મિઝોરમના પૂર્વ વિદ્રોહીઓએ મેઇતેઈ સમુદાયને દાટી મારી જીવ વ્હાલો હોય તો રાજ્ય છોડી દેવા કહ્યું છે. જેને લઇ ચર્ચા જાગી છે.
મણિપુરની ઘટનાના પડઘા પડયા
મિઝોરમમાં મેઇતેઈ સમુદાયને ધમકીઓ મળતા ચકચાર
મિઝોરમના પૂર્વ વિદ્રોહીઓએ મેઇતેઈ સમુદાયને દાટી મારી
હિંસાના બોમ્બ ઉપર બેઠેલા મણિપુરમાં હિંસા વચ્ચે પડોશી મિઝોરમમાં મેઇતેઈ સમુદાયને ધમકીઓ મળતા ચકચાર મચી છે. મણિપુરની ઘટનાના પડઘા પડયા હોય તેમ જીવ વ્હાલો હોય તો રાજ્ય છોડી દો તેવી મિઝોરમના પૂર્વ વિદ્રોહીઓએ મેઇતેઈ સમુદાયને દાટી મારી હતી. જેને લઈને મિઝોરમ સરકાર પણ હરકતમાં આવી છે અને રાજધાની આઈઝોલમાં મેઇતેઈ સમુદાયના લોકો માટે સુરક્ષા વધારી દીધી છે.
PAMRA એ મિઝો નેશનલ ફ્રન્ટનું પૂર્વ ઉગ્રવાદીઓનું સંગઠન છે
આઇઝોલ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ઉલ્લેખ કરાયો કે પીસ એકોર્ડ MNF રિટર્નીઝ એસોસિએશન (PAMRA) એ મેઇતેઇના લોકોને મિઝોરમ છોડવા કહ્યું હતું. કારણ કે પડોશી રાજ્યમાં જાતીય સંઘર્ષ આસમાને જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે તાજેતરમા જ બે મહિલાઓની નગ્ન કરી ફેરવવામાં આવી હતી. જેને લઈને "મિઝો યુવાનોમાં ગુસ્સો ભડકે બળે છે. નોંધનીય છે કે PAMRA એ મિઝો નેશનલ ફ્રન્ટનું પૂર્વ ઉગ્રવાદીઓનું બિન રાજકીય સંગઠન છે જે મિઝો શાંતિ સમજૂતીની તમામ કલમો લાગુ કરવાની માંગ કરી રહી છે.
PAMRAએ મિઝોરમના તમામ મેઇતેઈને તેમના વતન ફરવા જણાવ્યું
એક ખાનગી ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર PAMRA દ્વારા કહેવામાં આવ્યું છે કે મણિપુર હિંસાને પગલે મિઝોરમમાં લાગણીઓને ઠેસ પહોંચી છે. સાથે જ આ સંગઠને ચેતવણી આપી છે કે જો મિઝોરમમાં મેઇતેઈ સમુદાયના લોકો પર કોઈ હિંસા થશે તો જવાબદારી તેઓ પોતે લેશે. જાણવા મળી રહ્યું છે કે મિઝોરમમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે અને મણિપુર યુવતી સાથે થયેલા દુર્વ્યવહાર અને બર્બરતાને પગલે મણિપુરના મેઈટીઓ માટે મિઝોરમમાં રહેવું સલામત નથી. તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. PAMRA મિઝોરમના તમામ મેઇતેઈને તેમના વતન ફરવા નિવેદનમાં જણાવાયું છે.
મિઝોરમમાં રહે છે હજારો મેઇતેઈ સમુદાયના લોકો
બીજી તરફ મિઝોરમ સરકારના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે કોઈ પણ મેઇતેઈ વ્યક્તિને નુકસાન ન થાય તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. મુખ્યમંત્રી જોરામથાંગાએ મણિપુરના એન બિરેન સિંહને મિઝોરમમાં મેઇતેઈ લોકોની સુરક્ષાની ખાતરી આપી છે. નોંધનીય છે કે મિઝોરમમાં હજારો મેઇતેઈ સમુદાયના લોકો રહે છે.જેમાં વિધાર્થીઓનો પણ સમાવેશ થાય છે.