બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Another bridge will be built in this area in Ahmedabad at a cost of 81 crores
Vishal Khamar
Last Updated: 09:01 PM, 10 April 2023
ADVERTISEMENT
એક તરફ શહેરીજનોને વિકસતા જતા અમદાવાદના કારણે ટ્રાફિક જામની સમસ્યા અડચણમાં મૂકતી આવી છે. આમ તો નાગરિકો પાસે એએમટીએસ, બીઆરટીએસ ઉપરાંત હવે છેલ્લા છ મહિનાથી મેટ્રો ટ્રેનનો વિકલ્પ જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં મળ્યો છે, પરંતુ આજે પણ અનેક લોકો પોતાનાં અંગત વાહનો વસાવવાનું પસંદ કરી રહ્યા છે, જેના કારણે રોડ ઉપર સતત દરરોજ સેંકડો નવાં વાહનો ઠલવાઈ રહ્યાં છે, બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાફિકની સરળ અવરજવર માટે નીતનવા બ્રિજ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યું છે. તંત્રના આવા બ્રિજ પ્રોજેક્ટથી લોકોને રેલવે ફાટક વગેરેથી મુક્તિ પણ મળી રહી છે. અત્યારે જગતપુર પાસે આવેલા રેલવે ક્રોસિંગ નંબર-૬ પર ઓવરબ્રિજના નિર્માણનું કાર્ય ધમધમી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આસપાસના વિસ્તારોના આશરે એક લાખ વાહનચાલકોને રોજેરોજ આ બ્રિજનો લાભ મળશે.
ટ્રાફિકનું ભારણ ઘટાડવા શહેરમાં જુદી જુદી જગ્યાએ ઓવરબ્રિજ, અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે
અત્યારે શહેરમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ની સ્થિતિએ કુલ ૮૨ બ્રિજ છે, જેમાં સાબરમતી નદી ઉપરના ૧૦ રિવરબ્રિજ, ૨૩ રેલવે ઓવરબ્રિજ, ૧૯ રેલવે અંડરપાસ, ૧૯ ફ્લાય ઓવરબ્રિજ, ચંદ્રભાગા પરના બે બ્રિજ, ખારી નદી પરના બે બ્રિજ અને કેનાલ પરના સાત બોક્સ કલ્વર્ટનો સમાવેશ થાય છે. શહેરમાં જુદી જુદી જગ્યાએ ટ્રાફિકનું ભારણ ઘટાડવાના આશયથી મ્યુનિસિપલ સત્તાધીશો દ્વારા રેલવે ક્રોસિંગ પર રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરપાસ, સાબરમતી નદી પર રિવરબ્રિજ, રોડ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ, નાળાં પર બ્રિજ કલ્વર્ટ જેવાં ઉપયોગી સ્ટ્રક્ચર બનાવાતાં હોઈ તેનાથી વાહનોની અવરજવર સરળતા અને સલામત રીતે થઈ રહી છે.
રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ઝડપભેર હાથ ધરાઈ
હવે નવા બ્રિજ પ્રોજેક્ટો હેઠળ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ચાંદલોડિયા-ખોડિયાર રેલવે લાઇન સેક્શન પરના કિ.મી. ૫૧૦/૬ અને ૫૧૦/૭ ઉપર સરખેજ-ગાંધીનગર હાઈવેથી ચેનપુર-ગોદરેજ ગાર્ડન સિટી તરફ જતા રેલવે ક્રોસિંગ નં. ૬ એટલે કે જગતપુર રેલવે ક્રોસિંગ પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ઝડપભેર હાથ ધરાઈ રહી છે.
જગતપુર રેલવે ક્રોસિંગ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર અવધૂત પ્રોજેક્ટ લિ. છે, જેના પીએમસી તરીકે કસાડ કન્સલ્ટન્ટ પ્રા. લી. છે. ગત ૧૨ ઓક્ટોબર, ૨૦૨૨એ રેલવે પોર્શન માટેનો વર્ક ઓર્ડર અપાયો હતો અને ૧૫ મે, ૨૦૨૩ સુધીમાં તેને પૂરો કરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે.
સરખેજ-ગાંધીનગર હાઈવેથી ચેનપુર-જગતપુર, ગોદરેજ ગાર્ડન સિટી, સેવી સ્વરાજ જેવા નવા વિકસિત થયેલા વિસ્તાર સાથે આ રેલવે ઓવરબ્રિજ પૂર્ણ થયા બાદ જોડાણનો લાભ મળશે. હાલમાં રેલવે પોર્શનનો ભાગ તૈયાર કરવાનો હોઈ તે લગભગ બે મહિનામાં પૂર્ણ કરી દેવાય તેવી ધારણા છે.
ADVERTISEMENT
તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ રેલવે પોર્શનની લંબાઈ ૫૬.૪ મીટર, એસજી હાઈવે તરફના એપ્રોચ રોડની લંબાઈ ૩૬૨.૭ મીટર અને ગોદરેજ ગાર્ડન સિટી તરફના એપ્રોચ રોડની લંબાઈ ૩૧૬.૧૩ મીટર છે. અત્યારે એપ્રોચ રોડ પોર્શનની કામગીરી ૯૭.૦૭ ટકા અને રેલવે પોર્શનની કામગીરી ૭૬.૬૨ ટકા પૂર્ણ કરાઈ હોવાનો તંત્રનો દાવો છે.
આ રેલવે ઓવરબ્રિજ રેલવે ઓથોરિટી, રાજ્ય સરકાર તેમજ કોર્પોરેશન સાથેના કોસ્ટ શેરિંગથી નિર્માણ પામી રહ્યો છે, જેનો ખર્ચ આશરે રૂ. ૭૬.૪૨ કરોડ છે. ૭૩૫.૨૬ મીટર લાંબો અને ૧૬.૮૦ મીટર પહોળાઈ ધરાવતો ચાર લેનનો જગતપુર રેલવે ક્રોસિંગનો પ્રોજેક્ટ નવા વિસ્તારોમાં ટ્રાફિકની અવરજવરને સરળ બનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.