બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / Daily Horoscope / અન્ય જિલ્લા / Devotees rush to the temple of Kankai Mataji in Gir Somnath

ધર્મ / ક્યારેય દુકાળ પડ્યો નથી અને પડશે પણ નહીં, ગીરમાં સાવજોની વચ્ચે આવેલું છે 'મા'નું મંદિર, લોકવાયકામાં પરચા પૂર્યાનો ઉલ્લેખ

Dinesh

Last Updated: 10:04 AM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય ગિરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનુ મંદીર શકિતપુજાનું ઐતિહાસિક સ્થળ છે. પુરુષ નામધારી શિંગવડા નદીનાં ઉદગમ સ્થાન પાસે આ કનકાઈ ધામ આવેલું છે.

  • ગીર સોમનાથમાં કનકાઈ માતાજીના મંદિરે ભક્તોનો ધસારો 
  • માં કનકાઇ સૌના મનોકામના કરે છે પૂર્ણ
  • ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ 

શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. મધ્ય ગિરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનુ મંદીર શકિતપુજાનું ઐતિહાસિક સ્થળ છે. પુરુષ નામધારી શિંગવડા નદીનાં ઉદગમ સ્થાન પાસે આ કનકાઈ ધામ આવેલું છે. ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી શોભતા હોય અને મોરલા ગળાનાં કટકા કરી કરીને "મલ્હાર" આરાધતા હોય ત્યારે વનરાજીની વચ્ચેનાં આ ધર્મસ્થાને આવેલો યાત્રાળુ ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભુલી જાય છે.ચૈત્રી નવરાત્રીનાં પાવન દીવસોમાં આજે અમે આપને શકિત પીઠ એવા કનકાઇ માતાજી મંદીરનાં દર્શન કરાવીશું

વિસાવદર તાલુકાનાં મધ્યગિરમાં આવેલું છે
શ્રીકનકાઈ માતાજીનું આ મંદીર એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાનાં મધ્યગિરમાં આવેલું છે. જે તુલસીશ્યામથી આશરે 22 કિલો મીટર દુર જંગલ માર્ગે આવેલું છે. કનકાઈ સાસણથી 24,વિસાવદર 32,જામવાળાથી 27, ઉનાથી 72 અને અમરેલી 75 કિલોમીટર દુર મધ્ય ગીરમાં આવેલુ છે. અહીં જવા માટે જામવાળા ચેકપોષ્ટ, અમરેલીથી આવતા સાપનેસ ચેકપોષ્ટ અને વિસાવદરથી આવતા મેલડીઆઈ ચેકપોષ્ટ પરથી વન વિભાગની પરમીટ મેળવી જંગલનો રસ્તો કાપી આવી શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન સોમનાથ અને એરપોર્ટ દિવનું છે. વરસાદની ઋતુમાં વાહન વ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે. કારણકે જંગલ ખાતાની ચેક પોસ્ટથી સાંજનાં 5 વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે ગિરનું આ જંગલ એશિયાટિક સિંહોનું રહેઠાણ છે.

માં કનકાઇ સૌના મનોકામના કરે છે પૂર્ણ
માઁ કનકાઈનું આ ધામ મધ્યગીરમાં હોવાથી અહીં પહોંચવા કે અહીંથી નીકળવા કાળજી રાખવી પડે છે હિંસક પ્રાણીઓ અહીં મુક્તમને વિહરતા હોવાથી સલામતી જાળવવી પડે છે. માઁ કનકાઈનો જે ઇતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ (કનકાવટી) નગરીની સ્થાપના કરી હતી. મા કનકાઈને આ નગરીનાં અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં. આ નગરી આખી સોનાની હતી. કનક એટલે સોનુ. અહીં સોનુ મબલખ હતું પરંતુ ઉપરા ઉપરી 3 વર્ષ દુકાળનાં જવાથી ધાન્ય નહોતું થતું. ત્યારે રાજા કનકસેનએ માઁ કનકાઈની આરાધના કરી અને માતાજી પાસે ધનની સાથે ધાન્યની પણ માંગણી કરી લીધી. આથી આજ દિવસ સુધી ફરી અહીં ક્યારેય દુકાળ પડ્યો નથી. માઁ કનકાઈ ભગવાન શ્રીકૃષ્ણના બહેન હોવાનો પણ સ્કન્ધ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે.

 સૌપ્રથમ જીર્ણોધાર સંવત 1864માં કરવામાં આવ્યો હતો
બીજી એક લોકવાયકા એવી પણ છે કે, વળાના મૈત્રક વંશનાં મુળ પુરુષ કનકસેન અયોધ્યાનાં સુર્યવંશી રાજવી હતાં. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો. તેના વંશજ વિજય સેને વિજયપુર(ધોળકા) વસાવ્યું. વિજય સેનનાં વંશજ ભટ્ટાર્કે વલભીપુરની સ્થાપના કરી. અને કનકસેને મધ્યગિરમાં આવીને કનકાવટી નગરી વસાવી. આથી તેણે શહેરનાં અધિષ્ઠાત્રી દેવી તરીકે મા કનકાઈની સ્થાપના કરી હતી. શ્રી કનકાઈ મંદીરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળ બળની થપાટે જીર્ણ થયેલાં આ મંદીરને ઘણા બધા સમયના વ્હાણા વિતી ગયા. આ કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત 1864માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી. ત્યાર બાદ લગભગ 142 વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો. 

સાતમ,આઠમને દિવસે દિવ્ય હવન 
લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદીરનો જીર્ણોધાર કરવા માટે વિક્રમ સંવત 2006માં એક સમિતિ ની રચના કરવામાં આવી.ત્યાર બાદ આ સમિતિ એ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદીરનું કામ ચાલુ કર્યુ. અને સંવત 2008 એટલે કે તારીખ 03/03/1952ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મુર્તિ જુના મંદીરમાં હતી તે જ મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ચૈત્રી નવરાત્રી ચાલતી હોય સેંકડો શ્રદ્ધાળુઓ અહીં માતાનાં દર્શને પહોંચ્યા હતા. અહીં સાતમ,આઠમને દિવસે દિવ્ય હવન અને રામનવમીના દિવસે પ્રસિદ્ધ કથાકાર સીતારામ બાપુ દ્વારા વર્ષોથી અહીં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ