રવિચંદ્રન અશ્વિનને WTC ફાઇનલમાં રમવાનો મોકો નહતો મળ્યો એ વિશે વાત કરતાં તેને કહ્યું કે, ' રમતમાં ખેલાડી માટે સુરક્ષાની લાગણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.'
રવિચંદ્રન અશ્વિનને WTC ફાઇનલમાં મોકો આપવામાં આવ્યો નહતો
ખેલાડી માટે સુરક્ષાની લાગણી ખૂબ જ મહત્વપૂર્ણ છે - આર અશ્વિન
'જો અશ્વિન રમ્યો હોત તો અમે WTC ચેમ્પિયન બની શક્યા હોત'
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત હારી ગયાને ઘણા અઠવાડિયા થઈ ગયા છે પણ હજુ ખેલાડીઓના દિલમાં આ વાતનું દુઃખ છે. ખાસ કરીને રવિચંદ્રન અશ્વિન, જેને ટીમ મેનેજમેન્ટ દ્વારા પહેલા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તે પછી ભારતની 209 રનની શરમજનક હાર થઇ હતી. આ હાર સાથે ભારતની ICC ટ્રોફી જીતવાની રાહ વધુ લાંબી થઈ ગઈ છે. હવે અશ્વિને એક ઈન્ટરવ્યુમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર ટિપ્પણી કરી છે.
WTC ફાઇનલમાં મોકો આપવામાં આવ્યો નહતો
રવિચંદ્રન અશ્વિને છેલ્લી બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તેણે કુલ 61 વિકેટ તેના નામે કરી છે એમ છતાં તેને WTC ફાઇનલમાં મોકો આપવામાં આવ્યો નહતો. એવામાં હવે તેને યુટ્યુબ ચેનલ સાથે વાતચીત કરી હતી. શોમાં પેટ કમિન્સના વખાણ કરતાં અશ્વિને કહ્યું હતું કે 'અભિનંદન ઓસ્ટ્રેલિયા! તે એક શાનદાર ફાઇનલ હતી. લાબુશેન સતત કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો, તે પણ કાંગારૂઓના પક્ષમાં સારી રીતે ગયું.'
ખેલાડી માટે સુરક્ષાની લાગણી ખૂબ જ મહત્વપૂર્ણ છે
આ વિશે વાત કરતાં અશ્વિને કહ્યું હતું કે 'મને ચાહકો પ્રત્યે સહાનુભૂતિ છે, પરંતુ કોઈ ખેલાડી રાતોરાત બદલાતો નથી. આપણામાંથી ઘણા એમએસ ધોનીના નેતૃત્વ વિશે વાત કરે છે. તેણે શું કર્યું? તેણે વસ્તુઓ ખૂબ જ સરળ રાખી હતી. હું ઘણા વર્ષો સુધી માહીની કેપ્ટનશીપમાં રમ્યો હતો. તે 15ની ટીમ પસંદ કરતો હતો. પછી તે જ 15 ને આગામી ટીમમાં પણ તક આપવામાં આવી. તે આખા વર્ષ દરમિયાન એક જ પ્લેઇંગ ઇલેવનમાં રમતો હતો. ખેલાડી માટે સુરક્ષાની લાગણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.'
'જો અશ્વિન રમ્યો હોત તો અમે WTC ચેમ્પિયન બની શક્યા હોત'
અશ્વિને ત્યારપછી ભારતીય ટીમને તેમના ICC ટ્રોફીના દુષ્કાળને સમાપ્ત કરવાની બીજી તક ગુમાવવા માટે સોશિયલ મીડિયા પર મળી રહેલી પ્રતિક્રિયાઓ વિશે વાત કરી, જ્યાં મોટાભાગના લોકો ધોની પર પોસ્ટ કરી રહ્યા હતા, જેણે ભારતને ત્રણ ICC ટ્રોફી જીતી છે. 36 વર્ષીય ખેલાડીએ ધ્યાન દોર્યું કે ધોનીની સફળતા પાછળનું કારણ પસંદગીની ટીમમાં ખેલાડીઓને આપવામાં આવતી સુરક્ષાની ભાવના હતી.
હાલના દિવસોમાં ચર્ચાનો વિષય છે રવિચંદ્રન અશ્વિન
WTC ફાઈનલમાં ન રમવાના કારણે હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બનેલા ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન એટલે કે આર. અશ્વિને તે વિશે વાત કરતાં કહ્યું કે તેને ફાઈનલ મેચમાં રમવાનું ચોક્કસ ગમ્યું હોત પરંતુ 48 કલાક મેચ પહેલા મેનેજમેન્ટે મને તેના નિર્ણય વિશે જણાવ્યું. જે બાદ અશ્વિન કંઈ બોલ્યો નહીં અને મેચ હાર્યા બાદ એમને ટીમમાં સ્થાન ન મળ્યું એ સૌથી વધુ ચર્ચિત વિષય બની ગયો હતો. અશ્વિને પણ ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ તાજેતરમાં આ વિશે વાત કરી હતી. આ સાથે જ એમને ટીમ ઇંડિયન ડ્રેસિંગ રૂમમાં કેવો માહોલ છે એ વિશે પણ જણાવ્યું હતું.
હવે ખેલાડીઓ વચ્ચે મિત્રતા નથી રહી
વાત કરતાં રવિચંદ્રન અશ્વિન કહ્યું હતું કે એક સમય હતો જ્યારે ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઘણા ખેલાડીઓ વચ્ચે જય-વીરુ જેવી મિત્રતા જોવા મળતી હતી પણ હવે ડ્રેસિંગ રૂમમાં એટલી હરીફાઈ છે કે ખેલાડીઓ વચ્ચે મિત્રતા નથી રહી. ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ વચ્ચે ગાઢ મિત્રતા રહી છે. એમએસ ધોની અને સુરેશ રૈના, સૌરવ ગાંગુલી અને વિરેન્દ્ર સેહવાગ, આવા ઘણા ઉદાહરણો છે. આ વિશે વાત કરતાં અશ્વિને કહ્યું કે, 'આ દિવસોમાં ભારતીય ડ્રેસિંગ રૂમમાં સાથી ખેલાડીઓ વધુ સહકર્મીઓ જેવા છે. પહેલા ટીમના ખેલાડીઓ વચ્ચે મિત્રતા રહેતી હતી પણ આ આધુનિક સમયમાં વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. એક સમય હતો જ્યારે સાથી ખેલાડીઓ મિત્રો હતા પણ હવે એવું નથી રહ્યું. આ કારણે ઘણું બદલાઈ ગયું છે.'