બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Megharaja's arrival slows down in Ankleshwar-Olpad amid monsoon forecast
Priyakant
Last Updated: 01:13 PM, 25 November 2023
ADVERTISEMENT
Gujarat Rain Forecast : હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે. એક તરફ ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે તો બીજી તરફ માવઠાના કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ખેડૂતો પણ માવઠાના કારણે ચિંતામાં મુકાયા છે. આજે અંકલેશ્વર અને ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં હળવોથી ધોધમાર કમોસમી વરસાદ વરસતા જાણે કે શિયાળામાં ફરી ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે વહેલી સવારથી રાજ્યના અમુક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વિગતો મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ તરફ ઓલપાડ તાલુકાના ગામોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો અંકલેશ્વરના અમુક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે શિયાળું પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ ડાંગરની કાપણી કરી લીધી હતી અને મંડળી સુધી પહોંચાડવાની તૈયારીમાં હતાં તેવામાં વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી માવઠાની આગાહીના પગલે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના યાર્ડોમાં મરચા, મગફળી, ડૂંગળીની આવક લેવાનું બંધ કરવામાં આવ્યું છે. તેમજ જણસ પલળી ન જાય તેની તકેદારી રાખવામાં આવી છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે બાગાયતી ખેતી અને શાકભાજીને નુક્સાન પહોંચ્યું હોવાનું પણ પ્રારંભિક ધોરણે જાણવા મળી રહ્યું છે.
રાજ્યમાં આજથી વાતાવરણમાં પલટાની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે. આજે બનાસકાંઠા-પાટણ, ડાંગ અને નવસારીમાં વરસાદની સંભાવના છે. આ સાથે વલસાડ અને દમણમાં વરસાદની શક્યતા તો કચ્છ, મોરબી અને રાજકોટમાં વરસાદની આગાહી છે. આ સાથે જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.
28 નવેમ્બરથી માવઠાની અસર ઓછી થશે: અંબાલાલ
અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનથ અને વેરાવળ, જામનગરમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણના ભાગોમા પણ વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદનું માવઠું ભારેથી અતિભારે પણ વરસી શકે છે. તેમણે કહ્યું કે, શિયાળામાં ચોમાસા જેવો વાતાવરણ છવાઈ જશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યાતા છે. તેમણે ઉમેર્યું કે, આ માવઠાની અસર 26 અને 27ના દિવસે ભારે રહેશે તેમજ તારીખ 28 નવેમ્બરથી અસર ઓછી થઈ જશે.
હવામાન વિભાગની આગાહી
25 નવેમ્બરથી પૂર્વીય પવનો સાથે નવી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હવામાન બદલાશે. 24મી નવેમ્બરથી એટલે કે આજથી 27મી નવેમ્બર સુધી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ, ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગે કહ્યું છે કે 26 નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે. આજના હવામાન વિશે વાત કરીએ તો સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આજે કેરળ, તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણાના ભાગો, કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી અને એનસીઆરનો હવા ગુણવત્તા સૂચકાંક ગંભીર સ્તરે છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 25થી 27 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે અનેક જગ્યાએ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 24 નવેમ્બરથી ગુજરાત ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ જશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ માવઠાની સૌથી વધુ અસર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં જોવા મળશે. અહી લગભગ 2 ઇંચ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે તો સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં 3 ઇંચ વરસાદ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરામાં બે ઇંચ તથા તેથી વધારે ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે. આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ 25 થી 27 તારીખ સુધી છૂટાછવાયા માવઠાનો વરસાદ જોવા મળી શકે છે.
છેલ્લા 4 વર્ષનું સૌથી તીવ્રતાવાળું માવઠું
આ સાથે તેમણે કહ્યું કે, છેલ્લા 4 વર્ષની અંદર સૌથી તીવ્રતાવાળું માવઠું એ 25 થી 27 નવેમ્બર 2023 દરમિયાન જોવા મળશે. મોટા ભાગે માવઠાની અંદર સામાન્ય વરસાદ પડતાં હોય છે પણ આ માવઠામાં અનેક વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ વરસાદ જોવા મળશે અને પવનની સ્પીડ સામાન્ય રીતે વધી 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.