બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 22 dead, 41-year-old record broken as Meghtandav strikes in North India

પ્રકૃતિનો કહેર / નદીઓનું રૌદ્ર રૂપ, 22નાં મોત... ઉત્તર ભારતમાં મેઘતાંડવે વર્તાવ્યો કાળે કહેર, તોડ્યો 41 વર્ષનો રેકોર્ડ

Priyakant

Last Updated: 08:56 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

North India Monsoon Update News : દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે

  • દેશભરમાં મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું 
  • ભૂસ્ખલન અને પૂર વચ્ચે અત્યાર સુધી ઓછામાં ઓછા 22 લોકોના મોત
  • દિલ્હીમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો 41 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો 

દેશભરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. આ તરફ ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જ્યાં શનિવાર અને રવિવારના રોજ થયેલા રેકોર્ડ વરસાદે મોટા પાયે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ બની હતી. જેને લઈ અત્યાર સુધી ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા. આ તરફ IMDએ કહ્યું કે, ચોમાસાના વરસાદે દિલ્હીમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવામાન વિજ્ઞાનીઓએ આગાહી કરી છે કે, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. IMDએ  ગોવા અને ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

કાંગડામાં રવિવારે અવિરત વરસાદને કારણે તૂટી ગયેલા રસ્તા પરથી પસાર થતા વાહનો

સોમવાર 10 જુલાઈએ રાષ્ટ્રીય રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદમાં 15 ઈમારતો ધરાશાયી થઈ છે. અનેક સાંસદોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. દિલ્હીના ગાઝિયાબાદમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે. ગુરુગ્રામમાં વરસાદને કારણે લોકોની હાલત દયનીય છે. ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેને જોતા પાંચ જિલ્લા દેહરાદૂન, ઉત્તરકાશી, નૈનીતાલ, અલ્મોડા અને ઉધમ સિંહ નગરમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉત્તરકાશી અને દેહરાદૂનમાં 10 જુલાઈ, 10 અને 11 જુલાઈએ ઉધમ સિંહ નગર, અલ્મોડામાં 10 થી 12 જુલાઈ અને નૈનીતાલમાં 10 થી 13 જુલાઈ સુધી ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

રવિવારે શિમલામાં ભારે વરસાદ વચ્ચે ચાબા પાવર હાઉસ પાસેનો એક પુલ પૂરથી ભરાઈ ગયો 

ઉત્તર ભારતમાં છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન 200 મિલીમીટર (mm) થી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જમ્મુ અને કાશ્મીરથી હરિયાણા સુધીના ઘણા રાજ્યો સતત બીજા દિવસે રેડ એલર્ટ પર છે. દિલ્હીમાં રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો જે 41 વર્ષમાં જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ છે. જે વરસાદ શરૂઆતમાં ગરમી અને ભેજમાંથી રાહત લાવ્યો હતો, તે હવે પર્વતીય રાજ્યોમાં વિનાશક બની ગયો છે અને નદીઓ વહેતી થઈ છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલન થાય છે. પૂરને કારણે કેટલાક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જ્યારે મેદાની વિસ્તારના શહેરો ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. 

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમી વિક્ષેપ અને ચોમાસાના પવનોને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં મુશળધાર વરસાદ અને દિલ્હીમાં સિઝનનો પ્રથમ ભારે વરસાદ થયો છે.   દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે જુલાઈમાં દેશમાં ભારે વરસાદ લાવવો એ સામાન્ય છે, પરંતુ તીવ્ર પશ્ચિમી વિક્ષેપએ વરસાદની પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવી છે. આ ભૂમધ્ય પ્રદેશમાંથી નીકળતી વરસાદી પ્રણાલીઓ છે, જે પશ્ચિમ હિમાલયને અસર કરે છે અને વરસાદનું કારણ બને છે.

NDRFએ નર્મદા નદીમાં ફસાયેલા ચાર લોકોને બચાવ્યા
NDRFની ટીમે હવે મધ્યપ્રદેશના જબલપુરના ગોપાલપુર ગામ પાસે રવિવારે નર્મદા નદીમાં ફસાયેલા ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.

નોઈડા, દિલ્હી અને ફરીદાબાદમાં શાળાઓ બંધ
દિલ્હી અને ગુરુગ્રામ બાદ નોઈડા પ્રશાસને પણ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની તમામ શાળાઓને આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે આજે બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ તરફ ફરીદાબાદ શાળા પ્રશાસને પણ જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની તમામ શાળાઓ સોમવારે બંધ રહેશે.

હિમાચલમાં વરસાદનું તાંડવ, 8ના મોત
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી વરસાદનો તાંડવ જોવા મળી રહ્યો છે. હિમાચલમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે. રાજ્યના ત્રણ જિલ્લા, મંડી, કુલ્લુ અને લાહૌલ સ્પીતિમાં કુલ પાંચ પુલ ધોવાઈ ગયા છે અને બિયાસ અને ચંદ્રભાગા નદીમાં વહી ગયા છે. તે જ સમયે, વરસાદ સંબંધિત ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા છે અને ત્રણ લોકો લાપતા છે.

NDRFએ 6 લોકોના જીવ બચાવ્યા
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના નાગવૈન ગામ પાસે બિયાસ નદીમાં ફસાયેલા 6 લોકો માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રવિવારે મોડી રાત્રે NDRFની ટીમે રાજ્યમાં અવિરત વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે મંડી જિલ્લાના નાગવૈન ગામ નજીક બિયાસ નદીમાં ફસાયેલા 6 લોકોને બચાવ્યા હતા.

17 ટ્રેનો રદ કરવાનો નિર્ણય
ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદ ચાલુ છે. આ કારણે ઉત્તર રેલવેએ લગભગ 17 ટ્રેનો રદ કરવાનો અને લગભગ 12 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે.

આ સ્થળોએ વરસાદના કારણે શાળાઓ બંધ
ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ધોરણ 1 થી ધોરણ 12 સુધીની શાળાઓને પણ 10 જુલાઈ સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. તે જ સમયે, ગુરુગ્રામમાં આજે વરસાદના એલર્ટને કારણે, જિલ્લાની ખાનગી અને સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સિવાય કોર્પોરેટ કંપનીઓને પણ ઘરેથી કામ કરવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ તરફ પંજાબના મોહાલી અને પટિયાલામાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ 10 થી 13 જુલાઈ સુધી બંધ રહેશે. દિલ્હીમાં પણ વરસાદના કારણે આજે તમામ શાળાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 36થી વધુ લોકોને બચાવી લેવાયા 
કઠુઆ જિલ્લા વહીવટીતંત્રે J&K પોલીસ અને SDRFની મદદથી ઉઝ નદીની નજીકના જુદા જુદા સ્થળોએ અચાનક પૂરના કારણે ફસાયેલા 36 થી વધુ લોકોને બચાવ્યા.

દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ ચાલુ છે. જો કે કેટલીક જગ્યાએ વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી રહી છે તો ઘણી જગ્યાએ વરસાદ લોકો માટે મુશ્કેલીનો વિષય બન્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદને કારણે જાનમાલનું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે રોકાયેલી અમરનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.

ક્યાં ક્યાં વરસાદ પડશે ? 
હવામાન વિભાગે સોમવારે પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. 10-12 જુલાઈ સુધી ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે. કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. જોકે, આ પછી તેમાં ઘટાડો થવાની ધારણા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં સમગ્ર પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી જારી કરી છે. કર્ણાટક અને કેરળમાં આગામી 5 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

5 દિવસ ભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગે આગામી 5 દિવસમાં પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આસામ અને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ઝારખંડમાં 10-12 જુલાઈ વચ્ચે ભારે વરસાદ થવાની સંભાવના છે. સોમવારથી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને બિહારમાં 11-13 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ