એશિયા કપ 2023 જીતનારી ભારતીય ટીમ મોહાલીમાં સંપૂર્ણ રીતે બદલાઈ જશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેને મોહાલી અને ઈન્દોરમાં પ્રથમ બે વનડે માટે આરામ આપવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયા આજે ઓસ્ટ્રેલીયા સામે વનડે સીરિઝની ઓઅહેલી મેચ રમશે
ટીમ ઈન્ડિયાના બે મોટા ખેલાડીઓ લગભગ છ વર્ષ બાદ આજે સાથે રમશે
રવિચંદ્રન અશ્વિન લગભગ બે વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી કરી રહ્યો છે
ટીમ ઈન્ડિયા આજે ODI વર્લ્ડ કપ 2023 પહેલાની છેલ્લી સીરિઝ રમવા માટે મેદાનમાં ઉતરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ આજે મોહાલીમાં રમાશે. વર્લ્ડ કપ પહેલા રમાનારી આ મેચમાં બંને ટીમો નવા ફોર્મમાં જોવા મળશે. બંને ટીમો આ માટે તૈયાર છે. જો કે, ખાસ વાત એ છે કે બંને ટીમો તેમના કેટલાક મોટા ખેલાડીઓ વિના મેદાન પર રમવા અંતે ઉતરશે.
ટીમ ઈન્ડિયાના બે મોટા ખેલાડીઓ લગભગ છ વર્ષ બાદ સાથે રમશે
ટીમ ઈન્ડિયાએ ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને ઓલરાઉન્ડર મેક્સવેલ ઈજાના કારણે રમવાના નથી. તો ટીમ ઈન્ડિયા રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ વિના મેદાન પર ઉતરશે. આજની મેચ એટલા માટે પણ મહત્વની છે કારણ કે ટીમ ઈન્ડિયાના બે મોટા ખેલાડીઓ લગભગ છ વર્ષ બાદ એકસાથે રમતા જોવા મળશે.
કેએલ રાહુલ ટીમની કપ્તાની કરશે
એશિયા કપ 2023 જીતનારી ભારતીય ટીમ મોહાલીમાં સંપૂર્ણ રીતે બદલાઈ જશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેને મોહાલી અને ઈન્દોરમાં પ્રથમ બે વનડે માટે આરામ આપવામાં આવ્યો છે, જેમાં કેએલ રાહુલ ટીમનું સુકાન સંભાળશે. એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે 10 વિકેટની જીતમાં ઇનિંગ્સની શરૂઆત કરનાર શુભમન ગિલ અને ઇશાન કિશન ઇનિંગની શરૂઆત ચાલુ રાખશે.
અશ્વિન-જાડેજા 6 વર્ષ પછી સાથે રમશે
ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ એશિયા કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, તેથી તે પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને પસંદગી સમિતિએ રવિચંદ્રન અશ્વિનને ટીમમાં પરત કર્યો છે. તે લગભગ બે વર્ષ બાદ ભારતીય વનડે ટીમમાં વાપસી કરી રહ્યો છે. તેણે તેની છેલ્લી ODI મેચ જાન્યુઆરી 2022માં રમી હતી. રવિન્દ્ર જાડેજા પહેલાથી જ ટીમમાં છે અને તે પ્રથમ બે મેચમાં કેએલ રાહુલની કપ્તાની હેઠળ વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવતો જોવા મળશે.
જો આ બંને ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં સાથે રમે છે તો લગભગ છ વર્ષ પછી એવું થશે કે બંને ખેલાડીઓ વનડેમાં સાથે જોવા મળશે. આ પહેલા આ બંને ખેલાડીઓ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં સાથે રમ્યા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાને મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.
અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી ટેસ્ટમાં નંબર વન છે
રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ભલે લાંબા સમયથી વનડેમાં સાથે ન રમ્યા હોય પરંતુ ટેસ્ટમાં તેમની જોડી સુપરહિટ રહી છે. જો તેઓ ફિટ છે તો આ બંને સ્પિનરો પ્રથમ પસંદગી છે. આ બંને સાથે રમવાની સંભાવના છે કારણ કે એક તરફ રવિન્દ્ર જાડેજા ટીમનો વાઇસ કેપ્ટન છે, તો બીજી તરફ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ વનડેમાં ફરી એકવાર રવિચંદ્રન અશ્વિનની ધાર જોવા માંગે છે. પરંતુ કેપ્ટન કેએલ રાહુલ જ્યારે ટોસ માટે બહાર આવશે ત્યારે જ નક્કી થશે કે આ બંને સાથે જોવા મળશે કે પછી આપણે હજુ થોડા દિવસો રાહ જોવી પડશે.