પાંચ રાજ્યોમાં 31 જાન્યુઆરી સુધી રેલીઓ-સભાઓ પર રહેશે પ્રતિબંધ
ચૂંટણી પંચ આજે કોરોના સ્થિતિની સમિક્ષા બાદ લીધો નિર્ણય
ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તમામ પ્રકારની રાજકીય રેલીઓ અને રોડ શો પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. 8 જાન્યુઆરીએ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી રેલી પર પ્રતિબંધ મૂક્યો હતો જેની મુદત આજે પુરી થઈ જતા પંચે તેને હવે 31 જાન્યુઆરી સુધી લંબાવી દીધો છે. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ હવે પાંચ રાજ્યોમાં કોઈ રાજકીય પક્ષ રેલી કે રોડ શો નહીં કરી શકે. શનિવારે ચૂંટણી પંચની એક મોટી બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી અને હાલના તબક્કે કોઈ રેલીને પરમિશન ન આપવાનું જરુરી લાગતા પંચે આ પ્રતિબંધ 31 જાન્યુઆરી 2022 સુધી લંબાવી દીધો છે.
ડોર ટૂ ડોર પ્રચાર માટે રાહત આપી
ચૂંટણી પંચે ડોર ટૂ ડોર પ્રચાર માટે ફક્ત 10 લોકોને મંજૂરી આપી છે. પહેલા ડોર ટૂ ડોર પ્રચાર માટે ફક્ત 5 લોકોને મંજૂરી અપાઈ હતી જે હવે વધારીને 10 કરાઈ છે.
પહેલા તબક્કામાં 28 જાન્યુઆરી, બીજા તબક્કામાં 1 ફેબ્રુઆરી બાદ રેલીને મંજૂરી
જોકે ચૂંટણી પંચે પહેલા તબક્કાની બેઠકો પર 28 જાન્યુઆરી બાદ રેલીઓની છૂટ આપી છે જ્યારે બીજા તબક્કામાં જે વિધાનસભા બેઠકો પર ચૂંટણી થવાની ત્યાં 1 ફેબ્રુઆરીથી રેલીઓ કરવાની મંજૂરી આપી છે. કોરોના નિયમ પાલનની સાથે જાહેર સ્થળોએ વીડિયો વાનને પણ મંજૂરી આપવામાં આવી છે.
28 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી 500 લોકોની સભા કરી શકાશે
27 જાન્યુઆરીએ પહેલા તબક્કાની ચૂંટણી લડનાર ઉમેદવારોને અંતિમ રુપ આપવામાં આવશે. તેથી ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારોને જનસભા કરવાની મંજૂરી આપી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે ઉમેદવાર વધારેમાં વધારે 500 લોકો અથવા તો જગ્યાના 50 ટકા ક્ષમતાની સાથે જાહેર બેઠક કરી શકે છે. આ આયોજન એસડીએમએ દ્વારા નિર્ધારીત સીમાના હિસાબે 28 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી કરી શકાશે.
પ્રતિબંધ સાથે પંચે આપી થોડી છૂટ
ઘેર ઘેર પ્રચાર માટે લોકોની સંખ્યા 5 થી વધારીને 10 કરી
પહેલા તબક્કામાં 28 જાન્યુઆરી પછી રાજકીય પક્ષો કે ઉમેદવારો 500 લોકો સાથે રેલી કરી શકે.
ઈનડોર મીટિંગ માટે લોકોની લિમિટ 300 અથવા ગાઈડલાઈન પ્રમાણે હોલની ક્ષમતા 50 ટકા નક્કી કરાઈ
જાહેર જગ્યાએ વીડિયો વાન દ્વારા પ્રચાર કરી શકાશે. ખુલ્લા સ્થળે વાનને જોનાર 500 અથવા વધારે અથવા તો ગાઈડલાઈન પ્રમાણે જગ્યાની ક્ષમતાના 50 ટકાથી વધારે નહીં હોય.