રાજ્યમાં વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓની વણઝાર વચ્ચે રાજકોટમાં વધુ ત્રણ યુવાનોના મોત નીપજતા અરેરાટી મચી છે.
હાર્ટ એટેકને પગલે રાજકોટમાં વધુ ત્રણ યુવાનોના મોત
છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ફરજ પરના તબીબે ત્રણેય યુવાનોને મૃતક જાહેર કરતા અરેરાટી
કોરોના કાળ પછી સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે હૃદય રોગના હુમલાને પગલે રાજકોટમાં વધુ ત્રણ વ્યક્તિના મોત નિપજયા હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. બીજી બાજુ ત્રણ પરિવારના કંધોતરના મોતને લઈ પરિવારજનોમાં પણ કાળો કલ્પાત ફેલાયો છે અને પરિજનોના જાણે આંસુ ન સુકાતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
છાતીમાં દુ:ખાવો ઉપડવાની ફરિયાદ સાથે કરાયા હતા દાખલ
રાજકોટમાં 24 કલાકના સમયગાળા દરમિયાન વધુ ત્રણ યુવાનોના હાર્ટ એટેકને પગલે મોત નિપજ્યાનું સામે આવ્યું છે. રાજકોટ પંથકમાં રહેતા કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના ત્રણેય વ્યક્તિઓએ છાતીમાં દુ:ખાવો ઉપડવાની ફરિયાદ કરતા તેઓને પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર કારગત ન નિવડતા ત્રણેયના યુવાનોએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. જે બાદ ફરજ પરના તબીબે ત્રણેયના મોત થયા હોવાનું જાહેર કર્યું હતું.
પરિજનોમા છવાયો શોક
કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના 26 વર્ષીય, 40 વર્ષીય અને 41 વર્ષીય વ્યક્તિનો કાળમુખા હાર્ટ એટેકે ભોગ લેતા અરેરાટી મચી છે. આ ત્રણેય અલગ અલગ બનાવને લઈને સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે. બીજી બાજુ 3 પરિવારે પોતાના ઘરના આધાર સ્થંભ ગુમાવવા પરિજનો શોકના સાગરમાં ડૂબ્યા છે.