરુ બાબા રામદેવ ની પતંજલિ એ તાજેતરમાં એક ઇન્સોલ્વન્સી પ્રક્રિયા દ્વારા રૂચિ સોયાને 4,350 કરોડમાં ખરીદી હતી. એ જ રીતે, અમદાવાદના ગોકુલ ઉદ્યોગમાં પણ તમામ પ્રકારના ખાદ્યતેલના ઉત્પાદનો છે.
પતંજલિ કંપનીના સ્થાપક બાબા રામદેવ (Source : ANI)
છેલ્લા દાયકામાં ભારતીય ખાદ્યતેલની આયાત વાર્ષિક 8 ટકાના દરે વૃદ્ધિ પામી છે અને આમાં આશરે 15 ટકા હિસ્સો રિફાઇન્ડ ઓઇલનો છે.
કેટલી આયાત છે?
ભારત સૌથી વધુ ખાદ્યતેલની આયાત મલેશિયા પાસેથી કરે છે. આટલું જ નહીં, ભારત વિશ્વમાં પામતેલનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે. મલેશિયા વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષમાં, મલેશિયાએ ભારતને કુલ 10.8 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે ભારતમાંથી ફક્ત 6.4 અબજ ડોલરની આયાત કરવામાં આવી હતી.
જો ભારત મલેશિયાથી આયાત પર સીધો પ્રતિબંધ લગાવે તો મલેશિયાની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઈ શકે છે. ભારતના કુલ ખાદ્યતેલ વપરાશમાં પામ તેલનો હિસ્સો લગભગ 45% છે.