બ્રેકિંગ ન્યુઝ
Malay
Last Updated: 02:07 PM, 14 March 2023
ADVERTISEMENT
કહેવાય છે કે તકલીફો બધાના જીવનમાં આવે છે પણ આખરે તે જ વ્યક્તિનો વિજય થાય છે કે જે ક્યારેય હિંમત નથી હારતો. પરંતુ અમુકવાર જીવનમાં એવા બનાવો બનતા હોય છે કે ના છૂટકે આપણી પાસે કોઈ રસ્તો જ નથી બચતો કે આપણે શું કરીએ. આવી જ કેટલીક ઘટનાઓ આજે બોર્ડની પરીક્ષા શરૂ થતાં જ સામે આવી છે.
ADVERTISEMENT
પરીક્ષાની આગલી રાતે માતાનું નિધન
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહેતી ખુશી પાટકર નામની વિદ્યાર્થિની ધોરણ 10ની પરીક્ષાને લઈને એકદમ ખુશ લાગી રહી હતી. તે પરીક્ષા આપવા એકદમ તૈયાર હતી, પરંતુ પરીક્ષાની આગલી રાતે જ ખુશીની માતાનું નિધન થતાં ખુશીની ખુશી માતમમાં ફેરાઈ હતી. પરીક્ષાની આગલી રાતે જ માતાની છત્રછાયા ગુમાવી દેતા ખુશી નાસીપાસ થઇ ગઇ હતી.
મન મક્કમ રાખી પેપર આપવા પહોંચી દીકરી
આ દુઃખની ઘડીમાં પણ ખુશીએ મન મક્કમ રાખીને પરીક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. ONGC કેમ્પસમાં આવેલી બરોડા સ્કૂલમાં ખુશી ભારે હૈયે પેપર આપવા માટે પહોંચી હતી. ખુશીને પરીક્ષા કેન્દ્ર પર છોડવા માટે તેના પરિવારજનો આવ્યા હતા. આ અંગે જાણ્યા બાદ ઘણાની આંખો ભીની થઈ ગઈ હતી. આ માલમે ખુશીના ફોઈએ જણાવ્યું હતું કે, મારા ભાભી એટલે કે ખુશીની માતાને ટીબી હોવાથી તેમનું ગઈકાલે રાત્રે અવસાન થયું છે. જે અંગે દીકરીને જાણ થયાં હોવા છતાં તેણે પેપર આપવા ઈચ્છત દર્શાવી હતી. ખુશી તેની મરજીથી પરીક્ષા આપવા આવી છે. તેની હિંમતને અમે દાદ આપીએ છે. તેની પરીક્ષા પૂરી થશે તે બાદ તેની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
વિદ્યાર્થીના પગમાં 3 સળિયા છતાં પરીક્ષા આપવા પહોંચ્યો
રાજકોટમાં એક વિદ્યાર્થીના પગમાં ત્રણ સળિયા ફિટ કરવામાં આવ્યા હોવા છતાં તે હિંમત હાર્યા વિના પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો. રાજકોટનો ધવલ માધોળીયા આજે કડવીબાઈ હાઈસ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષા આપવામાં માટે પહોંચ્યો હતો. આ તકે તેણે જણાવ્યું હતું કે, મારે ધોરણ 9માં 69% આવ્યા હતા અને આ વખતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો. જોકે, પરીક્ષાના થોડા સમય પહેલા જ ક્લાસીસમાંથી છૂટી પરત ઘરે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં શ્વાન આડે ઉતરતા વાહન સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અને પગની બે આંગળીઓ ભાંગી ગઈ હતી અને પગમાં ઓપરેશન કરી 3 સળિયા ફિટ કરવામાં આવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, આજે પરીક્ષાનો પ્રારંભ થયો છે અને મેં તૈયારી પણ સારી કરી છે મારા પિતા રોજ મને સ્કૂલ ખાતે પરીક્ષા આપવા માટે તેડવા મુકવા આવી રહ્યા છે.
ફેક્ચર થવા છતાં પરીક્ષા આપવા પહોંચી હતી વિદ્યાર્થિની
સુરતથી પણ આવો જ બનાવ સામે આવ્યો છે. સુરતમાં પણ ફેક્ચર થવા છતાં વિદ્યાર્થિની પરીક્ષા આપવા પહોંચી હતી. ચાર્મી મોદી નામની વિદ્યાર્થિનીને થોડા દિવસો અગાઉ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં પગના લિગામેન્ટને ગંભીર ઈજા થઈ હતી. તે હિંમત હાર્યા વગર માનસિક મજબૂતી સાથે લોખંડની ઘોડીના ટેકે પરીક્ષા આપવા માટે પહોંચી હતી. વિદ્યાર્થીની માટે વિશેષ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સુરત પોલીસની સરાહનીય કામગીરી
સુરતમાં બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, ટીઆરબીના 78 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે આજે સુરત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસે ધોરણ 10ના વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો છે. શહેરના સરથાણા વરાછા રોડ પર નિરાશ થઇને એક વિદ્યાર્થી ઉભો હતો. વિદ્યાર્થી પાસે વાહનમાં બેસવાના રૂપિયા નહતા. રૂપિયા ન હોવાથી પોલીસકર્મીએ વિદ્યાર્થીને મદદ કરી હતી. વિદ્યાર્થીને બાઈકમાં બેસાડીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.