ભાદરવી પૂનમના મહા મેળાના ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર, તંત્ર દ્વારા વિશેષ સુવિધાઓ ઊભી કરાઇ
અંબાજી મેળાને લઈ ST વિભાગની તૈયારી
1100 એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી
પૂનમના મેળા સુધી એક્સ્ટ્રા બસો દોડાવાશે
કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાતાં લાખો માંઈ ભક્તો જાણે તમામ ખોટ પૂરી કરવા માગતા હોય તે રીતે અંબાજીમાં હર્ષ અને આસ્થાનો માહોલ જામ્યો છે. પૂનમના મહામેળાના ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર અંબાજી તરફ અવિરત આગળ વધી રહ્યું છે..જય અંબે જય અંબે ની ગૂંજ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગૂજી ઊઠી છે.
1100 એક્સ્ટ્રા બસો અંબાજી રુટમાં ફાળવાઈ
અંબાજીમાં પૂનમના મેળામાં જવા માંગતા લોકોને લઈ એસટી વિભાગે ખાસ આયોજન કર્યુ છે. એસટી વિભાગે ભક્તો માટે 1100 એક્સ્ટ્રા બસો ફાળવી છે. આ તમામ એક્સ્ટ્રા બસો 11મી સપ્ટેમ્બર ભાદરવી પૂનમ સુધી ચાલશે. તેમજ મેળાને લઈ દરેક અધિકારીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં યાત્રાળુઓને બસની સુવિધાની સાથે પાણીની , શેડની અને માર્ગદર્શન માટે મદદ મળી રહે તે માટે અત્યારથી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભક્તોને સુવિધા મળી રહે અને કૉઈ તકલીફ ન પડે તેને લઈને વ્યવસ્થાઓ ગોઠવાઈ છે.
ભક્તો માટે સેવા કેમ્પો
ભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે સેવા કેમ્પ દ્વારા સેવા આપવામાં આવી રહી છે. અંબાજી જતા માર્ગ પર ત્રિસૂલિયા ઘાટ સૌથી કઠિન માર્ગ હોય છે. અને ત્યાં જ લોકો આરામ કરતા હોય છે. ત્યારે આ જગ્યાએ અંબિકા વિસામો કેમ્પ દ્વારા લોકોની સેવા કરવામાં આવે છે. આરામ કરવા માટે ગાદલા મૂકવામાં આવ્યા છે. અને ઠંડક માટે કૂલર પણ મૂકવામાં આવ્યું છે. તો સાથે જ ખીચડી, ચા, નાસ્તો, ગાંઠિયા સહિતના ભોજન પ્રસાદ પણ આપવામાં આવે છે.
5 લાખ ભક્તોએ 2 દિવસમાં દર્શન કર્યા
મેળાના બે દિવસ દરમિયાન પાંચ લાખ જેટલા ભક્તોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી છે જોકે જોકે હજુ પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહે છે. આ વખતે માના દર્શન માટે 25 લાખથી વધુ ભક્તો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે