RBI દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ હવે નાણા મંત્રાલય નાની બચત યોજનાઓમાં ઉપલબ્ધ વ્યાજ દરમાં વધારો કરી શકે છે. વધતી મોંઘવારી અને મોંઘી લોન વચ્ચે વ્યાજ દરમાં વધારો થઈ શકે છે.
RBI દ્વારા રેપો રેટમાં વધારો
હવે નાણા મંત્રાલય લઈ શકે મોટો નિર્ણય
નાની બચત યોજનાઓના વ્યાજદરમાં થઈ શકે વધારો
જો તમે પણ સુકન્યા સમૃદ્ધિ યોજના અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. સરકાર ટૂંક સમયમાં SSY અને PPFના વ્યાજ દરમાં ફેરફાર કરી શકે છે. જો આમ થશે તો સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરનારાઓને સીધો ફાયદો મળશે.
બેંકો FD અને RD પર વધશે વ્યાજ
સૂત્રોના જણાવ્યા અનુસાર વધતી જતી મોંઘવારીને જોતા સરકારી બચત યોજનાઓ પર વ્યાજ વર્તમાન દર કરતા વધારે હોઈ શકે છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારા બાદ વિવિધ બેંકો દ્વારા એફડી અને આરડીના વ્યાજ દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારી બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં પણ વધારો થવાની આશા છે.
30 જૂને થશે વ્યાજ દરોને લઈને સમીક્ષા
તમને જણાવી દઈએ કે 30 જૂને સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરોની સમીક્ષા થવાની છે. આ સમીક્ષા જુલાઈથી સપ્ટેમ્બર 2022ના ત્રિમાસિક ગાળા માટે થવાની છે. આ વખતે સરકાર તરફથી આ બચત યોજનાઓ પર વ્યાજ દર વધવાની આશા છે. સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં મોંઘવારીને જોતા તેમના પર વ્યાજ વધારી શકાય છે.
શા માટે વ્યાજ દરમાં ફેરફાર થવાની શક્યતા છે?
બેંક અને રિઝર્વ બેંક બંને નાની બચત યોજનાઓ પર વ્યાજ વધારવાના પક્ષમાં છે. આરબીઆઈના ગવર્નરે થોડા દિવસો પહેલા સંકેત આપ્યો હતો કે મોંઘવારી પર અંકુશ લાવવા માટે રેપો રેટ ભવિષ્યમાં વધારી શકાય છે. લોનના વ્યાજ દરમાં વધારા સાથે, એવી સંભાવના છે કે પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના પરના વળતરમાં પણ વધારો થશે.
દર ત્રણ મહિને કરવામાં આવે છે વ્યાજ દરોમાં સુધારો
સરકાર દ્વારા દર ત્રણ મહિને નાની બચત યોજનાઓ પરના વ્યાજની સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા દરમિયાન, વ્યાજ દર વધારવો, ઘટાડવો કે સ્થિર રાખવો તે અંગે નિર્ણય લેવામાં આવે છે. આ વ્યાજ દરો નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.
કઈ બચત યોજના પર કેટલું વ્યાજ
હાલમાં, PPF પર વાર્ષિક 7.1%ના દરે વ્યાજ મળે છે. ત્યાં જ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારાઓને 7.6% વાર્ષિક વળતર આપવામાં આવે છે. ત્યાં જ નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ વિશે વાત કરવામાં આવે તો તેમાં 5.8% વળતર છે. કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 6.9 ટકા છે.