દેશ વિદેશમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર દરેક બાબતમાં જોવા મળી રહી છે. સ્વતંત્રતા દિવસના સમારોહમાં પણ આ માટેની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વર્ષે PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે તૈયારીના ભાગ રૂપે 350 પોલીસકર્મીઓને ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે.
સ્વતંત્રતા દિવસની તૈયારીઓ થઈ શરૂ
PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવા રખાઈ તકેદારી
350 પોલીસ કર્મીઓને કરાયા ક્વૉરન્ટાઈન
અહીં રાખવામાં આવ્યા છે તમામ પોલીસ કર્મીઓને
દિલ્હી કૈંટમાં હાલમાં નવી પોલીસ કોલોની બની છે. અહીં મોટી સંખ્યામાં જગ્યા ખાલી છે. અનેક પરિવાર અહીં શિફ્ટ થયા નથી. એવામાં આ ખાલી ફ્લેટમાં 350 પોલીસ કર્મીઓને રાખવામાં આવ્યા છે. આ 350 પોલીસ કર્મીઓમાં કોન્સ્ટેબલથી લઈને ડીસીપી સુધીના પોલીસ ઓફિસર સામેલ છે. આ દરેકને બહારની દુનિયાથી દૂર રાખવામાં આવ્યા છે. રોજ તેમના શરીરનું તાપમાન ચેક કરાય છે અને સાથે જ કોરોનાના તમામ લક્ષણોની પણ તપાસ કરાય છે.
છેલ્લા 8 દિવસથી પણ વધુ સમયથી છે આ પોલીસ કર્મીઓ ક્વૉરન્ટાઈન
મળતી માહિતી અનુસાર એક પોલીસ ઓફિસરે કહ્યું કે આ પગલું 15 ઓગસ્ટના દિવસે ખાસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયું છે. અમે તમામ સાવધાની રાખી રહ્યા છીએ. આ દરેક પોલીસ કર્મીઓ છેલ્લા 8 દિવસથી ક્વૉરન્ટાઈન છે. કોમ્પલેક્સની અંદર પણ સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખવામાં આવે છે. અત્યારે કોઈ પણ વ્યક્તિમાં કોરોનાનું લક્ષણ જોવા મળી રહ્યું નથી.
ઉલ્લેખનીય છે કે તમામ પોલીસ કર્મીઓ અલગ અલગ જગ્યાઓએથી આવે છે. કેટલાક તો રાજ્યની બહાર રહે છે અને નોકરી માટે રોજ આવનજાવન કરે છે. કેટલાક પોલીસ સ્ટેશનના બેરેકમાં રહે છે. એવામાં શક્ય છે કે તેમને ઈન્ફેક્શન થઈ જાય. આ માટે તેમને આઈસોલેટ કરવામાં આવ્યા છે.