બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meghraja Garbe will come to play in the dark nights of Navratri

હવામાન / ખેલૈયા ચિંતિતઃ નવરાત્રીની રઢિયાળી રાતોમાં મેઘરાજા ગરબે રમવા આવશે, હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહીં, જાણો નવલી આગાહી

Vishal Khamar

Last Updated: 07:49 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ગુજરાતને વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી તેમ છતાં ભેજનું પ્રમાણ વધારે હોઈ ક્યાંક હળવો વરસાદ પડશે. ત્યારે આજે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે.

  • નવરાત્રીની રઢિયાળી રાતોમાં મેઘરાજા ગરબે રમવા આવશે
  • આજે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક ભાગોમાં વરસાદની સંભાવના
  • ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે

શહેર સહિત ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં વરસાદનું કંઈક અંશે વિચિત્ર વર્તન જોવા મળ્યું હતું. જુલાઈ મહિનામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર જતાં લોકો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે જન્માષ્ટમી આવતાં વરસાદે ફરી રાજ્યમાં રમઝટ બોલાવી હતી. હવે વરસાદનું જોર ઓછું થયું છે, પરંતુ એક સમયે ભાદરવો ભરપૂર જેવી વરસાદના મામલે સ્થિતિ થઈ હતી. હવે શુક્રવારથી પંદર દિવસનો શ્રાદ્ધ પક્ષ શરૂ થયો છે. ત્યાર બાદ જગત જનની મા જગદંબાની નવરાત્રી આવશે અને ગયા વર્ષની જેમ નવરાત્રીમાં વરસાદે ખેલૈયાઓને મુસીબતમાં મૂકી દીધા હતા એવી રીતે આ નવરાત્રીમાં પણ વરસાદ ગરબા ગાવા આવી શકે તેમ છે.

ભારે વરસાદ વરસ્યો કે ઘણા વિસ્તારમાં નદી-નાળાં છલકાઈ ઊઠ્યાં
ગુજરાતમાં સપ્ટેમ્બર ભારે ધમાકેદાર રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં તો એવો ભારે વરસાદ વરસ્યો કે ઘણા વિસ્તારમાં નદી-નાળાં છલકાઈ ઊઠ્યાં હતાં અને ક્યાંક ક્યાંક પૂર પણ આવ્યું હતું. જોકે હવે ગુજરાતમાં વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોઈ રાજ્યના અમુક ભાગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે
આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે. તા. ૧ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. તા. ૨ ઓક્ટોબર - ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે. 

બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે
દરમિયાન, કેટલાક હવામાન નિષ્ણાતોએ નવરાત્રીને લઈને મોટી આગાહી કરી છે, જે મુજબ ૨૩ સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોળાર્ધમાં જતાં ચોમાસાની ધીમે ધીમે પીછેહઠ થતી હોય છે, પરંતુ આ વખતે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે, જેના કારણે વરસાદ થશે. તા. ૨ ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે, પરંતુ ૧૮, ૧૯ અને ૨૦ ઓક્ટોબરથી આ વાવાઝોડાની ગતિવિધિમાં મોટા પાયે વધારો થવાથી નવરાત્રીમાં પણ વરસાદ પડશે.
ખેલૈયાઓમાં અત્યારથી જ નવરાત્રી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહ ને ઉમંગ પર જો નવરાત્રીમાં વરસાદ પડ્યો તો પાણી ફેરવાઈ જશે. ગયા વર્ષે પણ નવરાત્રીમાં વરસાદના કારણે કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે ઘૂમી શક્યા નહોતા. આ વર્ષે પણ આવી સ્થિતિનું પુનરાવર્તન થાય તેવી આગાહી કેટલાક હવામાન નિષ્ણાતોએ કરી છે.

પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું આવવાની શક્યતા
આ હવામાન નિષ્ણાતો વધુમાં કહે છે કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તા. ૩૦ સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેશર બનશે, જે મજબૂત   બનીને તા. ૨ ઓક્ટોબર સુધી અરબ સાગરમાં આવશે. તા. ૧૨ ઓક્ટોબર સુધી આ વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે અને સિવિયર સ્ટ્રોમથી એક્સ્ટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. વર્ષ ૨૦૧૮માં આવેલા વિનાશક વાવાઝોડા જેવું બનવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ મજબૂત સિસ્ટમ બની શકે છે, જેનો માર્ગ ઓમાન તરફ જવાની સંભાવના છે. બંગાળનું વાવાઝોડું પ્રતિ કલાકે દોઢસો કિ.મી.ની ઝડપે ફૂંકાઈ શકે છે, જેની અસર મધ્ય પ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતને થશે. ખાસ કરીને ગુજરાતના કેટલાક ઉત્તર-પૂર્વીય ભાગોમાં તેની અસર થઈ શકે.

અત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. આગામી બે-ત્રણ દિવસમાં દેશના ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ મધ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી આજે પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, પરંતુ ગુજરાતમાં જ્યારે ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેવા સમયે નવરાત્રીમાં ફરીથી મેહુલિયાની પધરામણી થશે તેવી કેટલાક હવામાન નિષ્ણાતોની આગાહીના પગલે ખેલૈયાઓમાં અત્યારથી ભારે ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે.

૧૨થી ૨૦ ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
અરબી સમુદ્રમાં થઈ રહેલા હવામાનના ફેરફારના કારણે તા. ૧૨થી ૨૦ ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. રાજ્યમાં ૧૨થી ૨૦ ઓક્ટોબરની વચ્ચે પણ આવો માહોલ સર્જાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ