કોરોનાએ જીવનનાં તમામ સમીકરણો બદલી નાખ્યાં છે. કોરોનાને કારણે આજે લોકો ચિંતામાં છે કે હવે આગળ જિંદગી કઇ રીતે ચાલશે. આજની આ સૌથી મોટી ચિંતા છે જે અન્ય તમામ ચિંતા પર હાવી થઇ ગઇ છે. આજકાલ માતા-પિતા અને વાલીઓને સૌથી વધુ ચિંતા એ છે કે તેમના સંતાનોના શિક્ષણનું શું થશે? તેઓ કયારે પોતાના સંતાનોનેે શાળા-કોલેજોમાં મોકલી શકશે.
ઓનલાઇન અભ્યાસ કરાવતી એક મોટી સંસ્થાએ ભારતનાં નાનાં-મોટાં શહેરોમાં પ,૦૦૦ વિદ્યાર્થીઓનાં માતા-પિતાને આવરી લઇને એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં એવું સામે આવ્યું છે કે ૮પ ટકા વાલીઓને ચિંતા એ કોરી ખાય છે કે કોરોનાના ચક્કરમાં તેમનાં સંતાનોનું ભવિષ્ય બગડી રહ્યું છે. તેમને ડર છે કે તેમનાં બાળકો જિંદગીની દોડમાં કયાંક પાછળ ન રહી જાય અને તેમનું વર્ષ બગડે નહીં. સરકારને પણ આજ ચિંતા સતાવી રહી છે. એટલા માટે સીબીએસઇ અને આઇસીએસઇની બાકી રહેલી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે કોલેજો અને પ્રોફેશનલ કોર્સમાં પણ ફાઇનલ એકઝામ યોજાશે નહીં.
આમ છતાં હજુ એવાં બાળકો અને તેમનાં માતા-પિતાની ચિંતા દૂર થઇ નથી કે જેઓ કારકિર્દીના મહત્ત્વના ઉંબરે આવીને ઊભાં છે. આ બાળકોએ હવે જિંદગીના આગામી મુકામ સુધી સફર કરવાની છે. અા બાળકો એન્જિનિયરિંગ, મેડિકલ, લો, મેનેજમેન્ટ કે કોઇ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે અને તેઓ દેશ-દુનિયાની પ્રતિષ્ઠાવંત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાની કવાયતમાં લાગેલાં છે.
બાળકોના વાલીઓને બીજી એક ચિંતા એ સતાવી રહી છે કે શાળા-કોલેજો તેમનાં બાળકોને અભ્યાસ કરાવતી નથી તેમ છતાં તેઓ મોંઘી દાટ ફી વસૂલી રહ્યા છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણનું એક તૂત ચલાવવામાં આવી રહ્યું છે જે ભારત જેવા દેશના માહોલને સુસંગત નથી. એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે ભારતમાં એવાં હજારો બાળકો છે કે જેમની પાસે સ્માર્ટ ફોન, લેપટોપ, ટેબલેટ જેવા ઇલેેકટ્રોનિક ડિવાઇસીસ ઉપલબ્ધ નથી. એટલું જ નહીં આપણે ત્યાં ઓનલાઇન શિક્ષણ માટેની માળખાગત સુવિધાનો સદંતર અભાવ છે. કેટલા ઘરોમાં વાઇફાઇ કે બ્રોડબેન્ડ જેવી ઇન્ટરનેટ કેબલની વ્યવસ્થા છે?
એક બાજુ સરકાર એવી વાતો કરે છે કે બાળકોને મોબાઇલ જેવાં ઇલેકટ્રોનિક ડિવાઇસથી દૂર રાખવાં જોઇએ અને બીજી બાજુ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફી ઉઘરાવવાના એક માત્ર હેતુથી ચલાવવામાં આવી રહેલ ઓનલાઇન શિક્ષણનાં તૂતને કારણે ગરીબ વાલીઓ અને માતા-પિતાને પણ દેવું કરીને પોતાનાં સંતાનોને મોબાઇલ અપાવવાં પડે છે. કોરોના પશ્ચાતના સમયમાં આ એક કરુણ વિડંબના છે.
આ ઉપરાંત આપણે ત્યાં વાઇફાઇ-બ્રોડબેન્ડ જેવી કેબલ ઇન્ટરનેટ સુવિધાનું કાર્યક્ષમ માળખું નથી અને ગમે ત્યારે ઇન્ટરનેટ શટડાઉન થઇ જાય છે અને તેથી શૈક્ષણિક સંસ્થાઓનો ઓનલાઇન શિક્ષણ માટેનો હેતુ ભલે ગમે તેટલો શુભ હોય, પરંતુ ઇન્ટરનેટની સુવિધાના અભાવે જે રીતે ઓનલાઇન શિક્ષણ ચાલવું જોઇએ એ રીતે ચાલતું નથી અને ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકોનંુ શિક્ષણ ખોરંભે પડે છે. એટલું જ નહીં ઓનલાઇન શિક્ષણના નામે હવે પ્રાથમિક શાળાના બાળકોને ઓનલાઇન વર્ગો કરતાં મોબાઇલ પર ગેમ રમવામાં વધુ રસ પડતો જાય છે અને આ રીતે કહેવાતા ઓનલાઇન શિક્ષણનો હેતુ માર્યો જાય છે.
ભારત દેશ ગામડાંઓનો બનેલો છે અને તેથી દેશમાં એવાં લાખો ગામડાંઓ છે જે દેશના અત્યંત દુુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા છે જ્યાં નિયમિત રીતે વીજળી પણ ઉપલબ્ધ નથી એવા ગામડાંઓમાં આ ઓનલાઇન શિક્ષણ કેટલી હદે સફળ પુરવાર થઇ શકશે? સરકારે અા બાબતને અગ્રીમતાના ધોરણે ગંભીરતાથી લેવી જોઇએ. વર્ગખંડોમાં અપાતું શિક્ષણ એ વાસ્તવમાં જીવંત શિક્ષણ હોય છે જેમાં બાળકો શિક્ષકને પ્રશ્નો પૂછીને પોતાની મુંઝવણ દૂર કરી શકતા હોય છે. જ્યારે ઓનલાઇન શિક્ષણ એકપક્ષીય બની જાય છે જે ભારત જેવા દેશ માટે સંપૂર્ણપણે વિસંગત છે.