Revenue Minister Rajendra Trivedi government lands Illegal land Demolition
ડિમોલેશન /
સરકારી જમીન પર દબાણ હશે તો ગુજરાત સરકાર ફેરવશે બુલડોઝર, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યા કડક આદેશ
Team VTV10:40 PM, 28 Mar 22
| Updated: 10:45 PM, 28 Mar 22
સરકારી જમીનો પરના દબાણોની ત્વરીત માપણી કરી દબાણો દૂર કરવા સૂચના : મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
સરકારી જમીનો પરના દબાણોની દૂર કરવા આદેશ આપ્યા:મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
ભરૂચ જિલ્લામાં ઝીંગા ફાર્મ માટે ૫૩ કિસ્સામાં જમીન ફાળવાઈ,
ઝીંગા ફાર્મ માટે પ્રથમ તબક્કે ૨૦ વર્ષ માટે જમીન ભાડાપટ્ટે અપાય છે
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે રાજ્યમાં જ્યાં પણ સરકારી જમીનો પર દબાણ હોય તો આવા દબાણોની ત્વરિત માપણી કરીને દબાણો દુર કરવા વહીવટી તંત્રને સૂચના આપી દેવાઇ છે.
ભરૂચમાં ગેરકાયદે ઝીંગા ફાર્મ દૂર કરાયા
આજે વિધાનસભા ખાતે ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ઝીંગા ફાર્મ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને ઝીંગા ફાર્મ ઉભા કરાયેલ પૈકી ૪૩,૦૭૨ ચો.મી. જમીનના ૫ તળાવો દૂર કરવાના બાકી હતા તે આજની તારીખે દૂર કરી દેવાયા છે. ભરૂચ જિલ્લામાં ઝીંગા ફાર્મ માટે ૭ સહકારી મંડળીઓ તથા ૪૬ વ્યક્તિગત કિસ્સા મળીને કુલ ૫૩ કિસ્સામાં ઝીંગા ફાર્મ માટે જમીન ફાળવવામાં આવી છે.
ઝીંગા ફાર્મ માટે જમીન ભાડાપટ્ટે આપવા શું હોય છે નિયમ?
ઝીંગા ફાર્મ માટે જમીન ભાડાપટ્ટે આપવા અંગેના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે ઝીંગા ફાર્મના નિર્માણ માટે પ્રથમ તબક્કે ૨૦ વર્ષ માટે જમીન ભાડાપટ્ટે અપાય છે ત્યારબાદ પુનઃ જમીન ફાળવણી કરવાની થાય તો જે તે કલેકટર દ્વારા જમીન ફાળવી હોય તેની સંપૂર્ણ ખાતરી બાદ બીજા ૧૦ વર્ષ સુધી લંબાવી શકાય છે અને ત્યારબાદ પણ લંબાવવા માંગણી આવે તો રાજ્યકક્ષાએથી મંજૂરી મેળવવાની હોય છે ત્યાર બાદ જમીન ફાળવવામાં આવે છે.
રાજ્યમાં સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યાઃ ધાનાણી
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યા છે જે દબાણમાં આવતા હતા. પણ રાજ્યમાં ઝીંગા ફાર્મના ગેરકાયદેસર દબાણ દૂર કેમ કરવામાં આવતા નથી આવતાએ એક યક્ષ પ્રશ્ન છે, સાથે જ સવાલ પણ કર્યો હતો કે સરકારને ઝીંગા ફાર્મમાં શુ રસ છે તે જવાબ આપે.