Ahmedabad News: અમદાવાદમાં ફરી ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પોસ્ટ મારફતે અલગ-અલગ તારીખે ત્રિપલ તલાકનું લખાણ મોકલીને પત્નીને ત્રિપલ તલાક આપતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. પરિણીતાએ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર ઘટનાને લઇ તપાસ શરૂ કરી છે.
પ્રતિકાત્મક તસવીર
2018માં પણ નોંધાવી હતી ફરિયાદ
પ્રાપ્ત વિગતો અનુસાર, બાપુનગર વિસ્તારની એક પરિણીતાને તેના પતિએ પોસ્ટ મોકલીને ત્રિપલ તલાક આપ્યા છે. પતિની અસામાજિક પ્રવૃત્તિને લઈને મહિલાને સતત તેની સાથે ઝઘડા થતાં હતા. વર્ષ 2018માં મહિલાએ પતિ વિરુદ્ધ મારપીટની ફરિયાદ નોંધાવી હતી. એ સમયે પતિએ 5 લાખનું દહેજ માંગીને પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદ પતિએ મહિલાને પોસ્ટથી ત્રિપલ તલાકનું લખાણ મોકલ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર
પોલીસે સમગ્ર ઘટનાને લઇ શરૂ કરી તપાસ
ત્રીજી વખત પોસ્ટ આવ્યા બાદ મહિલા સીધી બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, જ્યાં તેણે પોલીસ અધિકારીને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ મહિલાની ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ બાપુનગર પોલીસે સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી છે.
MPમાંથી પણ સામે આવ્યો છે સમાન બનાવ
આવો જ બનાવ ગઈકાલે મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો હતો. મધ્યપ્રદેશના બેતુલમાં એક પતિએ રસ્તામાં જ પત્નીને ત્રિપલ તલાક આપી દીધા હતા. જે બાદ મહિલાએ પતિ સામમે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેના સાત વર્ષના પુત્ર સાથે તેના સાસરિયાના ઘરેથી કાઢી મૂક્યા બાદ તેના મામામાં રહેતી હતી. તેના પતિએ તેને ગત 28 ઓગસ્ટે બેતુલ કોર્ટ પાસે રસ્તામાં ત્રિપલ તલાક કહીને છૂટાછેડા આપી દીધા હતા.
2019માં લાવવામાં આવ્યો હતો કાયદો
દેશમાં ટ્રિપલ તલાક એટલે કે એક સાથે ત્રણ વખત 'તલાક' શબ્દ બોલીને પત્નીને છુટાછેડા આપવાને એક અપરાધ માનવામાં આવે છે. ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ વર્ષ 2019માં લોકસભા પછી રાજ્યસભામાંથી બહુમતિ સાથે પસાર થઈ ગયું હતું અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બન્યો હતો.
પ્રતિકાત્મક તસવીર
કાયદામાં કેવી છે જોગવાઇઓ?
- ત્રણ વખત 'તલાક' બોલીને પત્નીને છૂટાછેડા આપનાર પતિને મહત્તમ 3 વર્ષની સજા થઈ શકે છે.
- પીડીતા કે તેના સંબંધીઓ આવા તલાક બાબતે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી શકે છે.
- કોઈ પણ સ્વરૂપમાં આપેલી ત્રણ તલાક ગેર-કાયદે ગણાશે.
- જો કોઈ પણ મુસ્લિમ પતિ તેની પત્નીને ત્રણ વખત 'તલાક' બોલીને છૂટાછેડા આપશે તો તે ગેર-કાયદે ગણાશે. એટલે કે, તેણે આપેલા તલાક માન્ય રહેશે નહીં.
- જે કોઈ ત્રણ તલાક આપશે, તેને ત્રણ વર્ષની જેલની સજા અને દંડ પણ થઈ શકે છે.
- ત્રણ તલાક આપવા એ હવે બિનજામીનપાત્ર અને ગંભીર અપરાધ બની ગયો છે.
- ત્રણ તલાકથી પીડિત મહિલા પોતાના અને પોતાના સગીર વયના બાળકો માટે કોર્ટમાં ભરણ-પોષણનો દાવો કરી શકે છે.
- કેટલું ભરણ-પોષણ આપવું એ કોર્ટ નક્કી કરશે.
- મહિલા પોતાના સગીર વયના બાળકોની કસ્ટડી માટે પણ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.