બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Why did Nitin Patel have to remind the workers of their responsibilities? For workers and candidates, service to the public comes first or self-promotion?
Vishal Khamar
Last Updated: 09:58 PM, 28 November 2023
ADVERTISEMENT
એવું કહેવાય છે કે સોશિયલ મીડિયા બેધારી તલવાર જેવું છે. તેના ફાયદા છે તો નુકસાન કદાચ તેનાથી ઘાતક છે. મોટેભાગે બાળકોના મોબાઈલ પ્રેમને લીધે તેના વાલી ચિંતિત રહેતા હોય છે તે આજની સર્વસામાન્ય સમસ્યા છે પરંતુ રાજકીય પક્ષના પીઢ અગ્રણીઓ પણ એક મા-બાપની જેમ કાર્યકરોની સોશિયલ મીડિયામાં જ ઉડીને આંખે વળગતી સક્રિયતા સામે ચિંતા વ્યક્ત કરતા હોય એવું પહેલીવાર બન્યું છે. નેતાઓની જે પેઢી છેલ્લા એક દાયકામાં સોશિયલ મીડિયામાં પ્રચારને જ અંતિમ લક્ષ્ય માને છે તેના માટે નીતિન પટેલ જેવા પીઢ નેતાએ માર્મિક ટકોર કરી છે.
ADVERTISEMENT
નીતિન પટેલે કાર્યકરોને સલાહ આપી કે સોશિયલ મીડિયામાં બે કે ત્રણ ફોટા પોસ્ટ કરી દેવાથી ન તો તમારી જવાબદારી પૂરી થાય છે કે ન તો તમે લોકચાહના મેળવી શકો છો. લોકચાહના મેળવવી હોય તો લોકો વચ્ચે જવું જરૂરી છે. જો કે સિક્કાની બીજી બાજુ એ પણ માનવી જ રહી કે સોશિયલ મીડિયાને પ્રચારનું હથિયાર સુપેરે બનાવનાર પણ ભાજપ જ છે. નીતિન પટેલની ટકોરથી કેટલાક પાયાના સવાલ હવે ચોક્કસ ઉપસ્થિત થાય. કદાચ હવે દરેક પક્ષે એ દિશામાં વિચારવું પડશે કે સોશિયલ મીડિયામાં જ પ્રચાર એ સર્વસ્વ નથી, જો લોકનેતા બનવું હશે તો લોકો વચ્ચે જવું જ પડશે. સોશિયલ મીડિયાથી ભલે તમે બહોળા વર્ગ સુધી પહોંચી શકશો પરંતુ લોકોની નજરમાં એ જ નેતા સ્વીકૃત બનશે જેણે લોકોના કામ કર્યા હોય. સાથે-સાથે પક્ષના મોવડીમંડળે પણ એ વિચારવું રહ્યું કે જનતાના કામની પક્ષના કાર્યકરોને ખરેખર કેટલી ક્રેડિટ મળે છે?
પક્ષના નેતા, કાર્યકરો જનતાના મનને કેટલા કળે છે તે મુદ્દો ઉપસ્થિત થયો છે. નવી પેઢીના કાર્યકરો જમીન સાથે કેટલા જોડાયેલા તે મહત્વનો સવાલ છે. સોશિયલ મીડિયામાં સક્રિયતા ધરાતલ ઉપર કેટલી દેખાય છે? જનતા સાથે કાર્યકરોનું જોડાણ ચોક્કસ સ્તરે ઓછું થયું હોય તેવો સૂર ઉઠ્યો છે. જૂની પેઢીના નેતા સાથે કાર્યકરોએ સંવાદની જરૂર છે.
નીતિન પટેલે શું કહ્યું?
કાર્યકરો સોશિયલ મીડિયામાં વધુ સક્રિય છે. જે તે મોરચા સાથે જોડાય પછી તેને આગળ વધારવા પ્રયાસ થતો નથી. હોદ્દેદાર બન્યા પછી કાર્યકરો કામ કરતા નથી. આખો દિવસ મોબાઈલમાં કાર્યકરો વ્યસ્ત રહે છે. 2-3 મોટા નેતાઓના ફોટા પાડી સોશિયલ મીડિયામાં મુકી દેવામાં આવે છે. સમગ્ર પક્ષ સોશિયલ મીડિયામાં આવી ગયો હોય એવી સ્થિતિ છે. કાર્યકરોની જવાબદારી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા પૂરતી રહી ગઈ છે. 2-3 ફોટા મુકી દીધા પછી જાણે કંઈ કરવાનું જ નથી. કાર્યકરોની આવી માનસિકતા એકંદરે યોગ્ય નથી.
જનતાનું મન કેમ કળાશે?
સોશિયલ મીડિયા બહોળા વર્ગ સુધી પહોંચવાનું માધ્યમ બન્યું છે. ભાજપની સોશિયલ મીડિયામાં સક્રિયતા જાણીતી છે. સિક્કાની બીજી બાજુ એ છે કે ચોક્કસ સ્તરે કાર્યકરોએ લોકો વચ્ચે જવું જ પડે. માત્ર સોશિયલ મીડિયાની સક્રિયતાથી લોકોના કામ થતા નથી. લોકો વચ્ચે રહીને લોકોના કામ કરવાથી માન-સન્માન મળે તે સ્પષ્ટ છે. સોશિયલ મીડિયા નહતું ત્યારે નેતાઓ લોકોની વચ્ચે સક્રિય હતા. એ સમયે ડોર ટુ ડોર પ્રચાર, લોકોની વચ્ચે જવું ફરજિયાત જેવું હતું. હવે પ્રચાર માટે સોશિયલ મીડિયા મોટું હથિયાર બની ગયું છે. નીતિન પટેલનો મર્મ એ હતો કે કાર્યકરો જમીન ઉપર નિષ્ક્રિય ન થઈ જાય. મોટા નેતાના ફોટા મુકી દેવાથી તમે જનતાના નેતા બની જતા નથી. સંગઠનમાં કે સરકારમાં કોઈ હોદ્દો મળે તો જવાબદારી વધે છે. કેટલાક કિસ્સામાં કાર્યકરોને ક્રેડિટ ન મળ્યાનો પણ ગણગણાટ સંભળાય છે. કાર્યકરોને એવો કચવાટ રહે છે કે મહેનત કર્યા છતા પદ ન મળ્યું. સોશિયલ મીડિયામાં વગર મહેનતે બહોળા વર્ગ સુધી પહોંચતા હોવાનો મત છે. સરવાળે સ્થિતિ એવી બને છે કે લોકો વચ્ચે જવાથી વિમુખ થવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.