છેલ્લા 2 માસમાં બાળક સહિત 4 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો
લોકોએ પોલીસ બંદોબસ્તની માંગ ઉઠાવી
અમદાવાદનો CTM એક્સપ્રેસ બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બન્યો હોય તેમ છેલ્લા 2 માસમાં બાળક સહિત 4 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં એક મહિલાનું મોત થયું છે ત્યારે VTVની ટીમે CTM બ્રિજ પર રિયાલિટી ચેક કર્યું કે જેમાં બ્રિજમાં 7 જેટલી જગ્યા પર રેલિંગ લગાવી ન હોવાથી લોકો ત્યાંથી સુસાઇડ કરવા માટે નીચે પડતા હોય છે. લોકોએ પણ બ્રિજને લઈને દહેશત વ્યક્ત કરી અને પોલીસ બંદોબસ્તની માંગ ઉઠાવી છે.
અત્યાર સુધીમાં 4 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલો CTM ડબલ ડેકર બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 4 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે જેમાં એક 48 વર્ષીય બાપુનગર વિસ્તારમાં રહેતી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અવાર નવાર આ પ્રકારે બનતી ઘટનામાં CTM બ્રિજ નીચે આવેલી ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા અનેક વાર આત્મહત્યાનો પ્રયાસ કરતા લોકોને સમજાવવા પ્રયત્ન કરે છે. પરંતુ તેમાં છતાં તે બ્રિજ પરથી પડતું મુકીદે છે. જેને લઈને CTM ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારના ટ્રાફિકના DCP સફિન હસન અને તેમની ટીમ સાથે મળીને બ્રીજનું ઇન્ફેક્સન કરીને 7 જેટલી જ્ગ્યાઓને જે આ બ્રિજ પર આવેલી છે કે જ્યાંથી લોકો આત્મહત્યાના પ્રયાસ માટે પડતું મુકતા હોય છે.
6 ફેબ્રુઆરી
CTM ઓવરબ્રિજ પરથી યુવતીએ બપોરના સુમારે એકા એક છલાંગ લગાવી દીધી હતી. યુવતીએ છલાંગ લગાવતા યુવતી નીચે પટકાઈ હતી. યુવતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ પગે ફેક્ચર થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
17 ફેબ્રુઆરી
12 વર્ષના બાળક બ્રિજ પરથી આપઘાત પ્રયાસ કરવા જતાં સ્થાનિક લોકો અને પોલીસે બચાવીને પરિવારને સોંપ્યો છે. ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકને માનસિક બિમારીની દવા ચાલતી હોવાનું ખુલ્યું છે.. બાળકને ઘરે પિતાએ ઠપકો આપતા માતા પિતાને ઘરમાં પુરીને આપઘાતનો પ્રયાસ કરવા પહોંચ્યો હતો. પરંતુ પોલીસની સજાગતા એ બાળકનો જીવ બચાવ્યો હતો.
1 માર્ચ
સવારે 11 વાગ્યાના અરસામાં એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સવારે યુવતી બ્રિજ ઉપરથી કૂદી ત્યારે નીચે પટકાતા તેને ગંભીર ઇજા થઈ હતી. એટલું જ નહીં, તેને નીચે પટકાયા બાદ તેની ઉપર એક કાર ફરી વળી હતી. આ ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે. આ યુવતી સારવાર હેઠળ છે.
3 માર્ચ
બાપુનગરના શીતલ સોનાર નામની મહિલાએ બ્રિજ પરથી પડતું મુકતા તેમનું મોત નીપજ્યું હતું. સતત વધી રહેલા આપઘાતના પ્રયાસની ઘટનાએ સ્થાનિક લોકોમાં ડર ઉભો કર્યો છે. અને આ ઘટના અટકાવવા અપીલ કરવામાં આવી છે.
CTM ડબલ ડેકર બ્રિજ પરથી છેલ્લા 2 વર્ષમાં 7 જેટલી ઘટનાઓ બની ચુકી છે. જેને લઈને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા DCP સફિન હસન અને તેમની ટીમ સાથે મળીને આ બ્રિજ પરની 7 જેટલી જગ્યાને લઈને અમદાવાદ કોર્પોરેશનને એ જગ્યા પર રેલિંગ લગાવવા માટે એક લેટર પણ લખ્યો હતો. જે લેટર લખ્યો એને પણ 20 દિવસ કરતા વધારે સમય થયો છતાં હજુ શુદ્ધિ તંત્ર દ્વારા કામગીરી કરવાંમાં આવી નથી!
પર CCTV કેમેરા અને પોલીસની ટીમોનું પેટ્રોલિંગ જરૂરી
અનેક રજૂઆતો બાદ બ્રિજ પર સમય અંતરે ટ્રાફિક વિભાગની ટીમ અને પેટ્રોલિંગની ટિમો બ્રિજ પર પેટ્રોલિંગ કરી રહી છે. જેને લઈને હાલમાં આવા પ્રકારના બનાવોમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ સ્થાનિક લોકો દ્વારા પણ એક વાર રજૂઆતો પણ કરવામાં આવી હતી કે આવા બ્રિજ પર CCTV કેમેરા અને પોલીસની ટીમોનું પેટ્રોલિંગ પણ વધારવામાં આવે કે જેને લઈને આત્મહત્યાના કેસોમાં ઘટાડો લાવી શકાય.