મહેસાણા પંથકની સગીરાના ગર્ભપાત અંગેની હાઇકોર્ટમાં અરજી સ્વીકારાઈ છે. જેને 18 સપ્તાહનો ગર્ભ હોવાથી ગર્ભપાત અંગે કોર્ટે મંજૂરી આપી છે.
અમદાવાદ હાઇકોર્ટે 16 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજૂરી
મેડિકલ કેસ પેપર્સ જોયા બાદ હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી
પીડિતાને હાલ 18 અઠવાડિયાનો ગર્ભ
અમદાવાદ હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 16 વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી. જેમાં તેને ગર્ભ રહી ગયો હતો હાલ પીડિતાને 18 સપ્તાહનો ગર્ભ છે. આ દરમિયાન સગીરાના ભાઈ કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી. બીજી બાજુ દુષ્કર્મકાંડમાં સંડોવાયેલ આરોપી સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે દુષ્કર્મનો ગુનો
કેસ ચાલી જતા કોર્ટમાં મેડીકલ કેસ પેપર્સ રજુ કરાયા હતા. જે જોયા બાદ હાઈકોર્ટ દ્વારા ગર્ભપાત અંગે મંજૂરી આપવામાં આવી છે. આ મુદ્દે કોર્ટે વડનગરની GMERS જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડેન્ટને સગીરાની શારીરિક તપાસ કરાઈ હતી. ત્યારબાદ 14 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ આપવા કહેવામાં આવ્યું જેના ભાગરૂપે રિપોર્ટમાં સગીરાને નોર્મલ ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં અરજદાર દ્વારા મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ અંતર્ગત ગર્ભપાત માટે માંગેલ કોર્ટના નિર્દેશ મુજબ કોર્ટે ગર્ભપાત અંગે છૂટ આપી હતી.
વધુમાં કોર્ટ દ્વારા કડી પોલીસ મથકના પીઆઈને એક અઠવાડિયામાં ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ થાય તેવું મેનેજમેન્ટ કરવા પણ આદેશ કર્યા છે. સાથે જ આરોપી સામેના કેસમાં પુરાવારૂપે ગર્ભનું DNA રાખવા પણ જણાવાયું છે. ખાસ વાત એ છે કે આ કેસમાં સગીરાનો ગર્ભપાત હાય રિસ્ક ધરાવતો હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે.