rain forecast 4 days from today in gujarat by weather department
આવ રે વરસાદ /
છત્રી-રેઇનકોટ રાખજો તૈયાર! ગુજરાતના આ વિસ્તારોમાં સતત 4 દિવસ સુધી વરસાદ ખાબકશે, જુઓ આજે ક્યાં પડશે
Team VTV08:37 AM, 17 Jun 22
| Updated: 08:43 AM, 17 Jun 22
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે આજ રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં હજુ 4 દિવસ રહેશે વરસાદી માહોલ
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
આવતીકાલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે વરસાદ
ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદની જો વિગતે વાત કરીએ તો આજ રોજ રાજ્યમાં દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો આવતીકાલે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ખેડામાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં પણ આવતીકાલે વરસાદ વરસી શકે છે.
છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો
અત્રે જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે કપરાડામાં 1.75 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ, તારાપુરમાં 1 ઇંચ વડિયામાં પોણો ઇંચ, લીંબડીમાં પોણો ઇંચ, લિલિયામાં અડધો ઇંચ, હાંસોટમાં અડધો ઇંચ, બોટાદમાં અડધો ઇંચ અને વઢવાણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે, હવે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં વરસાદે સુરત જિલ્લામાં તોફાની બેટિંગ કરી છે. સુરત જિલ્લાના કામરેજમાં સવારથી લઇને અત્યાર સુધીમાં 2.5 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે કામરેજની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે કામરેજ ગામમાંથી પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાઇ જતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જ્યારે કેટલાંક વાહનો પણ બંધ પડી ગયા હતા.
વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો
વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો આવી ચઢ્યા હતા અને બપોર બાદ વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. તો બીજી બાજુ વાપી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો અને બાદમાં ધોધમાર વરસાદથી વાપીના રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
બોટાદના ગઢડા તાલુકામાં પણ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું
વધુમાં જણાવી દઇએ કે, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ચોથા દિવસે વરસાદ વરસતા લોકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે. ધોરાજીમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ધોરાજી ઉપરાંત જેતપુર અને ઉપલેટામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. આ સાથે બોટાદના ગઢડા તાલુકામાં પણ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ગઢડાના ઢસા, પાટણા અને ભંડારીયા સહિતના ગામડાઓમાં ભારે પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઢસાના કેટલાંક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.