બિપોરજોય વાવાઝોડા સમયે એવું જોવા મળ્યું કે અરબી સમુદ્રમાં ચક્રવાતથી શરૂઆતનાં તબક્કામાં જ વરસાદ વરસી ગયો હતો. ત્યારે આ વખતે કચ્છમાં જે વરસાદ પડ્યો તે ધ્યાન ખેંચનારો હતો. શરૂઆતનાં તબક્કે જ કચ્છમાં 100 ટકા વરસાદ થઈ ગયો. ચોમાસાની બદલાતી પેટર્નને કારણે ગુજરાતમાં વિસ્તાર પ્રમાણે આ પેટર્નની શું અસર થશે?
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો વરસાદની દ્રષ્ટિએ મહંદઅંશે કોરો રહ્યો ત્યારે સપ્ટેમબરમાં મેઘરાજાએ સારી બેટિંગ કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તાર વરસાદથી તરબોળ છે અને આ વરસાદ એકંદરે તો ગુજરાત માટે સારો જ કહી શકાય તેવો રહ્યો છે. અહીં ધ્યાન ખેંચે તેવી વસ્તુ ચોમાસાની પેટર્નની છે. થોડા સમયમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના ધ્યાને એક તારણ આવ્યું છે કે પૂર્વોત્તર ભારતની સરખામણીએ પશ્ચિમ ભારતમાં ચોમાસુ લંબાયુ છે. પૂર્વોત્તર ભારતમાં વરસાદના સરેરાશ દિવસમાં થોડો ઘટાડો થયો. જેની સામે પશ્ચિમ ભારત એટલે કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ચોમાસાનો સમયગાળો થોડો લંબાયો.
બીજી ધ્યાને ખેંચનારી બાબત એ પણ છે કે બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બનતી હતી તે મધ્યપ્રદેશ થઈને ઉત્તર તરફ ફંટાતી હતી, હવે આ જ સિસ્ટમ આ વર્ષે મધ્યપ્રદેશ થઈને પશ્ચિમ તરફ ફંટાઈ છે અને એટલે જ ગુજરાતમાં ભાદરવા મહિનાના વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. ક્લાઈમેટ ચેન્જ એ એક કે બે મહિનામાં નહીં પણ વર્ષોના વર્ષો વીતી જાય પછી બનતી ઘટના છે, પશ્ચિમમાં ચોમાસુ લાંબુ ટકવાનો સમયગાળો ગુજરાતને કેટલો ફાયદો કરાવશે?, ગુજરાતમાં વરસાદની બદલાતી પેટર્નથી શું અસર થશે?, આગામી વર્ષોમાં ગુજરાતના ખેડૂતોએ પાકની નવી પદ્ધતિ અંગે વિચાર કરવો પડશે કે કેમ.
ચોમાસાની પેટર્નમાં ક્રમિક ફેરફાર
ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ છે. ભાદરવામાં રાજ્યમાં સારો વરસાદ થયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી. છેલ્લા થોડા સમયથી ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો છે. રાજ્યમાં પાછોતરા વરસાદનું પ્રમાણ વધ્યું છે. ચોમાસાની પેટર્નમાં ક્રમિક ફેરફાર થયો છે. ચોમાસાની પેટર્ન ગુજરાતમાં પણ અનુભવાઈ છે. વિવિધ સંશોધનોના આધારે તારણ નીકળ્યું છે. છેલ્લી એક સદીમાં ભારતમાં ચોમાસાની પેટર્નમાં ફેરફાર થતો રહ્યો છે. ચોમાસની પેટર્ન પૂર્વથી પશ્ચિમ તરફ ખસી હોવાનું તારણ જાણવા મળ્યું હતું.
ચોમાસાની પેટર્નમાં ફેરફાર કઈ રીતે?
ભારતના પશ્ચિમ વિસ્તારમાં ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો છે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં ચોમાસાનો સમયગાળો 15 દિવસ જેટલો વધ્યો છે. પૂર્વોત્તરના રાજ્યોમાં ચોમાસાના દિવસ ઘટ્યા છે. પશ્ચિમી રાજ્યોમાં છેલ્લી એક સદીમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. પશ્ચિમી રાજ્યોમાં વરસાદમાં 10 થી 25%નો વધારો થયો છે. પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદમાં 10%નો ઘટાડો થયો છે. હવામાન નિષ્ણાતની આગાહી શું?
મધ્ય-પૂર્વ ગુજરાત ઉપર લો-પ્રેશર છે. લો-પ્રેશર મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપરથી પસાર થશે. 20 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના 80% વિસ્તારને વરસાદનો આ રાઉન્ડ લાભ કરાવશે. સૌરાષ્ટ્રમાં 20 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ફરી વરસાદ આવી શકે છે.