બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / Hari Har sits together in one temple across India, this is the place in Gujarat where two brothers were blessed by Lakshmiji in their dreams.
Vishal Khamar
Last Updated: 12:22 AM, 26 January 2024
ADVERTISEMENT
રાજકોટ થી 100 કિલોમીટર દૂર અને ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલુ મુરલી મનોહરનું મંદિર ઔલોકિક અને અતિ સુંદર છે. ત્રણ નદીઓના સંગમ સ્થાન એવા ત્રિવેણી સંગમ સ્થળ પર આવેલા મુરલીમનોહરના મંદિરમાં પ્રવેશતા જ ઔલોકિક અનુભૂતિ થાય છે. સુંદર ઇતિહાસ ધરાવતા મુરલીમનોહર મંદિર આસપાસનુ કુદરતી વાતાવરણ મન ને મોહી લે છે.
ADVERTISEMENT
ધોરાજીના સુપેડી ગામમાં મુરલી મનોહર બિરાજમાન
લોકવાયકા મુજબ આજથી સાડા સાતસો વર્ષ પૂર્વે માણાવદર ગામે રહેતા મોઢ બ્રાહ્મણ જગુદાદ અને તેમના ભાઈ વિરૂદાદને લક્ષ્મીજીએ સપનામાં આવી ધનની પ્રાપ્તી કરાવી હતી. અને આ ધન યોગ્ય જગ્યાએ વાપરવાની પ્રેરણા આપી હતી. બંને ભાઈઓએ સુપેડી ગામ પાસે ઉતાવળી, જાંજમેરી અને ધારુણી એમ ત્રણ નદીઓના સંગમ સ્થાન પાસે મંદિર બનાવવાનો નિર્ણય લીધો પરંતુ બંને ભાઈઓએ એક શરત રાખી કે કોઈએ એકબીજાનું મંદિર નિર્માણનું બાંધકામ જોવું નહિ.
ત્રિવેણી સંગમ સ્થળ પાસે મુરલીમનોહરનુ મંદિર
એક જ પરિસરમાં બંને ભાઈઓ દ્વારા મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું જેમાં વચ્ચે એક વિશાળ પડદો રાખવામાં આવ્યો જેથી કોઈ ભૂલથી પણ એકબીજાનું નિર્માણ કાર્ય જોઈ ન શકે. જ્યારે નિર્માણ કાર્ય પૂર્ણ થયું ત્યારે વચ્ચેથી પડદો હટાવતા ભારે આશ્ચર્ય વચ્ચે બંને મંદિરો એક બીજાની નકલ સમાન બન્યા હતા. મંદિરમાં દરવાજા જ ફક્ત ઉગમણું અને આથમણું બન્યાનો જ ફરક હતો. ડાકોર અને દ્વારિકાના મંદિરના દ્વાર પશ્ચિમ દિશામાં ખુલતા હોવાથી, જે મંદિરના દ્વાર પશ્ચિમ દિશા બાજુ ખુલતા હતા તે મંદિરમાં મુરલી મનોહરને અને જેના દ્વાર પૂર્વ તરફ ખુલતા હતા તેમાં રેવાનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
બે ભાઈઓને લક્ષ્મીજીએ સપનામાં ધનની પ્રાપ્તી કરાવી
મંદિરની કોતરણી, કલા અને કારીગીરી જોતા મંદિર સાતમી આઠમી સદી માં બન્યું હોય તેવું પુરાત્વ વિભાગ દ્વારા પ્રમાણિત થયેલ છે. મંદિરના પ્રવેશ દ્વાર ઉપર બે સંત્રીઓ અને અંદર બે માળની હવેલી જેવું ગર્ભ ગૃહ છે. ઉપરના માળે મરુલીમનોહર બિરાજમાન છે અને નીચેના માળે રુક્ષ્મિણીજી બિરાજમાન છે. ભારતમાં આવેલા તમામ મંદિરોથી મુરલીમનોહરનુ મંદિર અલગ છે, મંદિરની બહારની કોતરણીમાં દરેક જગ્યાએ સાતમી આઠમી સદીમાં બનતા સ્થાપત્યોની છાંટ જોવા મળે છે અને દરેક દીવાલ ઉપર તે સમયના વિવિધ પ્રસંગો અને સંસ્કૃતિનુ વર્ણન કરવામાં આવ્યુ છે. મુરલી મનોહરજી, રુક્ષમણીજી અને રેવાનાથ મહાદેવના દર્શન કરી ભાવિકો શાંતિનો અનુભવ કરી ધન્ય થાય અને વાંરવાર દર્શને આવવાની મનોકામના રાખે છે.
સુપેડી ગામે ત્રિવેણી સંગમ પાસે મંદિર બનાવવાનો નિર્ણય
મુરલી મનોહરના મંદિરે આવતા ભાવિક ભક્તો અલગ મનોકામના રાખે છે. ઘણા ભાવિકો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી કરેલી માનતા પૂર્ણ કરવા દૂર દૂરથી ચાલીને ભગવાન શ્રીકૃષ્ણના મંદિરે આવી પોતાની માનતા પૂર્ણ કરે છે. ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિક ભક્તો ભગવાન શ્રીકૃષ્ણને ધજા ચડાવી ભોજન પ્રસાદીનું ભવ્ય આયોજન કરી પોતાની માનતા પૂર્ણ કરે છે
મુરલી મનોહર મંદિરની અંદર ભગવાન શ્રીકૃષ્ણની તમામ બાલ્યાવસ્થાઓની વિવિધ મૂર્તિઓ બિરાજમાન છે.
નિર્માણ પૂર્ણ થતા આશ્ચર્ય વચ્ચે બંને મંદિરો એક બીજાની નકલ
ભગવાન શ્રીકૃષ્ણના ગર્ભગૃહની અંદર ભાવિક ભક્તો દર્શન કરી ભગવાન શ્રીકૃષ્ણને કાલાવાલા કરી મંદિરમાં સત્સંગ પણ કરે છે. મુરલીમનોહર મંદિર ખાતે અનેક ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે. મંદિરના પૂજારી અને તેમનો પરિવાર ઘણી પેઢીઓથી ભગવાન શ્રીકૃષ્ણની સેવા પૂજા કરે છે. અને સેવાનો ખૂબ સુંદર રીતે નિભાવ કરી મંદિરે આવતા ભક્તોને જ્ઞાન અને સંસ્કારનુ સિંચન કરે છે. સુપેડી ગામના ગ્રામવાસીઓનો મુરલીમનોહર મંદિરે દર્શન કરવાનો નિત્યક્રમ છે. ગ્રામવાસીઓ રોજ દર્શન કરી ભગવાનને ધરાવવામાં આવતા છપ્પનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે.
ફક્ત ઉગમણું અને આથમણું બન્યાનો જ ફરક
સુપેડીના મુરલી મનોહર મંદિર ખાતે દસ દેવ બિરાજમાન છે. અને તમામ દેવ સ્થાનો પર રોજ ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા ધજાઓ ચઢાવવામાં આવે છે. મંદિર તેમજ આસપાસના વિસ્તારના કોઈ પણ ભૂખ્યા કે ગરીબ લોકો ભૂખ્યા ન જાય કે ભૂખ્યા પસાર ન થાય તે માટે વિશેષ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. હરિ અને હર. હરિ એટલે કૃષ્ણ અને હર એટલે મહાદેવ બંને ભગવાન એક સાથે બિરાજે છે તેવું સમગ્ર ભારત વર્ષમા એક જ મંદિર છે અને તે મંદિર એટલે મુરલી મનોહર મંદિર.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.