Team VTV08:04 PM, 18 Mar 21
| Updated: 08:35 PM, 18 Mar 21
ગુજરાતના મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં 298 નવા કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો છે. રાત્રીના 9 વાગ્યા બાદ બહાર નિકળી શકાશે નહીં. અગાઉ 10 વાગ્યાથી કર્ફ્યુ લાગુ કર્યો હતો. પરંતુ વધતા કેસને લઈ કર્ફ્યુનો સમય 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરી દેવાયો છે. તો શની-રવિ માટે પણ કર્ફ્યુના નિયમ જાહેર કરાયા છે. શનિ-રવિના દિવસોમાં મોલ-સિનેમા બંધ રખાશે. અને ખાણી-પીણીના સ્થળ ઉપર પણ તંત્રની તાકતી નજર રહેશે. રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વના નિર્ણયો લીધા છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાઇ પ્રેસનોટ
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને વધુ એક નિર્ણય લેવાયો છે. રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. રાજીવ કુમાર ગુપ્તા, મનપા કમિશ્નર મુકેશ કુમાર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં અમદાવાદા મનપા દ્વારા ડેઝિગ્નેટ કરાયેલી ખાનગી કોવિડ-19 હોસ્પિટલોની સંખ્યા, પથારીઓની ઉપલબ્ધતા, મેડીકલ અને પેરા-મેડિકલ સ્ટાફની સ્થિતિ, ટેસ્ટીંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા અને રસીકરણ વગેરેને ધ્યાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે વિસ્તૃત સમીક્ષા બાદ અમદાવાદમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.
1. અમદાવાદ શહેરના તમામ મોલ અને સિનેમાગૃહો દર શનિ-રવિવારે સંપૂર્ણ બંધ રહેશે. અન્ય દિવસોમાં કોવિડ પ્રોટોકોલનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે.
2. શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. જેનો તમામ શહેરીજનોએ ચૂસ્ત અમલ કરવાનો રહેશે.
મનપા દ્વારા કોરોના સંક્રમણને ફરી વધતુ અટકાવવા તમામ શહેરીજનોને સહકાર આપવા, માસ્ક અચૂક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, શની-રવિના દિવસે લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં મોલ અને માર્કેટમાં પહોંચતા હોય છે. જેના કારણે સરકારે આ નિર્ણય અમદાવાદ માટે કર્યો છે. જો કે, અગાઉ સુરતમાં પણ મોલ અને સિનેમા માટે શનિ-રવિના દિવસોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શનિ-રવિના દિવસોમાં પણ 9 વાગ્યા સુધી બહાર રહી શકાશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના સંકટ વધુ ઘેરાઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1276 નવા દર્દી જ્યારે 899 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 324 કેસ અને ગ્રામ્યમાં 71 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 298 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 111 કેસ, જ્યારે ગ્રામ્યમાં 18 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 98 કેસ અને ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા છે. ત્યારે જાણો24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...