રાષ્ટ્રીયકૃત બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન, આગામી 28 અને 29 માર્ચે રાષ્ટ્રીયકૃત બેંકો હડતાળ પર ઉતરશે
28 અને 29 માર્ચે નેશનલાઇઝ બેંકના કર્મીની હડતાળ
રાષ્ટ્રવ્યાપી હડતાળને પગલે કરોડોના વ્યવહારને અસર થશે
ગુજરાત બેંક વર્કર યુનિયન દ્વારા હડતાળને ટેકો
બેંકોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. અગાઉ પણ અનેક વખત બેંકોમાં હડતાળ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે હવે ફરી એકવાર બેંકના કર્મચારીઓ આક્રમક મોડમાં જોવા મળશે. નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓ ફરી એકવાર વિરોધ નોંધાવશે. 28 અને 29 માર્ચ એમ બે દિવસ નેશનલાઇઝ બેંકના કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરશે તેમ એલાન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 માટે બે સરકારી બેંકો અને એક વિમા કંપનીનું ખાનગીકરણ કરીને 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.
28અને 29 માર્ચે રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ
ઓલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ એસોસિએશન અને બેંક એમ્લોયી ફેડરેશન ઑફ ઇન્ડિયા તથા ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોયી એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ખાનગીકરણ સામે રાષ્ટ્રીયકૃત બેંકો હડતાળ કરવા જઇ રહી છે. 28 અને 29 માર્ચ એમ બે દિવસ બેંકના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે, વળી પાછુ 26 અને 27 માર્ચે શનિ અને રવિવાર આવતો હોવાથી બેંકમાં રજા જ હશે. એટલે કે કુલ ચાર દિવસ બેંકોનું કામકાજ બંધ રહેતા કરોડોના વ્યવહારોને અસર પહોંચશે.
સુરતની નેશનલાઇઝ બેંકોનો ટેકો
28 અને 29 માર્ચે નેશનલાઇઝ બેંકના કર્મીની હડતાળને ગુજરાત બેંક વર્કર યુનિયન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. સુરતની નેશનલાઇઝ બેંકો પણ આ બંને દિવસે હડતાળ પાડશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, મહારાષ્ટ્ર બેંક, અલ્હાબાદ બેંક જેવી રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેતા ખાતેદારોએ મુશ્કેલી ભોગવાવનો વારો આવશે.
બજેટમાં થયું હતું ખાનગી કરણનું એલાન
ઉલ્લેખનીય છે કે સરકારના બજેટમાં બેંકોના ખાનગીકરણનું એલાન કરવામાં આવ્યું હતુ. આવનારા કારોબારી વર્ષમાં 2 બેંકોના ખાનગીકરણની તૈયારી છે. ખાનગીકરણની લિસ્ટમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીજ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંકના નામની ચર્ચા છે. અત્યાર સુધી ખાનગીકરણની લિસ્ટમાં બેંકોની અંતિમ પસંદગી નથી કરવામાં આવી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક ફેબ્રુઆરીએ 2021-22 નું બજેટ રજુ કરતા સાર્વજનિક સેક્ટરની 2 બેંકો અને એક સાધારણ વીમા કંપનીના ખાનગીકરણનો પ્રસ્તાવ રાખ્યો હતો.